ભારતના રાજકારણના સૌથી અગ્રણી પરિવારના બે વાસરદાર એકબીજાના વિરોધી પક્ષ સાથે જોડાયેલા છે. અમે વાત કરી રહ્યા છે ઇન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી અને વરુણ ગાંધીની છે. બંને સગા પિતરાઇ ભાઇ છે પણ બંને અલગ-અલગ રાજકીય પાર્ટીના નેતા છે. રાહુલ એ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે તો વરુણ એ સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર છે. જેમાં રાહુલ ગાંધી વારસાગત કોંગ્રેસના નેતા છે તો વરુણ ગાંધી તેમની માતાની જેમ ભાજપ સાથે જોડાયેલા છે. બંને પિતરાઇના રસ્તાઓ ભલે અલગ-અલગ હોય પરંતુ બંનેમાં એક વાત સમાન છે અને તે છે સમર્થન. બંને ભાઇઓને બુદ્ધિજીવીઓનું મજબૂત સમર્થન મળી રહ્યું છે.
હકીકતમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની ભારત જોડો યાત્રા વિશે સમગ્ર દેશ જાણે છે. તેમણે તાજેતરમાં જ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા પૂર્ણ કરી છે. તેઓ સતત તેમની પાર્ટીને મજબૂત કરવા માટે ભગીરથ કામગીરી કરી રહ્યા છે જ્યારે તેમના પિતરાઈ ભાઈ વરુણ પણ એક અલગ વિષય પર સમાન વિચારધારા ધરાવતા લોકોને એક સાથે લાવવામાં વ્યસ્ત છે.
વરુણ ગાંધીએ તાજેતરમાં અર્બન ઇન્ડિયા અને તે સંબંધિત વિષયો પર એક પુસ્તક લખ્યું છે – ‘ધ ઈન્ડિયન મેટ્રોપોલિસ’. શહેરમાં રહેતા લોકોને પડી રહેલી સમસ્યાઓના નિવારણની જરૂરિયાત સમજાવતી આ પુસ્તક અલગ-અલગ ક્ષેત્રોના રાજકીય પક્ષોના સાંસદોને પણ એક કરી રહી છે. એવા અહેવાલ છે કે વરુણ ગાંધીએ તેમના પુસ્તકને લઇને જે પણ સાંસદનો સંપર્ક કર્યો છે, તેમણે આ ગંભીર મુદ્દા પર ધ્યાન દોરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી છે.
ભારત જોડો યાત્રા વખતે રાહુલે વરુણ અંગે નિવેદન આપ્યું હતું
થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પિતરાઈ ભાઈ વરુણ ગાંધી વિશે વાત કરી હતી. તે સમયે કોંગ્રેસ પાર્ટીની યાત્રા પંજાબમાં હતી. ત્યારપછી વરુણ તેના ભાજપ વિરોધી નિવેદનોને કારણે સતત સમાચારમાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ તેમના પિતરાઈ ભાઈને મળી શકે છે અને ગળે લગાવી શકે છે પરંતુ વરુણ સાથે તેમનો વિચારધારાનો મતભેદ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તે ભાજપમાં છે. જો તેઓ અહીં આવે છે, તો તેમના માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હું ક્યારેય RSS કાર્યાલય જઈ શકતો નથી. તેની પહેલાં તમારે મારું માથું કાપી નાખવું પડશે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે વરુણે ઘણા વર્ષો પહેલા એ કહેવાનો પ્રયાસ કર્યો હતો કે આરએસએસ સારું કામ કરી રહી છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વરુણના કોંગ્રેસમાં પ્રવેશની અટકળોનો અંત આવી ગયો છે. ત્યાર બાદથી વરુણ ગાંધી ભાજપ સરકારની વિરૂદ્ધ થઇ રહેલા નિવેદનો પર મૌન સેવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.