(યશી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાંક દિવસ પહેલા રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ઉદબોધન પર આભાર વ્યક્ત કરતી વખતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જો આપણે ક્યાંક પંડિત નેહરુના નામનો ઉલ્લેખ કરવાનું ભૂલી જઈએ તો કોંગ્રેસ ગુસ્સે થઈ જાય છે. પણ મારે જાણવું છે કે નેહરુ મહાન હતા તો આ લોકો નેહરુની અટક કેમ નથી વાપરતા? પીએમ મોદીની આ ટિપ્પણીએ એક નવા વિવાદને જન્મ આપ્યો છે. તો વળતા જવાબમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધી તેમના નામ સાથે જે ‘ગાંધી’ અટક જોડે છે તે તેમના પરદાદા ફિરોઝ ગાંધી પાસથી મળેલી છે, જેઓ સ્વતંત્રતા સેનાની, પત્રકાર અને રાયબરેલીના સાંસદ હતા. ફિરોઝ ગાંધીનું માત્ર 48 વર્ષની વયે વર્ષ 1960માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
12 સપ્ટેમ્બર 1912ના રોજ બોમ્બેમાં જન્મેલા ફિરોઝ ગાંધીનું નામ ફિરોઝ જહાંગીર ઘાંડી હતું. તેમના પિતાનું નામ જહાંગીર ફરીદૂન ઘાંડી અને માતાનું નામ રતી માઇ હતું. તેઓ પારસી હતા. પિતા મરીન એન્જિનિયર હતા.
પિતાના મૃત્યુ બાદ ફિરોઝ ગાંધી અલ્હાબાદ આવ્યા
ફિરોઝ ગાંધીના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ખૂબ નાના હતા. તેમના પિતાની મૃત્યુ બાદ યુવાન ફિરોઝ તેમની કાકી શિરીન (શિરીન કમિશનર)ની પાસે જતા રહ્યા, જેઓ તે સમયે લેડી ડફરિન હોસ્પિટલમાં સર્જન હતા. ફિરોઝે અલ્હાબાદની ઇવિંગ ક્રિશ્ચિયન કોલેજમાં એડમિશન લીધું. માત્ર 18 વર્ષની ઉંમરે ફિરોઝ ગાંધીના જીવનમાં બે મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અને બીજી નહેરુ પરિવાર સાથે જોડાણ.
‘ફિરોઝ ઘાંડી’ કેવી રીતે ‘ફિરોઝ ગાંધી બન્યા?
ફિરોઝ ગાંધી એવિંગ ક્રિશ્ચિયન કૉલેજમાં ભણતા હતા એ દિવસોમાં પંડિત જવાહરલાલ નેહરુના પત્ની કમલા નેહરુ કૉલેજની બહાર સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહ્યા હતા. અચાનક તેઓ નીચે પડી ગયા. યુવાન ફિરોઝ તરત જ તેમની મદદ માટે ગયો. બસ, અહીંથી જ ફિરોઝની ‘આનંદ ભવન’માં અવરજવર શરૂ થઇ, જે તે દિવસોમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું કેન્દ્ર હતું. આ સમયે જ ફિરોઝે તેમની અટકમાં ગાંધીની જગ્યાએ ‘ગાંધી’ લખવાનું શરૂ કર્યું, જે એક રીતે મહાત્મા ગાંધીના સાથે સંકળાયેલું હતું.
ઇન્દિરા – ફિરોઝના સંબંધના વિરોધી હતા કમલા નહેરુ
જ્યારે ફિરોઝ ગાંધીએ પહેલીવાર ઈન્દિરા ગાંધીને પ્રપોઝ કર્યું ત્યારે તેઓ માત્ર 16 વર્ષની હતી અને ફિરોઝ તેમના કરતા 5 વર્ષ મોટા હતા. કમલા નેહરુએ બંનેની ઉંમર વચ્ચેના તફાવતને ટાંકીને આ સંબંધનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ઈન્દિરા બહુ નાની છે.
