Anil Dujana Encounter : ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારની માફિયાઓ સામે કાર્યવાહી યથાવત્ છે. આ ક્રમમાં યૂપી એસટીએફે ખૂંખાર ગેંગસ્ટર અનિલ દુજાનાનું એન્કાઉન્ટર કર્યું છે. અનિલ દુજાના ગ્રેટર નોઈડાના બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહે વાસી હતો. યૂપી એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર અનિલ દુજાના એક મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો આ અંગેની જાણકારી એસટીએફને મળી હતી.
યૂપી એસટીએફને માહિતી મળી હતી કે અનિલ દુજાના મેરઠમાં છુપાયો છે, ત્યારબાદ ટીમે રેડ પાડી હતી. કહેવાય છે કે યૂપી પોલીસ અને અનિલ દુજાના વચ્ચે સીધું એન્કાઉન્ટર થયું હતું, જેમાં એસટીએફે અનિલ દુજાનાને ઠાર કર્યો હતો. યૂપી એસટીએફના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પોલીસ અમિતાભ યશના જણાવ્યા અનુસાર દુજાના વિરુદ્ધ 25 કેસ નોંધાયેલા છે જેમાં 18 હત્યાના કેસોનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે અનિલ દુજાના ગયા અઠવાડિયે જ જેલમાંથી બહાર આવ્યો હતો. આ પછી તેની સામે આરોપ લાગી રહ્યા હતા કે તેણે તેની સામે સાક્ષી આપી રહેલા સાક્ષીઓને ધમકાવવાનું શરૂ કર્યું હતું. જે બાદ પોલીસે અનિલ દુજાનાની શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચો – ઉત્તર પ્રદેશઃ સરકારી ગૌશાળામાંથી ગાયોની તસ્કરી, બે દિવસમાં 17 ગાયો કતલ કરાયેલી મળી
ગેંગસ્ટર અનિલ દુજાના બાદલપુરના દુજાના ગામનો રહેવાસી હતો. દુજાનાનું સાચું નામ અનિલ નાગર હતું. અનિલ દુજાના સામે પહેલો કેસ 2002માં ગાઝિયાબાદમાં નોંધાયો હતો. તેના પર હરબીર પહેલવાન નામના વ્યક્તિની હત્યાનો આરોપ હતો. તેના પર હત્યા, લૂંટ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ અને આર્મ્સ એક્ટના કેસ નોંધાયેલા હતા. તેના પર ગેંગસ્ટર અને એનએસએ પણ લગાવવામાં આવેલા છે.
ઉત્તર પ્રદેશના 90ના દાયકામાં સુંદર ભાટી અને નરેશ ભાટી વચ્ચેની દુશ્મની પશ્ચિમ યુપીમાં પ્રખ્યાત હતી. વર્ષ 2004માં જિલ્લા પંચાયત પ્રમુખ રહેલા નરેશ ભાટીની સુંદર ભાટી ગેંગે હત્યા કરી હતી. આ પછી નરેશ ભાટીના ભાઈએ અનિલ દુજાનાને પોતાની સાથે લઈ જઈને આ હત્યાનો બદલો લીધો હતો.
2011માં સુંદર ભાટીના ભત્રીજાના લગ્ન હતા. લગ્નમાં નરેશનો ભાઈ અનિલ દુજાના સાથે મળીને બધાની સામે સુંદર ભાટીને મારવા માંગતો હતો. દુજાના અને નરેશ ભાટીના ભાઈએ લગ્નમાં સુંદર ભાટી પર ગોળીબાર કર્યો હતો. પરંતુ ભાટી નાસી છૂટ્યો હતો અને આ ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં.