Female Judges In India : સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) એ સુપ્રીમ કોર્ટ અને દેશભરની ઉચ્ચ અદાલતોમાં મહિલા ન્યાયાધીશોના ઓછા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એસબીસીએ દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના મુખ્ય ન્યાયાધીશ અને કોલેજિયમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયિક નિમણૂકોના આગામી તબક્કામાં વધુ મહિલા ન્યાયાધીશોની બઢતી અંગે તાત્કાલિક અને યોગ્ય રીતે વિચારણા કરે.” ’
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ચિંતા વ્યક્ત કરી
વકીલોની સંસ્થાએ જણાવ્યું હતું કે તે રેકોર્ડ પર છે કે ઉત્તરાખંડ, ત્રિપુરા, મેઘાલય અને મણિપુર જેવી ઘણી ઉચ્ચ અદાલતોમાં હાલમાં કોઈ મહિલા ન્યાયાધીશ નથી, અને દેશભરની હાઇકોર્ટમાં ન્યાયાધીશોની લગભગ 1,100 મંજૂર પદ છે, જેમાંથી લગભગ 670 પુરુષો અને ફક્ત 103 મહિલાઓ કાર્યરત છે, જેમાંથી બાકીના પદ ખાલી છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, “એસસીબી એ ઊંડી નિરાશા વ્યક્ત કરે છે કે સુપ્રીમ કોર્ટમાં તાજેતરની નિમણૂકોમાં, બાર અથવા બેંચમાંથી કોઈ મહિલા ન્યાયાધીશને બઢતી આપવામાં આવી નથી, જ્યારે 2021 થી સુપ્રીમ કોર્ટમાં કોઈ મહિલા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી નથી.”
હાલ સુપ્રીમ કોર્ટની બેંચમાં એક જ મહિલા જજ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એસસીબીએના પ્રમુખ વિકાસસિંહે 24 મે અને 18 જુલાઈના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવાઈને પત્ર લખીને વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સહિત ઉચ્ચ ન્યાયતંત્રમાં હોદ્દાઓ પર ઓછામાં ઓછું પ્રમાણસર પ્રતિનિધિત્વ મહિલાઓ દ્વારા ભરવામાં આવે.
વકીલોની સંસ્થાએ જણાવ્યું હતું કે એસસીબીએ દ્રઢપણે માને છે કે અદાલતની બેન્ચમાં વધુ લિંગ સંતુલન માત્ર વાજબી અને સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે જ નહીં પરંતુ ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ મજબૂત કરવા, ન્યાયિક દૃષ્ટિકોણને સમૃદ્ધ બનાવવા અને ન્યાયની સર્વોચ્ચ સંસ્થામાં આપણા સમાજની વિવિધતાને પ્રતિબિંબિત કરવા માટે પણ જરૂરી છે.