જાણીતા પત્રકાર સાગરિકા ઘોષ તેમના પુસ્તક ‘ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર’માં લખે છે કે, પછીના 5 વર્ષ દરમિયાન ટીબીને કારણે કમલા નેહરુની તબિયત લથડી, પણ ફિરોઝે તેમનો સાથ ન છોડ્યો. તેમની સાથે સારવાર માટે જર્મની પણ ગયા હતા.
વર્ષ 1937માં ઈન્દિરા ઓક્સફોર્ડમાં ગયા ત્યારે ફિરોઝ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કરતા હતા. ઘોષ તેમના પુસ્તકમાં લખે છે કે, બંને યુવા પ્રેમમાં પડ્યા, એક બાજુ ઈન્દિરા કટ્ટરપંથી રાજકીય ચળવળોમાં સામેલ થયા હતા તો બીજી બાજુ ફિરોઝ વી.કે. કૃષ્ણ મેનનની આગેવાની હેઠળની ઈન્ડિયા લીગ સાથે જોડાયેલા હતા.
વર્ષ 1941માં તેઓ ભારત પાછા ફર્યા, બંનેએ કોલેજ છોડી અને લગ્ન કરવાનું નક્કી કર્યું. નહેરુ પરિવારને ઈન્દિરાની પસંદગીથી ખુશ ન હતો, કારણ કે ફિરોઝ તેમની જ્ઞાતિમાંથી આવતો ન હતા, પરંતુ મહાત્મા ગાંધીએ તે બંને વચ્ચેના સંબંધને આશીર્વાદ આપ્યા બાદ આ દંપતીએ 26 માર્ચ, 1942ના રોજ રામ નવમીના દિવસે આનંદ ભવનમાં લગ્ન કર્યા હતા.
એક સાંસદ અને પત્રકાર તરીકે ફિરોઝ ગાંધી
આઝાદી બાદ ફિરોઝ રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે કોંગ્રેસ પાસે દેખીતી રીતે કોઈ વિરોધ નહોતો. જો કે, ફિરોઝ ગાંધી કોઇ મુદ્દે સહમત ન હોય ત્યારે નિયમિતપણે સરકાર અને પક્ષ સામે અવાજ ઉઠાવતા હતા.
એક મોટા નાણાંકીય કૌભાંડનો પર્દાફાશ કર્યો
તે ફિરોઝ ગાંધી જ હતા જેમણે 1958માં સંસદમાં સાબિત કર્યું હતું કે જીવન વીમા નિગમ (LIC) એ સરકારના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી એક કપટી ઉદ્યોગપતિ હરિદાસ મુંધરાની માલિકીની છ માંદી કંપનીઓમાં જંગી રોકાણ કર્યું હતું. ત્યારે ફિરોઝના અભિયાનના પરિણામસ્વરૂપ નાણામંત્રી ટીટી કૃષ્ણમાચારીને રાજીનામું આપવું પડ્યું હતું.
તેની ત્રણ વર્ષ પહેલાં તેમણે દાલમિયા-જૈન અથવા ડીજે ગ્રુપ તરીકે ઓળખાતા નાણાકીય ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો. તેમના ખુલાસાથી જ ‘લાઇફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ’નું રાષ્ટ્રીયકરણ થયું હતું.
તેમણે એક પ્રાઇવેટ મેમ્બર્સ બીલ પણ રજૂ કર્યું હતુ, જેનાથી પત્રકારો માટે સંસદની અંદરની કાર્યવાહીનું રિપોર્ટ કરવું શક્ય બન્યું હતુ.
એક ઘટનાએ ઇન્દિરા-ફિરોઝ ગાંધી વચ્ચેના સંબંધોમાં ઝેર ઉમેર્યું
ઈન્દિરા અને ફિરોઝનું લગ્નજીવન સતત બગડી રહ્યું હતું. ઘોષ લખે છે કે,ઈન્દિરા રાજકીય અને સામાજિક જીવનમાં તેમના પિતાની વધી રહેલી દખલગીરીએ આ દંપતી વચ્ચે વધુ અંતર ઉભું કર્યું હતું.
