ગંગા નદી એ ભારતની સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ નદી છે. તેનું ધાર્મિક મહાત્મયની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે. હવે ગંગા નદીમાં લક્ઝરી ક્રૂઝની મુસાફરી પણ માણી શકાશે તે માટે ભારત સરકારે વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ શરૂ કરી રહી છે. ‘ગંગા વિલાસ’ ક્રૂઝ ક્યારે શરૂ થશે, તેનું ટાઇમ-ટેબલ, તેનો રૂટ અને રૂટમાં આવતા પ્રવાસન સ્થળો સહિતની તમામ માહિતી જાણો
‘ગંગા વિલાસ’ ક્રૂઝ ક્યારે શરૂ થશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ વિશ્વની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને લીલી ઝંડી દેખાડશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહેશે. ગંગા વિલાસ ઉત્તર પ્રદેશના વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ જશે.
‘ગંગા વિલાસ’ ક્રૂઝ કેટલું અંતર કાપશે?
ગંગા વિલાસ 50 દિવસમાં 3,200 કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન આ લક્ઝરી રિવર ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશની 27 નદીઓમાંથી પસાર થશે, જેમાં ગંગા, ભાગીરથી, હુગલી, બ્રહ્મપુત્રા અને વેસ્ટ કોસ્ટ કેનાલ વગેરેનો સમાવેશ થાય છે.
ગંગા વિલાસ તમને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ સહિત 50 થી વધુ પ્રખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવશે. આ ક્રુઝ જ્યાં રોકાશે તે સ્થાનો સ્થાપત્યની દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ગંગા વિલાસ સુંદરવન ડેલ્ટા અને કાઝીરંગા નેશનલ પાર્ક સહિત અનેક ઉદ્યાનો અને અભયારણ્યોમાંથી પણ પસાર થશે.
‘ગંગા વિલાસ’ ક્રૂઝમાં કઇ-કઇ સુવિધાઓ મળશે?
‘ગંગા વિલાસ’ ક્રુઝના પ્રવાસ અનુભવને આનંદપ્રદ બનાવવા માટે, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો, જિમ, સ્પા, ઓપન-એર ઓબ્ઝર્વેશન ડેક, વ્યક્તિગત બટલર સેવા વગેરે જેવી સુવિધાઓ હશે.
જળમાર્ગ મંત્રાલય સર્બાનંદ સોનોવાલે 12 નવેમ્બરે ટ્વિટ કર્યું હતું કે વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ આવતા વર્ષે જાન્યુઆરીમાં તેની યાત્રા શરૂ કરશે. ગંગા વિલાસ ભારતની બે સૌથી મોટી નદીઓ ગંગા અને બ્રહ્મપુત્રામાંર 4,000 કિલોમીટરનું અંતર કાપશે. આ ક્રૂઝ પવિત્ર વારાણસીથી બાંગ્લાદેશ થઈને ડિબ્રુગઢ પહોંચશે.
‘ગંગા વિલાસ’ ક્રૂઝમાં કેટલા મુસાફરો પ્રવાસ કરી શકશે?
સત્તાવાર વેબસાઇટ અનુસાર, ‘ગંગા વિલાસ’ ક્રૂઝમાં એક સાથે 80 મુસાફરો મુસાફરી કરી શકશે. ‘ગંગા વિલાસ’ એ લક્ઝરી ક્રુઝ છે જેમાં 18 સ્યુટ અને અન્ય તમામ સંબંધિત સુવિધાઓ છે. સ્યુટ્સનું આર્કિટેક્ચર શાહી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ કોલકાતાની હુગલી નદીથી વારાણસીમાં ગંગા નદીના કિનારે સ્થિત વિવિધ મુખ્ય સ્થળોએ જશે.
‘ગંગા વિલાસ’નું ટાઇમ-ટેબલ
પહેલાથી જ જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ‘ગંગા વિલાસ’ ક્રૂઝ વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે. આ ક્રૂઝ તેના પ્રવાસના આઠમાં દિવસે બક્સર, રામનગર અને ગાઝીપુર થઈને પટના પહોંચશે. પટનાથી આ ક્રુઝ કોલકાતા માટે રવાના થશે. આ ક્રૂઝ 20માં દિવસે ગંગા વિલાસ ફરક્કા અને મુર્શિદાબાદ થઈને પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે બાંગ્લાદેશની રાજધાની ઢાકા જવા માટે રવાના થશે અને બાંગ્લાદેશની સરહદમાં પ્રવેશ કરો. ત્યાર પછીના આગામી 15 દિવસ સુધી આ લક્ઝરી રિવર ક્રૂઝ બાંગ્લાદેશની જળસીમામાં રહેશે. અંતે આ રિવર ક્રૂઝ ગુવાહાટી થઈને ભારતમાં પ્રવેશ કરશે અને શિવસાગર થઈને ડિબ્રુગઢ પહોંચીને પ્રવાસ સમાપ્ત કરશે.

‘ગંગા વિલાસ’ ક્રૂઝનું ભાડું કેટલું?
ગંગા વિલાસ ક્રૂઝ પેકેજ ઉપલબ્ધ કરાવનાર અંતરા લક્ઝરી રિવર ક્રૂઝે આ ક્રૂઝન ટિકિટની પ્રાઇસ જાહેર કરી નથી. જો કે, આ અંતરા કંપનીના અતુલ્ય બનારસ પેકેજનું ભાડું રૂ. 1,12,000 થી શરૂ થાય છે. વારાણસીથી કેથી સુધીના પ્રવાસમાં ચાર દિવસનો સમય લાગે છે.
અંતરા લક્ઝરી ક્રૂઝના કાશિફ સિદ્દીકી, ડાયરેક્ટર (સેલ્સ એન્ડ સ્ટ્રેટેજિક માર્કેટિંગ ઈન્ડિયા) એ એક મીડિયાને આપેલી માહિતી અનુસાર જણાવ્યું કે, શા માટે આ ઐતિહાસિક ક્રૂઝની ટિકિટની પ્રાઇઝની જાહેરાત કરવામાં નથી. હકીકતમાં, આગામી કેટલાક વર્ષોની તમામ ટિકિટો સ્વિસ પ્રવાસીઓને વેચવામાં આવી છે. તે લોકોએ દરેક સ્યુટ માટે 38 લાખ રૂપિયા જેટલી જંગી રકમ ચૂકવી છે. આ પ્રાઇસ લગભગ દોઢ વર્ષ જૂની છે.