G20 summit 2023 : જી 20 શિખર સમ્મેલન અંતર્ગત વિશ્વના નેતાઓના સ્વાગત માટે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડિનરનું આયોજન કર્યું છે. આ ડિનરમાં જી 20 દેશોથી આવેલા વિદેશી મહેમાનોની સાથે દેશની મોટી હસ્તીઓ અને તમામ નેતાઓને નિમંત્રણ આપ્યું છે. આ સાથે જ દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે, અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે છ રાજ્યોના મુખ્યમંત્રી આ ડીનરમાં સામેલ નહીં થાય.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જી 20ના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મેજબાનીમાં થઇ રહેલા ડિનરથી વિપક્ષના છ મુખ્યમંત્રી અનુપસ્થિત રહી શકે છે. રિપોર્ટ પ્રમાણે કહેવાયું છે કે વિપક્ષની સત્તાવાળા 12 રાજ્યો પૈકી છ રાજ્યોના મુખ્યમંત્રી અલગ અલગ કારણોથી ડિનરથી દૂર રહી શકે છે. હેલ્થના કારણે બે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને એચડી દેવેગૌડા પણ ગેર હાજર રહેશે.
ડિનરમાં નહીં થનારા મુખ્યમંત્રીઓ
મીડિયા રિપોર્ટમાં સૂત્રોનો હવાલો આપીને જણાવ્યું હતું કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલ અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ડિનરમાં સામેલ નહીં થાય. અશોક ગહેલોતના અંગૂઠામાં ફ્રેક્ચર છે જેના કારણે તેઓ પ્રવાસથી બચી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સ્વાસ્થ્યના કારણે ડિનરમાં સામેલ નહીં થાય. કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા પણ કેટલાક કારણોથી ગેરહાજર રહેશે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ ડિનરમાં ભાગ નહીં લઇ શકે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી આ સમયે લંડનમાં છે અને 12 સપ્ટેમ્બરે પરત આવશે. આ કારણે તેઓ ડિનરમાં સામેલ નહીં થાય. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દિલ્હી જવાની પુષ્ટી કરી નથી અને ખંડન પણ કર્યું નથી. તેમણે આનું કોઇ કારણ જણાવ્યું નથી.
આ મુખ્યમંત્રીઓ ડિનરમાં થશે સામેલ
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પંજાબના મુખ્યમંત્રી ભગવંન માન અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્સુ ડિનરમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી જી20ના આયોજન સ્થળ ભારત મંડપમમાં ડિનરનું આયોજન કર્યું છે.





