મહામારી બાદ મંદી (recession)ની અટકળો ભારતીય અર્થતંત્રને મોટો આંચકો આપી શકે છે. તેમાંય છેલ્લા છ મહિનાથી ફોરેક્સ એક્સચેન્જ રિઝર્વ (foreign exchange reserves) એટલે કે વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સતત ઘટાડાથી ભારત (india) ની સ્થિતિ પણ પડોશી દેશ શ્રીલંકા જેવી થઇ શકે છે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જંગી વિદેશી દેવું અને ફોરેક્સ રિઝર્વમાં (forex reserves) સતત ઘટાડો થવાથી પડોશી દેશ શ્રીલંકાએ દેળાળું ફૂંક્યું છે.
ભારતના વિદેશી હૂંડિયામણમાં એપ્રિલ 2022થી સતત ઘટાડો થઇ રહ્યો છે. ભારતના ફોરેક્સ રિઝર્વમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 96 અબજ ડોલરનું ધોવાણ થયુ છે અને હાલ તે 538 અબજ ડોલર જેટલુ થયુ છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ 3 સપ્ટેમ્બર 2022ના રોજ 642.45 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. આ ઓલટાઇમ હાઇ લેવલથી હાલ ફોરેક્સ રિઝર્વ 104 અબજ ડોલર જેટલું ઘટી ગયુ છે, જે બહુ જ ગંભીર બાબત છે.
ફોરેક્સ રિઝર્વ શા માટે ઘટ્યું?
ફોરેક્સ રિઝર્વમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અમેરિકન કરન્સીની સામે રૂપિયાના મૂલ્યમાં સતત થઇ રહેલા ધોવાણને રોકવા માટે ફોરેન કરન્સી માર્કેટમાં યુએસ ડોલરનું વેચાણ થાય છે. રૂપિયાના મૂલ્યને સપોર્ટ કરવા માટે રિઝર્વ બેન્કે પોતાની પાસે રહેલી ફોરેન કરન્સી એસેટ્સ (foreign currency assets) માંથી કેટલાંક યુએસ ડોલરનું ફોરેન કરન્સી માર્કેટમાં વેચાણ કર્યુ છે, જેના પગલે વિદેશી હૂંડિયામણ ઘટ્યુ છે.
ફોરેન કરન્સી એસેટ્સ એ ફોરેક્સ રિઝર્વનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ફોરેન કરન્સી એસેટ્સમાં ડોલર, પાઉન્ડ, યુરો જેવા મૂલ્યવાન વિદેશી ચલણો હોય છે.
નોંધનિય છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે રૂપિયાનું (dollar vs rupee) મૂલ્ય 9 ટકા જેટલું ઘટી ગયુ છે. 6 ઓક્ટોબર 2022ના રોજ ડોલર સામે રૂપિયો 81.94ની નવી ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
મોંઘવારીને ડામવા માટે અમેરિકાની ફેડ રિઝર્વ બેન્ક વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ કરી રહી છે જેની નકારાત્મક અસર ભારત સહિત દુનિયાભરના દેશોની કરન્સી પર પડી રહી છે. યુએસ ડોલર સામે બ્રિટિશ પાઉન્ડ અને યુરો અને યેન જેવી કરન્સીઓ બે દાયકાની નીચી સપાટીએ ઉતરી ગઇ છે.
ભારત પાસે 9 મહિનાની આયાત થાય તેટલું જ હૂંડિયામણઃ
વિદેશી હૂંડિયામણ દેશની ઇમ્પોર્ટ કવર (import cover) એટલ કે આયાત કરવાની ક્ષમતાની દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે. હાલ ભારતનું વિદેશી હૂંડિયામણ 538 અબજ ડોલર જેટલુ છે જેનાથી દેશની માત્ર 9 મહિનાની આયાત બીલ (import bill) ચૂકવાઇ શકે છે. જો વિદેશી હૂંડિયામણમાં સતત ઘટાડો થયો તો દેશ માટે આયાત સામેની ચૂકવણી કરવામાં મુશ્કેલી સર્જાશે.