Justice Abdul Nazeer Appointed As Governor Of Andhra Pradesh : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 4 જાન્યુઆરી 2023ના રોજ નિવૃત્ત થયા હતા. જસ્ટિસ નઝીરે પોતાના વિદાયી ભાષણમાં સંસ્કૃતનો એક પ્રસિદ્ધ શ્લોક ધર્મો રક્ષતિ રક્ષતિ:કોટ કર્યો હતો.
રામ જન્મભૂમિના પક્ષમાં સંભળાવ્યો હતો નિર્ણય
જસ્ટીસ નઝીરની સૌથી વધારે ચર્યા અયોધ્યા કેસ દરમિયાન થઇ હતી. તે અયોધ્યા મામલાની સુનાવણી કરનાર 5 જજોની બેન્ચના સભ્ય હતા. તે બેન્ચમાં તેમના સિવાય તત્કાલિન સીજેઆઈ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (હાલના સીજેઆઈ) અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા. બેન્ચે નવેમ્બર 2019માં વિવાદિત ભૂમિ પર હિન્દુ પક્ષના દાવાને માન્યતા આપી હતી. જસ્ટિસ નઝીરે પણ રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. તે બેન્ચના એકમાત્ર મુસ્લિમ ન્યાયધીશ હતા.
નોટબંધીને યોગ્ય ગણાવી હતી
પોતાની નિવૃત્તના ઠીક પહેલા જસ્ટિસ નઝીરે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને યોગ્ય ગણાવી હતી. પાંચ જજોની સંવિધાન બેન્ચમાં જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ, જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીવી નાગરત્ના સામેલ હતા.જસ્ટિસ નાગરત્ના સિવાય ચાર જજોએ નોટબંધીને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની પ્રક્રિયામાં કોઇ ગરબડી થઇ નથી. આર્થિક નિર્ણયને પલટાવી શકાય નહીં.
આ પણ વાંચો – 13 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણુંક, રમેશ બૈસ બન્યા મહારાષ્ટ્રના ગર્વનર
ત્રણ તલાક અસંવૈધાનિક નથી
ઓગસ્ટ 2017માં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે બહુમત સાથે ત્રણ તલાકને અસંવૈધાનિક ગણાવ્યું હતું. બેન્ચમાં અલગ-અલગ ધર્મોના જજોનો સમાવેશ કરાયો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીરે માન્યું હતું કે ત્રણ તલાક અસંવૈધાનિક નથી.
2017માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા
જસ્ટિસ અબ્દુલ નઝીર ફેબ્રુઆરી 2017માં કર્ણાટક હાઇકોર્ટમાંથી પ્રમોટ થઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. તે જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થયા પહેલા તે કોઇપણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રહ્યા ન હતા. મેંગ્લોર સાથે સંબંધ ધરાવનાર જસ્ટિસ નઝીરે કર્ણાટક હાઇકોર્ટમાં લગભગ 20 વર્ષો સુધી અધિવક્તા તરીકે પ્રેક્ટિસ કરી હતી. 2003માં તેમને હાઇકોર્ટના અતિરિક્ત ન્યાયધીશ નિયુક્ત કર્યા હતા.
અંકલના ખેતરમાં કામ કરતા હતા જસ્ટિસ નઝીર
જસ્ટિસ અબ્દુલ નઝીરના વિદાય સમારોહમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે તેમને પીપલ્સ જજની પદવી આપી હતી. જસ્ટિસ નઝીર ઘણા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમની સફર ઘણી મુશ્કેલ રહી છે. તે પોતાના અંકલના ખેતરમાં કામ કરતા અને દરિયા કિનારે માછલીઓ વીણતા મોટા થયા છે.