Ganesh Chaturthi 2025 : ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે. મહારાષ્ટ્રના એક ગામમાં ચાર દાયકાથી પણ વધુ સમયથી અનોખો ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં એક મસ્જિદમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનિક ગણેશ મંડળના સ્થાપક અશોક પાટીલે જણાવ્યું હતું કે, સાંગલી જિલ્લાના ગોતાખીંડી ગામના રહેવાસીઓને અન્ય સ્થળોએ થતી ધાર્મિક તંગદિલીની ક્યારેય અસર થઈ નથી. આ ગામની વસ્તી આશરે 15,000 છે, જેમાં મુસ્લિમ સમુદાયના 100 પરિવારોનો સમાવેશ થાય છે.
45 વર્ષથી મસ્જિદમાં ગણેશજીની સ્થાપના
60 વર્ષીય અશોક પાટીલ જણાવે છે કે, મુસ્લિમો પણ આ મંડળના સભ્ય છે. તેઓ ‘પ્રસાદ’ બનાવવામાં, પૂજા અર્ચના કરવામાં અને તહેવારની તૈયારીમાં મદદ કરે છે. આ પરંપરા 1980માં શરૂ થઈ હતી જ્યારે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના સભ્યોએ ભારે વરસાદને કારણે સાંગલી જિલ્લાના ગોતાખીંડી ગામમાં એક મસ્જિદની અંદર ભગવાન ગણેશની મૂર્તિ ખસેડવાનો નિર્ણય કર્યો હતો.
તેઓ ઉમેરે છે કે, “ત્યારથી આ ધાર્મિક વિધિઓ શાંતિપૂર્ણ રીતે ચાલુ રહી છે અને તેમાં મુસ્લિમ સમુદાયની સક્રિય ભાગીદારી છે.” ‘નવા ગણેશ તરુણ મંડળ’ની સ્થાપના 1980માં ગામના ઝુનઝાર ચોક ખાતે કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિને મસ્જિદમાં 10 દિવસના તહેવાર માટે રાખવામાં આવે છે અને ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે તહેવારોના સમાપન સમયે સ્થાનિક જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે.
મુસ્લિમોએ એક વર્ષ બકરી ઈદ પર કુરબાની ન આપી
અશોક પાટિલે જણાવ્યું હતું કે, બકરી ઈદ અને ગણેશ ચતુર્થીનો તહેવાર એક સાથે આવતા મુસ્લિમોએ કુરબાની ન આપી અને માત્ર નમાઝ અદા કરીને જ પોતાનો તહેવાર ઉજવ્યો હતો. તેમણે કહ્યું, “તેઓ હિન્દુ તહેવારો દરમિયાન પણ નોનવેજ ખાવાનું ટાળે છે.”
વડાપ્રધાને કહ્યું હતું કે, “સમગ્ર દેશે અહીંના સામાજિક અને ધાર્મિક સંવાદિતાનાં વાતાવરણમાંથી પ્રેરણા લેવી જોઈએ. પાટીલે જણાવ્યું હતું કે, દર વર્ષે સ્થાનિક પોલીસ અને તહેસિલદારને ગણેશ મૂર્તિના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે આમંત્રિત કરવામાં આવે છે.





