US President Joe Biden Comes by Airforce-1 Aircraft Pentagon in G20 Summit : દિલ્હીમાં ચાલી રહેલા G-20 સમિટમાં સામેલ થવા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ભારત આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન શુક્રવારે સાંજે લગભગ 7 વાગે દિલ્હીના પાલમ એરપોર્ટ પર આવી પહોંચશે. અમેરિકન રાષ્ટ્રપતિ તેમના વિશેષ વિમાન એરફોર્સ-1થી ભારત પહોંચશે. જો બિડેનના આગમન પહેલા જ હવાઈથી લઈને રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. યુએસ સિક્રેટ સર્વિસ અને વ્હાઇટ હાઉસની ટીમ એક મહિનાથી ભારતમાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં સેંકડો એજન્ટો અને અધિકારીઓ તૈનાત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસ ભારતમાં રોકાશે. તમને જણાવી દઈએ કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન જે દેશમાં જાય છે તે દેશની સુરક્ષા પ્રોટોકોલ ખૂબ જ કડક રાખવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ જે વિમાનમાં મુસાફરી કરે છે તેની ગણતરી દુનિયાના સૌથી સુરક્ષિત પ્લેનમાં થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ એરફોર્સ-1 વિમાનથી કરે છે પ્રવાસ
અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન અન્ય દેશમાં જવા માટે એરફોર્સ-1 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. આ એરક્રાફ્ટને ફ્લાઈંગ પેન્ટાગોન પણ કહેવામાં આવે છે. એરફોર્સ-1 એરક્રાફ્ટની સાથે અનેક વિમાનોનો કાફલો હોય છે. ભારતમાં એરફોર્સ-1ના લેન્ડિંગની સાથે જ અન્ય એક વિમાન પણ સાથે આવે છે. જોકે, આ વિમાનને ગુપ્ત સ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવે છે. એરક્રાફ્ટમાં ખામી અથવા કટોકટીના કિસ્સામાં, અન્ય એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
અમેરિકાના એરફોર્સ વન વિમાનની ખાસિયો
અમેરિકાના પ્રમુખનું એરફોર્સ-1 એરક્રાફ્ટ 747-200B સિરીઝનું છે. આ એરક્રાફ્ટની અંદર હોસ્પિટલ, ઓફિસ અને કિચન સહિત અનેક અત્યાધુનિક સુવિધાઓ હોય છે. એરફોર્સ-1 એરક્રાફ્ટ ત્રણ માળનું છે. તેનો કુલ વિસ્તાર 4,000 ચોરસ ફૂટ છે. આ વિમાનમાં 102 લોકો એકસાથે મુસાફરી કરી શકશે. આ વિમાનનો એક ભાગ હોસ્પિટલ તરીકે પણ વાપરી શકાય છે. તેમાં હંમેશા ડોક્ટરોની ટીમ તૈનાત રહે છે. વિમાનની અંદર જો બિડેન માટે એક ઓફિસ પણ બનાવવામાં આવી છે અને રાષ્ટ્રપતિ માટે આરામ કરવા માટે એક પ્રેસિડેન્શિયલ સ્યુટ પણ છે. ઉપરાંત વિમાનમાં રહેતા અન્ય લોકો માટે રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
મિસાઈલ અને પરમાણુ હુમલાથી બચવામાં સક્ષમ
એરફોર્સ-1 એરક્રાફ્ટ એક સમયે 12,000 કિમીથી વધુનું અંતર કાપવામાં સક્ષમ છે. જો જરૂરી હોય તો, એરક્રાફ્ટમાં વિમાનમાંથી જ ઇંધણ રિફિલ કરી શકાય છે. એરફોર્સ-1 એરક્રાફ્ટ કોઈપણ પ્રકારના હુમલાને ટાળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. એરફોર્સ-1 પર ન તો કોઈ મિસાઈલથી હુમલો કરી શકાય છે અને ન તો પરમાણુ બોમ્બથી. જો હુમલો કરવામાં આવે તો પણ વિમાન તેનાથી બચવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે આ વિમાન ક્યારેય એરપોર્ટ પર પાર્ક થતું નથી. આ પ્લેન જ્યાં ઉતરે છે ત્યાં ઊભું રહે છે.
ઈમરજન્સીમાં એરફોર્સ-1 મિનિટોમાં ટેક ઓફ કરી શકે છે. એરફોર્સ-1 ટેકઓફ થાય તે પહેલા કાર્ગો પ્લેન ટેક ઓફ કરે છે. આ વિમાનમાં વાયુસેનાના હેલિકોપ્ટર, રાષ્ટ્રપતિની બખ્તરબંધ કાર ધ બીસ્ટ, હથિયારો અને સુરક્ષાકર્મીઓ હાજર છે. તમને જણાવી દઈએ કે અમેરિકન રાષ્ટ્રપતિનો સિક્યુરિટી પ્રોટોકોલ ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે. તેમા મુસાફરીના માર્ગોની તૈયારી, જોખમોની આશંકા અને હોટેલ સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે. એરફોર્સ-1માંથી નીચે ઉતરવાની સાથે રાષ્ટ્રપતિની ટીમ આયોજન સ્થળ પર પહોંચવાની વ્યવસ્થા સંભાળે છે.
આ પણ વાંચો | ઝીરો ટ્રસ્ટ મોડલ શું છે? જે G-20 મીટિંગ પહેલા દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યું, અગાઉની સમિટમાંથી શીખ્યા પાઠ?
એરફોર્સ-1ની સાથે ઉડે છે 6 બોઇંગ C17 વિમાન
અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેનના એરફોર્સ-1 એરક્રાફ્ટ સાથે 6 બોઇંગ C17 વિમાન પણ ઉડાન ભરે છે. રાષ્ટ્રપતિના કાફલામાં એક હેલિકોપ્ટર પણ હોય છે. યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટ્સ અને સ્થાનિક એજન્સીઓ રાષ્ટ્રપતિના કાફલાનો રૂટ નક્કી કરે છે. રૂટ નક્કી કરતી વખતે કટોકટીની સ્થિતિમાં એસ્કેપ રૂટ પણ નક્કી કરવામાં આવે છે. જ્યાં રાષ્ટ્રપતિ રોકાય છે ત્યાંથી હોસ્પિટલનું અંતર 10 મિનિટથી વધુ ન હોવું જોઈએ.





