George Soros Row: વિદેશ પ્રધાન એસ જયશંકરે (S Jaishankar) શનિવારે હેજ ફંડ મેનેજરમાંથી સમાજસેવી બનેલા હંગેરિયન મૂળના અમેરિકન અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કર્યા. જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અદાણી જૂથ અને હિંડનબર્ગ રિપોર્ટ પરની તેમની ટિપ્પણીઓને લઈ જ્યોર્જ સોરોસને વૃદ્ધ, પૈસાદાર, સ્વચ્છંદી અને ખતરનાક’ ગણાવ્યા હતા. સોરોસે તાજેતરમાં અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના અહેવાલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી હતી.
ખતરનાક વિચારો ધરાવના સમૃદ્ધ વૃદ્ધ જ્યોર્જ સોરોસ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મીડિયાને સંબોધતા જયશંકરે કહ્યું કે, સોરોસનું નિવેદન “યુરો એટલાન્ટિક વ્યુ”નું ઉદાહરણ છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે, લોકશાહીમાં આ એક એવી ચર્ચા અને વાતચીત છે જે હોવી જોઈએ. આમાં વિશ્વમાં લોકશાહીની વ્યાખ્યા કરવામાં આવી હતી.
સિડની ડાયલોગ ખાતે રાયસિનાના એક સત્રમાં એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું, “સોરોસ ન્યૂયોર્કમાં બેઠેલા એક વૃદ્ધ, ધનિક અને સ્વચ્છંદી માણસ છે જે હજુ પણ વિચારે છે કે, તેમના વિચારોએ જ નક્કી કરવું જોઈએ કે આખું વિશ્વ કેવી રીતે કાર્ય કરે. હવે, જો હું ફક્ત વૃદ્ધ, સમૃદ્ધ અને વિચારો પર જ રોકાઈ શકું, તો હું તેને દૂર કરી દેત, પણ આ વૃદ્ધ શ્રીમંત માણસ ખતરનાક વિચારોવાળો છે.”
સોરોસનું નિવેદન નુકસાન પહોંચાડે છે
એસ જયશંકરે રોઇટર્સને જણાવ્યું હતું કે, ભારતના મતદારોએ નક્કી કર્યું છે કે દેશ કેવી રીતે ચલાવવો જોઈએ. અમે એક એવો દેશ છીએ જે સંસ્થાનવાદમાંથી પસાર થયો છે. જ્યારે બહારની દખલગીરી હોય ત્યારે શું થાય છે તે આપણે જાણીએ છીએ. આ આપણને ચિંતિત કરે છે. તેમણે કહ્યું, “અમે જાણીએ છીએ કે, જ્યારે બહારની દખલગીરી થાય છે ત્યારે શું થાય છે… જો તમે આવી ડરામણી વાતો કરો છો, જેમ કે લાખો લોકોને નાગરિકતાથી વંચિત થઈ જશે, તો તે ખરેખર આપણા સામાજિક ફેબ્રિકને વાસ્તવિક નુકસાન પહોંચાડે છે. જુદા જુદા દેશોમાં તેના અન્ય અભિવ્યક્તિઓ છે, જ્યાં તેમના જેવા લોકો વિચારે છે કે, ચૂંટણી સારી છે, જો એ વ્યક્તિ જીતે જેને આપણે જીતતો જોવા માંગીએ છીએ. જો ચૂંટણીનું પરિણામ અલગ આવે છે, તો અમે કહીશું કે, તે એક ખામીયુક્ત લોકશાહી છે.”
આ પણ વાંચો – George Soros: પરોપકારી પ્રયત્નોથી જાણિતા થયા, જાણો જ્યોર્જ સોરોસ વિશે વિગતવાર
જ્યોર્જ સોરોસે શું કહ્યું
બિન રાજકારણી હોવાનો દાવો કરતા અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસે શુક્રવારે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ પહેલા એક ભાષણ દરમિયાન વિવાદ ઉભો કર્યો હતો. સોરોસે કહ્યું હતું કે, “તે (ભારત) લોકશાહી છે, પરંતુ તેના નેતા નરેન્દ્ર મોદી લોકશાહી નથી. તેમના ધૂમકેતુ જેવા ઉદયમાં મુસ્લિમો સામે હિંસા ભડકાવવાનું મહત્વનું પરિબળ હતું. મોદી ખુલ્લા અને બંધ બંને સમાજો સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે.” આ સિવાય સોરોસે કહ્યું હતું કે, “મોદી અને બિઝનેસ ટાયકૂન અદાણી નજીકના સહયોગી છે અને તેમની કિસ્મત એકબીજા સાથે જોડાયેલી છે. અદાણી પર સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ છે અને મોદી આ વિષય પર મૌન છે, પરંતુ તેમણે સંસદમાં અને બહાર વિદેશી રોકાણકારોના પ્રશ્નોના જવાબ આપવા પડશે.”