G-20 summit : દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે યોજાનારી જી-20 સમિટ પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ‘ભારત મંડપમ’ ખાતે 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન જી-20 સમિટ યોજાશે. આ સમિટમાં 20થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયનના ટોચના અધિકારીઓ અને આમંત્રિત અતિથિ દેશોના અધિકારી અને 14 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખો ભાગ લે તેવી શક્યતા છે.
વિશ્વના તમામ મોટા નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સંમેલન દરમિયાન આતંકવાદી હુમલાની સ્થિતિમાં દારૂગોળાની કોઈ કમી ન પડે તે માટે ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીની હોટલોમાં ખાસ હથિયારો એકઠા કર્યા છે. સૂત્રોએ કહ્યું કે આનાથી કમાન્ડોને ઓપરેશન દરમિયાન ગોળીઓ અને અન્ય શસ્ત્રોનો અવિરત પુરવઠો મળી શકશે.
26/11ને ધ્યાનમાં રાખીને તમામ સલામતીનાં પગલાં
ગોળીઓ ઉપરાંત, આ સ્ટોરહાઉસમાં સૈનિકો માટે ભરેલી મેગેઝિન, તબીબી પુરવઠો, સ્ટન અને સ્મોક ગ્રેનેડ, વાયરલેસ સેટ ચાર્જર્સ, સૈનિકો માટે બેકઅપ શસ્ત્રો પણ લોડ કરવામાં આવશે. 26/11ના આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા છે. એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે 2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા દિગ્ગજો દ્વારા કરવામાં આવેલા ઘણા સૂચનોને જી 20 શિખર સંમેલનના સુરક્ષા ઉપાયોમાં સામેલ કરવામાં આવ્યા છે. મોટાભાગના પગલાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિને ટાળવા સાથે સંબંધિત છે.
બેકઅપ માટે આર્મ્સ સપ્લાય ચેન રહેશે
આવા શસ્ત્રો રાખવાનો વિચાર થોડા મહિના પહેલા લ્યુટિયન્સ દિલ્હીમાં એક સુરક્ષા તૈયારી બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કમાન્ડોના બેકઅપ તરીકે સપ્લાય ચેન જાળવવામાં આવશે. જો હુમલો થશે તો પુરવઠાની ટીમ જરૂરી સામાન સાથે મુખ્ય ટીમ સાથે ચાલશે. તેઓએ સપ્લાય માટે પાછા દોડવું પડશે નહીં અને કોઈ પણ જાતની અડચણ વગર કામગીરી પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો – G20 મહેમાનોના ફૂડ મેનૂમાં છે ખાસ પ્રકારની વાનગીઓ, ચાંદીના વાસણોમાં પીરસાશે ભોજન
સુરક્ષા એજન્સીઓએ હથિયારો ઉપરાંત તમામ હોટલોની છત પર એન્ટી ડ્રોન મિકેનિઝમ લગાવી દીધું છે, જેથી હોટલોની આસપાસ ઉડતા કોઈપણ ડ્રોનને પાડી શકાય. સમિટ દરમિયાન પ્રગતિ મેદાનને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
દિલ્હીની 16 હોટલોમાં વીવીઆઈપી રોકાશે
દિલ્હીમાં ઓછામાં ઓછી 16 હોટેલ્સ છે, જેમાં દેશના વડાઓ સહિત મુલાકાતી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એડવાન્સ એલર્ટ સિસ્ટમથી માંડીને ડેપ્યુટી કમિશનર રેન્કના પોલીસ અધિકારીઓને સ્થળ કમાન્ડર તરીકે તૈનાત કરવા સુધી, સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સ્થળ કમાન્ડર ઇન્ટેલિજન્સ બ્યુરો અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના અધિકારીઓ સાથે સંકલન કરીને વિદેશી સુરક્ષા ટીમના સભ્યો સાથે સંપર્ક કરશે.
હોટલના સ્ટાફની ચકાસણી અનેક રાઉન્ડમાં કરવામાં આવી છે. હોટલના દરેક ફ્લોર માટે સ્ટાફનું એક અલગ જૂથ હશે અને તેમની હિલચાલ દરેક સમયે તે ફ્લોર સુધી મર્યાદિત રહેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે એક માળના કર્મચારીઓને અન્ય કોઈ ફ્લોરની સુવિધા મળશે નહીં. તેઓ પ્રવેશ અને બહાર નીકળવા માટે સમિટ દરમિયાન ખાસ પ્રોગ્રામ કરેલા કી કાર્ડ્સનો ઉપયોગ કરશે. હોટલમાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ માટે લગભગ ત્રણ રૂમ હશે. સ્થળ કમાન્ડરના નિયંત્રણ હેઠળ બે ઓરડાઓને સુરક્ષા નિયંત્રણ રૂમમાં ફેરવવામાં આવશે.