પત્રકાર કુમી કપૂરે તેમના પુસ્તક ‘ધ ઇમર્જન્સી’માં લખ્યું છે કે, આ દંપતીનો નાનો પુત્ર સંજય ગાંધી પિતા ફિરોઝ ગાંધી પ્રત્યે નિષ્ઠાવાન હતો, અને “તેઓ એવું માનતા હતા કે, તેમના પિતાને એકલા પાડી દેવામાં આવ્યા હતા અને તેમની સુવિધાઓની અવગણના કરવાને કારણે તેમનું હાર્ટ એટેકથી વહેલું મૃત્યુ થયું.”
જો કે અંગત મતભેદો ઉપરાંત, ફિરોઝ તેમની પત્ની સાથે રાજકીય રીતે પણ મતભેદો હતા, ઇન્દિરાની સરમુખત્યારશાહીના વિરોધી હતા જ્યારે તેઓ પોતે લોકશાહી અને સંઘવાદ પ્રત્યે વફાદારી દર્શાવતા છે.
વર્ષ 1959માં કેરળની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરવાના કેન્દ્રના નિર્ણય પર દંપતી વચ્ચે ભયંકર અણબનાવ બન્યો, જેણે બંને વચ્ચેના સંબંધોમાં ઝેર ઉમેરવાનું કામ કર્યું હતું. આ તે સમય હતો જ્યારે નેહરુ જીવિત હતા અને ઈન્દિરા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. ઇએમએસ નંબૂદિરીપદની સરકાર જમીન અને શૈક્ષણિક સંસ્થાઓમાં સુધારા લાવી રહી હતી, જેનો મોટો વિરોધ જોવા મળી રહ્યો હતો. કેન્દ્ર સરકારે આ અશાંતિનો ઉપયોગ સરકારને બરખાસ્ત કરવાના કારણ તરીકે કર્યો હતો. આ પગલાના સૌથી મોટા ટીકાકાર ફિરોઝ હતા, જેમણે આ બાબતે પોતાની પત્નીને ‘ફાસીવાદી’ પણ ગણાવી કહી હતી.
સ્વીડિશ પત્રકાર બર્ટિલ ફોક તેમના પુસ્તક ‘ફિરોઝ ધ ફર્ગોટન ગાંધી’માં (Feroze The Forgotten Gandhi) લખે છે કે, “જાણીતા રાજકીય સંવાદદાતા જનાર્દન ઠાકુરના કહેવા પ્રમાણે: ‘તેમના પતિએ જ કદાચ પહેલાવાર તેમને “ફાસીવાદી” કહ્યા હતા… બ્રેકફાસ્ટ કરતી વખતે ત્રણ વ્યક્તિઓ વચ્ચે કેરળનો મુદ્દે ઉઠ્યો, ઈન્દિરા અને ફિરોઝ વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો, નેહરુ ખૂબ જ વ્યથિત દેખાતા હતા. ફિરોઝે કહ્યું કે, “તે કોઇ પણ રીતે યોગ્ય નથી,” તમે લોકો સાથે ગુંડાગીરી કરો છો. તમે ફાસીવાદી છો.” ઈન્દિરા ગાંધી ભડકી ઉઠ્યા અને ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગયા.”
8 સપ્ટેમ્બર, 1960ના રોજ ફિરોઝ ગાંધીનું હાર્ટ એટેકથી અવસાન થયું. હિન્દુસ્તાન ટાઈમ્સે તેમના અંતિમ સંસ્કાર વિશે અહેવાલ આપ્યો હતો કે “ગીતા અને રામાયણ, કુરાન અને બાઈબલના શ્લોકો ઉચ્ચારવામાં આવ્યા હતા. પારસી ધર્મગુરુઓ દ્વારા મૃત આત્મા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ફિરોઝ ગાંધીને અલ્હાબાદના પારસી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.