G-20 summit : જી-20 બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 8 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 8 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શુક્રવારે એટલે કે આવતીકાલે બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થશે. રાષ્ટ્રપતિ જો બાઇડેન ત્રણ દિવસ સુધી ભારતમાં રોકાશે અને બેઠકમાં ભાગ લેનારા દેશોનો રાષ્ટ્રાધ્યક્ષને પણ મળશે.
અમેરિકી અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેન જી-20 જઈ રહ્યા છે અને તેઓ જી-20 માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે દુનિયા આ અઠવાડિયાના અંતમાં દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં જોશે કે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ પડકારજનક સમયમાં પણ સાથે મળીને કામ કરી શકે છે.
ભારતમાં ત્રણ દિવસ રહેશે બાઇડેન
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં રહેશે. ભારત પહોંચતા પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન જર્મનીના રામસ્ટીનમાં થોડો સમય રોકાશે. જો બાઇડેન તે જ દિવસે નવી દિલ્હી પહોંચશે. જો બાઇડેન શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે.
વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર બાઇડેન શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સત્તાવાર આગમન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ જી-20ના નેતાઓ સાથે સત્ર 1 વન અર્થમાં ભાગ લેશે. આ પછી જી-20ના લીડર્સ સમિટ સેશન 2: જી -20 એક પરિવારમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે. જો બાઇડેન જી -20 નેતાઓ સાથે ડિનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તેમના દિવસનો અંત કરશે.
આ પણ વાંચો – જી-20 સમિટ : દિલ્હીની હોટલોમાં રાખવામાં આવશે દારૂગોળો, 26/11ના હુમલાથી લીધો બોધપાઠ
જો બાઇડેન રાજઘાટ સ્મારકની મુલાકાત લેશે
અમેરિકી રાષ્ટ્રપતિ રવિવારે જી-20ના અન્ય નેતાઓ સાથે રાજઘાટ મેમોરિયલની મુલાકાત લેશે. ત્યારબાદ બાઇડેન વિયેતનામ જવા રવાના થશે. બાઇડેન વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ગુયેન ફુ ટ્રોંગ દ્વારા આયોજિત એક સ્વાગત સમારોહમાં ભાગ લેશે.
આ મુદ્દાઓ પર થશે ચર્ચા
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે જી-20 એજન્ડા ખાસ કરીને આર્થિક સહકાર અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (એનએસસી)ના સંયોજક જોન કિર્બીએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન જળવાયુ પરિવર્તન અને ચાલી રહેલા યુક્રેન યુદ્ધ પર ચર્ચા કરે તેવી સંભાવના ઓછી છે. ભારતે છેલ્લા એક વર્ષ એટલે કે 1 ડિસેમ્બરથી જી-20નું પ્રમુખપદ સંભાળ્યું હતું. દેશના 60 શહેરોમાં લગભગ જી-20 સંબંધિત લગભગ 200 બેઠકો યોજાઇ હતી.
બાઇડેનની સુરક્ષામાં રહેશે અમેરિકી ગાર્ડ્સ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષા ઘણા સ્તરોમાં રહેશે. ભારતમાં હોવા છતાં બાઇડેનની સંપૂર્ણ સુરક્ષા વ્હાઇટ હાઉસના ગાર્ડ્સના હાથમાં રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમની કાર બીસ્ટમાં દિલ્હી ફરશે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ બાઈડેનની કાર બુલેટપ્રૂફ છે અને બોમ્બથી હુમલો કરવામાં આવે તો પણ કોઈ નુકસાન નહીં થાય. રાષ્ટ્રપતિ બાઈડેનની ગાડી જે સ્થળેથી પસાર થશે ત્યાં સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અહીં નજીકની ઇમારતોમાં સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સાથે જ રસ્તા પર જે પણ અવરોધ હશે તે અગાઉથી દૂર કરી દેવામાં આવશે.
બાઇડેન માટે 5 સ્ટાર હોટલમાં 400 રૂમ બુક કરાયા
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન દિલ્હીની 5 સ્ટાર હોટલ આઈટીસી મૌર્યમાં રોકાશે. તેમના પહેલા ભારત આવેલા તમામ અમેરિકી રાષ્ટ્રપતિ આ હોટલમાં રોકાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાઇડેન માટે 400થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે. જો બાઇડેન આ હોટલના પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં રોકાશે.





