G20 Summit : G20 સમિટ દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે. રાષ્ટ્રીય રાજધાની શહેરની મુલાકાત લેતા વિશ્વના નેતાઓને હોસ્ટ કરવા માટે લગભગ તૈયાર છે. G20 સમિટમાં લગભગ 29 રાજ્યના વડાઓ, યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીઓ, અતિથિ દેશોના પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 14 નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. વિદેશી મહાનુભાવોને રહેવા માટે દિલ્હી-એનસીઆરમાં ઘણી હોટલ બુક કરવામાં આવી છે. સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ અને પ્રતિનિધિઓને હોસ્ટ કરવા માટે 30 થી વધુ હોટલ બુક કરવામાં આવી છે.
કોણ ક્યાં રહેશે?
અહેવાલો અનુસાર, આઈટીસી મૌર્ય, તાજ પેલેસ, ધ ઓબેરોય, ધ લોધી, ધ ઈમ્પિરિયલ અને લે મેરીડિયન સહિતની મોટી હોટલોમાં રૂમ બુક કરવામાં આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જો બિડેન આઇટીસી મૌર્ય શેરેટોનમાં રોકાય તેવી અપેક્ષા છે. હોટેલમાં દરેક ફ્લોર પર સિક્રેટ સર્વિસ કમાન્ડો હશે અને તેમને 14મા માળે તેમના રૂમમાં લઈ જવા માટે એક ખાસ લિફ્ટ લગાવવામાં આવી છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, હોટલમાં રાષ્ટ્રપતિ બિડેન અને તેમના સ્ટાફને હોસ્ટ કરવા માટે લગભગ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ હોટેલ અગાઉ યુએસ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ, બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા તેમજ અન્ય રાજ્યોના વડાઓને હોસ્ટ કરી ચૂકી છે.
જૉ બિડેન જ્યાં રોકાશે તે હોટલનું ભાડું શું છે?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન જે હોટલમાં રોકાશે તે ITC મૌર્ય હોટેલ દેશની ટોચની હોટેલ્સમાં ગણાય છે. મોટે ભાગે માત્ર વિદેશી VVIP મહેમાનો જ અહીં રોકાય છે. આ હોટેલની સમગ્ર ભારતમાં શાખાઓ છે. જો કે આ હોટલના અલગ-અલગ રૂમનું ભાડું અલગ-અલગ છે, પરંતુ જો બિડેન જ્યાં રોકાશે તે રૂમનું ભાડું સૌથી વધુ છે. બિઝનેસ ટુડેમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, જો બિડેન જ્યાં રોકાશે તે હોટલના ચાણક્ય સ્વીટમાં એક રાત્રિ રોકાણનું ભાડું લગભગ 8 લાખ રૂપિયા છે. આ સ્યુટ 4600 ચોરસ ફૂટમાં છે.
આ દરમિયાન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને દિલ્હીની તાજ હોટેલમાં રહેવાની વ્યવસ્થા થાય તેવી સંભાવના છે, જ્યારે હોટેલ શાંગરી-લા બ્રિટનના ઋષિ સુનક તેમજ જર્મનીના અધિકારીઓની યજમાની કરશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને તેમની સાથેના અધિકારીઓ ક્લેરિજમાં રોકાશે, જ્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ દિલ્હીની ઈમ્પીરીયલ હોટલમાં ચેક-ઈન કરશે.
આ પણ વાંચો – G20 summit : જી-20 સમિટમાં શું પુતિન અને જિનપિંગ ભાગ ન લે તો ભારતની સાખ ઘટી જશે?
સુરક્ષા – ‘પરીંદા ભી પર નહી માર સકેગા’
આ સમયગાળા દરમિયાન, દિલ્હીની સરકારી કચેરીઓ 8-10 સપ્ટેમ્બરના રોજ બંધ રહેશે, જ્યારે નવી દિલ્હી જિલ્લામાં બેંકો અને વ્યાપારી સંસ્થાઓ – બજારો સહિત – આ ત્રણ દિવસ દરમિયાન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. G20 સમિટ દરમિયાન સમગ્ર દિલ્હીને છાવણીમાં ફેરવવામાં આવશે. આ સમય દરમિયાન ‘પરીંદા ભી પર નહી માર સકેગા’ તેવી સુરક્ષા વ્યવસ્થા હશે.





