Visa Fraud Scam : જલંધર જિલ્લાના ભટનુરા લુબાના ગામના રહેવાસી 29 વર્ષના ગુરપ્રીત સિંહ સાથે જે થયું તે કોઈની સાથે ન થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગુરપ્રીત સિંહ સુથારનું કામ કરતો હતો. તે દર મહિને 25 હજાર રૂપિયા સરળતાથી કમાઈ લેતો હતો. તે પોતાના કામથી સંતુષ્ટ હતો. તેના જીવનમાં અશાંતિ ત્યારે આવી, જ્યારે તેના એક પરિચિતે તેને ઈટાલી જઈને વધુ પૈસા કમાવવાની લાલચ આપી. ગુરપ્રીત સિંહે શરૂઆતમાં ના પાડી હતી પરંતુ, સુરજીત સિંહના વારંવારના દબાણ બાદ તે ઈટાલી જવા માટે રાજી થઈ ગયો હતો. તેને લાગ્યું કે, તે વધુ પૈસા કમાશે જેનાથી તેના પરિવારનું ભવિષ્ય સુધરશે. જોકે તેની સાથે છેતરપિંડી થઈ હતી.
સુરજીતે ગુરપ્રીતનો એક એજન્ટ સાથે પરિચય કરાવ્યો, જે લોકોને ઈટાલી મોકલતો હતો. ગુરપ્રીત સિંહને ઈટાલી જવા માટે વિઝા, ફ્લાઈટ ટિકિટ વગેરે સહિત 13 લાખ રૂપિયાની જરૂર હતી. સુરજીતે કહ્યું કે, તે ઈટાલી પહોંચે ત્યારે 13 લાખ રૂપિયા આપવાના. સુરજીતની વાત સાંભળીને પરિવારના સભ્યો સંમત થયા.
15 જાન્યુઆરીએ ગુરપ્રીતે તેનો પાસપોર્ટ સુરજીતને આપ્યો હતો. 5 દિવસમાં જ તેને દુબઈનો ટ્રાવેલ વિઝા મળી ગયો. 24 જાન્યુઆરીએ તેઓ દુબઈ જવા રવાના થયા હતા. તે અમૃતસર એરપોર્ટ પર વધુ બે યુવકોને મળ્યો. તે પણ એક એજન્ટ મારફતે ઈટલી પણ જતા હતો. ત્રણેય 24 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. હસન નામની એજન્સીના માણસ તેમને દુબઈ એરપોર્ટ પર મળ્યા હતા. આ પછી, તેમણે લગભગ 3.30 વાગ્યે દુબઈથી ફ્લાઈટ લીધી અને 24 જાન્યુઆરીની મોડી રાત્રે બેનગાઝી પહોંચ્યા.
ગુરપ્રીત 13 દિવસ સુધી બેનગાઝીમાં રહ્યો
બેનગાઝી પહોંચ્યા બાદ તેઓ ઉત્તર પ્રદેશના સંતોષ કુમારને મળ્યા. સંતોષ તેમને એક ફ્લેટમાં મુકી ગયો. તેઓ 7મી ફેબ્રુઆરી સુધી એટલે કે 13 દિવસ સુધી ત્યાં રહ્યા હતા. ગુરપ્રીતે કહ્યું કે, જ્યારે પણ તેણે સંતોષને ઈટાલીની ફ્લાઈટ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, થોડા દિવસ લાગશે. જો કે, બાદમાં તેમણે જણાવ્યું કે પાણીપતના એજન્ટ કપનિમલ રાણાએ પંજાબ અને હરિયાણામાં સુરજીત સિંહ જેવા ઘણા એજન્ટોને કામે રાખ્યા છે. તેઓ યુવાનોને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપતા હતા. તેણે એ પણ જણાવ્યું કે, દુબઈ અને લિબિયામાં આવા ઘણા એજન્ટોનું નેટવર્ક કામ કરી રહ્યું છે.
ગુરપ્રીતે 25 જાન્યુઆરીએ તેના પરિવારને ફોન કર્યો કે, તે લિબિયામાં ફસાયેલો છે. તેણે તેની સાથે શું થઈ રહ્યું હતું તે પરિવારને જણાવ્યું. જ્યારે પરિવારે સુરજીતને આ વિશે પૂછ્યું તો, તેણે કહ્યું કે તે બે દિવસમાં ઈટાલી પહોંચી જશે.
