China Map : નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટ પહેલા ચીને એક નકશો જાહેર કર્યો છે, જેમાં ભારતના અરૂણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાના નકશામાં દર્શાવવામાં આવ્યા છે. હવે આ મુદ્દે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ આવી ગયું છે. પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ એનડીટીવીના એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે ભારતના પ્રદેશો પર વાહિયાત દાવાઓ કરવાથી તેઓ તેમના બની જશે નહીં.
એનડીટીવીના કાર્યક્રમમાં બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચીને પહેલા નકશો જાહેર કરીને બીજાના પ્રદેશો પર દાવો કરતું આવ્યું છે. આ તેમની જૂની આદત છે. આ કોઈ નવી વાત નથી. જયશંકરે કહ્યું કે તેની શરૂઆત વર્ષ 1950માં થઈ હતી. તેમણે કહ્યું કે અમે અમારા વિસ્તારને લઇને પુરી રીતે ક્લિયર છીએ. આ સરકાર એ વાતે સ્પષ્ટ છે કે આપણે આપણા પ્રદેશની સુરક્ષા માટે શું કરવાનું છે. તમે તેને દેશની સરહદો પર જોઈ શકો છો. વાહિયાત દાવાઓ કરવાથી કોઈ પણ ક્ષેત્ર તમારું બનતું નથી.
આ પણ વાંચો – જી-20 સમિટ ભારત માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે, પીએમ નરેન્દ્ર મોદી એમ જ તૈયારીમાં લાગ્યા નથી
જી-20 પહેલા ચીને નકશો જાહેર કરવા સામે કોંગ્રેસ પાર્ટીએ પણ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે મંગળવારે કહ્યું કે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન ભારતનો અભિન્ન ભાગ છે. ચીનને અપરાધી તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે મનસ્વી રીતથી બનાવેલા નકશાથી હકીકતને બદલી શકાતી નથી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન ભારતના અભેદ્ય અને અભિન્ન ભાગ છે. તેમણે કહ્યું કે મનસ્વી ચીની બનાવેલો નકશો તેને બદલી શકશે નહીં. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે અન્ય દેશોના વિસ્તારોના નામ બદલવાની અને તેમને નકશા પર બતાવવાના મામલે ચીન એક ગુનેગાર રહ્યું છે. કોંગ્રેસ આવા ગેરકાયદેસર સીમાંકન અથવા ભારતીય પ્રદેશોના નામ બદલવા સામે સખત વાંધો ઉઠાવે છે.