Ghaziabad Train Incident: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રેલ્વે ટ્રેક પર રીલ બનાવતા ત્રણ લોકો ટ્રેનની અડફેટે આવી જતા મૃત્યુ પામ્યા. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક યુવતી અને બે યુવકો રેલવે ટ્રેક પર રીલ બનાવતા મોતને ભેટ્યા. અચાનક ઝડપભેર આવતી ટ્રેને ત્રણેયને ટક્કર મારી હતી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
રેલવે ટ્રેક પર રીલ બનાવતી વખતે 3ના મોત
ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્લુ ગઢી રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવતી એક યુવતી અને બે યુવકોનું ટ્રેનની અડફેટે મોત નીપજ્યું હતું. માહિતી મળતાં પહોંચેલી પોલીસ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. ડીસીપી દેહત ઝોને જણાવ્યું કે, સ્ટેશન માસ્ટર પાસેથી મળેલી માહિતીના આધારે કલ્લુ ગઢી રેલ્વે ટ્રેક પર એક છોકરી અને બે યુવકો રીલ બનાવી રહ્યા હતા, ત્યારે પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ત્રણેયના મોત થયા હતા.
આ અંગે મુસાફરોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો જાણવા મળ્યું કે, ત્રણેય રેલવે ટ્રેક પર રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં નાલંદાથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં એક માલગાડી પાટા પરથી નીચે ઉતરી પડી હતી, તે સમયે જોવા આવેલા લોકોમાં કેટલાક યુવાનો માલગાડી પર ચઢી ગયા અને સેલ્ફી લેવા લાગ્યા આ સમયે ઉપર હાઈટેન્શન વાયર સાથે હાથ અડી જતા ત્યાં જ મોતને ભેટ્યો હતો.
આ પણ વંચો – પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા શુભેંદુ અધિકારીના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, યુવાનોનો સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ક્રેજ કેટલીક વખત મુશ્કેલી સર્જી શકે છે, હવે રીલ બનાવવાનો ક્રેજ વધ્યો છે, મોબાઈલમાં સેલ્ફી લેવા જતા અનેક લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર વારંવાર સામે આવી ચુક્યા છે, ગાજિયાબાદનો આ કિસ્સો વધુ એક ચેતવણી સમાન છે.