Karpoori Thakur : બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે. મંગળવારે મોડી સાંજે મોદી સરકારે આ જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુર પછાત વર્ગોના હિતોની વાત કરવા માટે જાણીતા હતા. કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દી ઉજવણી 24 જાન્યુઆરીએ પટનામાં ધામધુમથી ઉજવવામાં આવશે. જનતા દળ (યુનાઇટેડ)એ આ અંગે સમગ્ર બિહારમાં અભિયાન શરૂ કર્યું છે.
કર્પૂરી ઠાકુર બે વાર બિહારના મુખ્યમંત્રી અને એક વાર ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. તેઓ સૌ પ્રથમ 1952માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 1967માં કર્પૂરી ઠાકુરે જ્યારે ડેપ્યુટી સીએમ બન્યા ત્યારે બિહારમાં ફરજિયાત અંગ્રેજી નાબૂદ કર્યું હતું.
સામાજિક વ્યવસ્થા પરિવર્તનમાં કર્પૂરી ઠાકુરના આદર્શ જેપી, લોહિયા અને આચાર્ય નરેન્દ્ર દેવ હતા. 1970માં જ્યારે તેઓ સરકારમાં મંત્રી બન્યા ત્યારે તેમણે આઠમા ધોરણ સુધી શિક્ષણને મફત બનાવ્યું હતું. ઉર્દૂને બીજી સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. પાંચ એકર સુધીની જમીન પરની મિલકત નાબૂદ કરવામાં આવી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે મને એ વાતની ઘણી ખુશી થઇ રહી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના મહાન નેતા કર્પૂરી ઠાકુર જીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તેમની જન્મશતાબ્દી નિમિત્તે આ નિર્ણય દેશવાસીઓને ગર્વ કરાવનારો છે. પછાત અને વંચિતોના ઉત્થાન માટે કર્પૂરી જીની અતૂટ પ્રતિબદ્ધતા અને દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય પરિદ્રશ્ય પર અમીટ છાપ છોડી છે. આ ભારત રત્ન ફક્ત તેમના અજોડ યોગદાનનું નમ્ર સન્માન જ નથી પણ તે સમાજમાં સમરસતાને વધુ પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો – ગણતંત્ર દિવસ : આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને મહત્વ
કર્પૂરી ઠાકુરે ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમને ‘જનનાયક’ પણ કહેવામાં આવે છે. તેમને દેશમાં OBC અને EBC અનામતના વ્યાપકપણે પ્રણેતા માનવામાં આવે છે.
જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સાંસદો અને ધારાસભ્યોને પ્રલોભન આપતા માસિક પેન્શનનો કાયદો બનાવ્યો હતો. તે સમયે કર્પૂરી ઠાકુરે કહ્યું હતું કે માસિક પેન્શન આપવાનો કાયદો એવા દેશમાં પસાર કરવામાં આવ્યો છે જ્યાં 60માંથી 50 કરોડ લોકોની સરેરાશ આવક સાડા ત્રણ આનાથી લઇને બે રૂપિયા છે. જો દેશના ગરીબ લોકો માટે 50 રૂપિયા માસિક પેન્શનની વ્યવસ્થા થઇ જાય તો તે મોટી વાત હોત.





