scorecardresearch

પશ્ચિમ બંગાળના હાવડામાં પત્થરમારો, દુકાનો અને વાહનો પર હુમલો, 36 લોકોની ધરપકડ

Clashes In Howrah West Bengal : પશ્ચિમ બંગાળના હાવડામાં બપોરે લગભગ 1.30 કલાકની આસપાસ ભીડે દુકાનો અને વાહનો પર હુમલો કર્યો હતો, વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ ઉપર પણ પત્થરમારો કર્યો હતો

Howrah
હિંસાની ઘટના પછી હાવડામાં હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે (Express Photo)

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલા પછી વિસ્તારમાં તણાવ વચ્ચે શુક્રવારે ફરી બપોરે હિંસાની ઘટનાઓ સામે આવી છે. ડ્યૂટી પર રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આજે (શુક્રવારે) બપોરે લગભગ 1.30 કલાકની આસપાસ ભીડે દુકાનો અને વાહનો પર હુમલો કર્યો હતો. વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ ઉપર પણ પત્થરમારો કર્યો હતો.

આ વિસ્તારમાં ફરજ પરના એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આજની હિંસા શાને કારણે થઈ તે હજુ સ્પષ્ટ નથી. આ કેટલાક બદમાશો દ્વારા આયોજનબદ્ધ કાર્યવાહી હોવાનું જણાય છે. ગયા વર્ષે પણ આ વિસ્તારમાં રામ નવમીની ઉજવણી પછી તણાવ જોવા મળ્યો હતો પરંતુ આ વર્ષે જે હદે જોવા મળી રહ્યો છે તેટલો ન હતો. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરિસ્થિતિને કાબુમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે શિબપુર પોલીસ સ્ટેશનની બંને બાજુથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ગંગા ગાર્ડન એપાર્ટમેન્ટ અને પીએમ બસ્તીની નજીક કાઝીપારા વચ્ચેના વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

આ પણ વાંચો – સરબત ખાલસા શું છે? કેમ અમૃતપાલ બૈસાખી પર તેનું આયોજન કરવાની કરી રહ્યો માંગ?

શુક્રવારની અથડામણમાં ફસાયેલી એક 18 વર્ષની છોકરીએ કહ્યું કે હું આજે સવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી પરંતુ લગભગ બે કલાક સુધી અહીં ફસાયેલી રહી. બહારની પરિસ્થિતિ ડરામણી હતી.

ગુરુવારે અહેવાલો અનુસાર પીએમ બસ્તી વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. બે જૂથો વચ્ચે તણાવ વધી જતાં કેટલીક દુકાનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે વારંવાર તેઓ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયાસ કરતા રહે છે અને આ એકમાત્ર વસ્તુ છે જે તેઓ સારી રીતે કરી શકે છે. આજે પણ તેઓએ હાવડામાં સાંપ્રદાયિક હિંસા ફેલાવી હતી. મેં વારંવાર કહ્યું છે કે હું રામ નવમીની કોઈ પણ શોભાયાત્રાને અવરોધીશ નહીં. મેં મારા પક્ષના કાર્યકરો અને પોલીસને સૂચના આપી હતી.

બીજી તરફ બીજેપી બંગાળના અધ્યક્ષ ડૉ. સુકાંત બેનર્જીએ ટ્વિટ કર્યું હતું કે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોએ રામનવમીના શોભાયાત્રાઓ પર હુમલો અને આગચંપીએ સીએમ મમતા બેનર્જીના રામનવમીના આયોજકો વિરુદ્ધના ઉશ્કેરણીજનક નિવેદનોનું સીધું પરિણામ છે.નઅમે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે વેસ્ટ બંગાળની પોલીસ તોફાનીઓ સાથે ઉભી છે અને ચૂપચાપ જોઈ રહી છે.

Web Title: Fresh clashes in howrah west bengal stone pelting shops and vehicles

Best of Express