‘તાડપત્રીમાં બાંધી લઈ ગયા, શ્વાસ પણ નહોતો લેવાતો’
આ પછી સુરજીતે ગુરપ્રીતના પરિવાર પાસેથી તેને ઇટાલી મોકલવા માટે પૈસા માંગવાનું શરૂ કર્યું. ગુરપ્રીતના પરિવારે સુરજીતને લીબિયામાંથી બહાર કાઢવા માટે 13 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, આ પછી ગુરપ્રીત સાથે ખરાબ થવાનું શરૂ થયું. 7 ફેબ્રુઆરીએ તેને તાડપત્રીથી ઢાંકીને ગેરકાયદેસર રીતે તુબારક શહેરમાં લઈ જવામાં આવ્યો હતો. ગુરપ્રીતે જણાવ્યું કે, તે શ્વાસ પણ લઈ શકતો ન હતો. આ પછી અન્ય બંને યુવકોથી અલગ જગ્યાએ મોકલી દેવામાં આવ્યા હતા.
‘રેતીમાં ઊંઘતા, શૌચાલયનું પાણી પીતા, કપડાં ફાટી ગયા…’
તુબરક પહોંચ્યા પછી ગુરપ્રીતને ખબર પડી કે, ત્યાં તેના જેવા 40 વધુ લોકો છે. ત્યાંથી તેમને વાહનમાં બેસાડી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને પ્રાણીની જેમ રાખવામાં આવ્યા હતા. તેમને રેતી પર સૂવા અને શૌચાલયનું પાણી પીવાની ફરજ પડી હતી. 10 એપ્રિલે ગુરપ્રીતને માફિયાઓને વેચી દેવામાં આવ્યો હતો. તેમની સામે કોઈ વ્યક્તિ આખો સમય બંદૂક લઈને તેમની સામે ઊભો રહેતો હતો. તેમને ડરાવવા માટે ગોળીઓ ચલાવવામાં આવતી હતી. તેનો ફોન, કપડાં, તેનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાં પાણી પણ નહોતું. કપડાં ફાટી ગયા હતા, વાળમાં જૂ પડી ગઈ હતી. તેના શરીર પર ઘા હતા. શરીરમાંથી વાસ આવતી હતી. તેમને દર 14 કલાકે ખાવા માટે માત્ર બ્રેડનો એક ટુકડો આપવામાં આવતો હતો. તેઓને ગંદકીમાં રાખવામાં આવ્યા હતા. તેઓને મજૂર તરીકે કામ કરાવવામાં આવતુ હતુ. તેઓને કાટમાળ નીચે સૂવાની ફરજ પડી હતી. એકંદરે તેમની હાલત પશુ જેવી થઈ ગઈ હતી. જો કોઈ વિરોધ કરે તો, તેને માર મારવામાં આવતો.
13 મેના રોજ ગુરપ્રીત અને અન્ય લોકોને બોટ પર ક્યાંક કામ કરવા લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ પોલીસનો દરોડો પડ્યો અને તેને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યો. જેલમાં પણ તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
આ રીતે ગુરપ્રીત અને અન્ય લોકો બચી ગયા
એક મહિના બાદ 11 ભારતીય યુવાનોએ રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીનો સંપર્ક કર્યો. ટ્યુનિશિયામાં ભારતીય અધિકારીઓની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ લોકો પણ ફસાયેલા હતા. આ લોકોએ જ ગુરપ્રીત અને અન્ય જેલમાં હોવાની માહિતી આપી હતી. ગુરપ્રીત અને તેના સાથીઓને ત્રીપોલી જેલમાંથી બહાર કાઢીને 30 જુલાઈના રોજ કેમ્પમાં લાવવામાં આવ્યા હતા. પરિવારજનોને લાગ્યું કે, ગુરપ્રીત હવે જીવિત નથી. જોકે તેમણે અખબારમાં તેની તસવીર જોઈ હતી. આ પછી તેમણે સાંસદ વિક્રમજીત સિંહ સાહનીનો સંપર્ક કર્યો. આ રીતે, લાંબી રાહ જોયા પછી, ગુરપ્રિત તેના પરિવારને મળ્યો. તે અત્યારે તેના ઘરે છે. જોકે તે હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી. તેણે શપથ લીધા છે કે, હવે તે ક્યારેય ભારતની બહાર નહીં જાય. તે પોતાનું કામ પંજાબમાં જ કરવા માંગે છે. રિપોર્ટ અનુસાર હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.





