Chinese Mysterious Bags : દિલ્હીમાં જી-20 સમિટ સંપૂર્ણ ભવ્યતા સાથે શરૂ થઈ અને તે જ રીતે સમાપ્ત થઈ. દુનિયાના ઘણા દેશોમાં આ માટે ભારતના વખાણ થઈ રહ્યા છે, પરંતુ હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે, જેણે ખળભળાટ મચાવી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જી-20 સમિટ દરમિયાન હોટલ તાજ પ્લેસમાં ચીનના પ્રતિનિધિમંડળની રહસ્યમય બેગને કારણે હંગામો મચી ગયો હતો. આ દરમિયાન 12 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, G-20 સમિટ માટે ભારત આવેલા ચીનના પ્રતિનિધિમંડળનું આયોજન તાજ પેલેસ હોટલમાં કરવામાં આવ્યું હતું. બ્રાઝિલનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં હાજર હતું.
ચીનના પ્રતિનિધિમંડળના સભ્ય પાસે એક રહસ્યમય બેગ હતી. પ્રોટોકોલ મુજબ, હોટલ સુરક્ષા દ્વારા તે બેગની તપાસ કરવામાં આવી ન હતી. બાદમાં હોટલના સ્ટાફે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા દળોને બેગમાં કઈંક વિચિત્ર દેખાતા ડિવાઈસ અંગે જાણ કરી હતી. સુરક્ષા દળોએ ચીનના પ્રતિનિધિમંડળની બેગને સ્કેનરમાં મૂકવાનું કહ્યું. આ પછી ચીનના પ્રતિનિધિમંડળના સભ્યએ બેગની તપાસ કરાવવાની ના પાડી દીધી. લગભગ 10 થી 12 કલાક સુધી બેગને લઈને હોબાળો થયો હતો. સુરક્ષા દળો 12 કલાક સુધી એક જ રૂમની બહાર તૈનાત રહ્યા હતા.
સુરક્ષા કર્મચારીઓ આમ પણ પરેશાન થયા હતા, જ્યારે તેમને ખબર પડી કે, ચીનના પ્રતિનિધિમંડળે એક અલગ અને ‘ખાનગી’ ઈન્ટરનેટ કનેક્શનની માંગણી કરી છે, જેનો હોટેલે ઈન્કાર કરી દીધો હતો. હોટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, 12 કલાકના ડ્રામાનો ઉકેલ ત્યારે જ આવ્યો જ્યારે ચીની સુરક્ષા અધિકારીઓ હોટલમાંથી તેમની ડિવાઈસ હટાવી તેમના દૂતાવાસને મોકલવા માટે સંમત થયા હતા. યોગાનુયોગ, G20 સમિટના આગામી યજમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ પણ આ જ હોટલમાં રોકાયા હતા.
તાજ પેલેસમાં સુરક્ષાનો હિસ્સો રહેલા સૂત્રોએ પુષ્ટિ કરી કે, ચીની સુરક્ષા કર્મચારીઓએ સાધનસામગ્રીનું નિરીક્ષણ કરવાની વિનંતીનો પ્રતિકાર કર્યો, પરંતુ ભારતીય સુરક્ષા ટીમ તેના સ્ટેન્ડ પર અડગ રહી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ત્રણ સભ્યોની સુરક્ષા ટીમે લગભગ 12 કલાક સુધી રૂમની બહાર રક્ષક તરીકે ઊભા રહેવું પડ્યું હતું, તે પહેલાં એક ચીની સુરક્ષા અધિકારીએ કહ્યું કે, તેઓ તેને દૂતાવાસમાં મોકલી દેશે.”
ડિવાઈસ અંગે, ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ‘સર્વેલન્સ સેટ-અપ્સ’ હતા કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય નહીં કારણ કે, તેમને ડિવાઈસની તપાસ કરવાની તક મળી નથી. એક ગુપ્તચર અધિકારીએ તેના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. તે કહે છે કે, આવા ડિવાઈસનો ઉપયોગ સામાન્ય રીતે સુરક્ષિત સંચાર ચેનલોને વિક્ષેપિત કરવા અને જામ કરવા માટે થતો હતો. જો કે, સૂટકેસમાં ખરેખર શું હતું તે એક રહસ્ય જ રહ્યું છે.
આ પણ વાંચો – G20 Summit: બાયોફ્યુઅલ શું છે? કયા કયા દેશ બન્યા તેના સભ્ય, કેવી રીતે પીએમ મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે G20 સમિટમાં હાજરી આપી ન હતી અને તેમના સ્થાને વડા પ્રધાન લી કિઆંગને મોકલ્યા હતા. લી, જેમના આગમનની છેલ્લી ઘડીએ જાહેરાત કરવામાં આવી હતી, તેમણે વરિષ્ઠ નેતાઓ માટેના સામાન્ય ‘ખાસ વિમાનો’માં મુસાફરી કરી ન હતી અને સ્પેશ્યલ ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવ્યા હતા, ભારતીય એજન્સીઓને આને લઈ પણ આશ્ચર્ય થયું હતું.





