Manish Sahu : ગેંગસ્ટર મુખ્તાર અંસારીને ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે સજા સંભળાવી છે. તેના ભાઈ અને ગાઝીપુરથી સાંસદ રહેલા અફઝલ અંસારીને પણ 4 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ કારણે અફઝલની સંસદ સદસ્યતા રદ કરવામાં આવી હતી. 62 વર્ષીય મુખ્તાર અંસારી 2005માં મઉમાં થયેલા કોમી રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ ઓક્ટોબર 2005થી જેલમાં છે. રમખાણોમાં સાત લોકો માર્યા ગયા હતા. મુખ્તાર પર આરોપ છે કે તે છેલ્લા 18 વર્ષથી જેલની અંદરથી પોતાની ગેંગ ચલાવી રહ્યો છે.
મુખ્તાર પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યો છે
2005માં મુખ્તારને જેલમાં મોકલવામાં આવ્યો ત્યાં સુધીમાં તે બે વખત મઉ સદરથી ધારાસભ્ય ચૂંટાયો હતો. એક વખત બસપાની ટિકિટ (1996) પર અને એક વખત અપક્ષ (2002) ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તે જેલમાં હોવા છતા મઉથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતો. 2007માં અપક્ષ ઉમેદવાર તરીકે, 2012માં કૌમી એકતા દળ (ક્યુઇડી)ની ટિકિટ પર મુખ્તાર ચૂંટણી જીત્યો હતો. 2017માં પણ મુખ્તારે જીત મેળવી હતી અને 2022માં મુખ્તારે પોતાના મોટા પુત્ર અબ્બાસને આ બેઠક પરથી ઉતારવા માટે ચૂંટણી લડી ન હતી. અબ્બાસે પણ જીત મેળવી હતી.
યૂપી પોલીસના રેકોર્ડ દર્શાવે છે કે મુખ્તાર અને તેના પરિવાર સામે 97 કેસ નોંધાયેલા છે, જેમાં એકલા તેની સામે 61 કેસ નોંધાયા છે. આમાંથી 12 કેસ 2019 પછી નોંધાયા છે અને તેમાં હત્યાનો કેસ પણ સામેલ છે.
મુખ્તારના મોટા ભાઈ અફઝલ અંસારી ગાઝીપુરથી બસપા સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ હવે તેમને ગૃહ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તેની સામે સાત કેસ હતા, જેમાંથી ચારમાં કોર્ટ તરફથી ક્લિનચીટ મળી હતી. 29 એપ્રિલના રોજ ગેંગસ્ટર એક્ટ હેઠળ એક કેસમાં ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. મુખ્તારના અન્ય મોટા ભાઈ સિબઘાટુલ્લા અંસારી (71)ની સામે ત્રણ કેસ નોંધાયેલા છે. અફઝલ અને સિબગટુલ્લાહ સામેના તમામ કેસ 2019ના છે.
આ પણ વાંચો – પહેલા ઉત્તરાખંડ, પછી ગુજરાત અને હવે કર્ણાટક, શું યુનિફોર્મ સિવિલ કોડ પર કંઇક મોટું કરવા જઇ રહ્યું છે ભાજપ?
મુખ્તારની પત્ની સામે પણ કેસ
મુખ્તાર અન્સારીની પત્ની અફશા સામે 11, મોટા પુત્ર અબ્બાસ અંસારી (30) સામે આઠ, અબ્બાસની પત્ની નિખત બાનો સામે એક કેસ અને મુખ્તારના નાના પુત્ર ઉમર (25)ના વિરુદ્ધ છ કેસ નોંધાયેલા છે. આ તમામનું રજીસ્ટ્રેશન 2019થી થયું છે. ઉમર અને અબ્બાસ બંને આમાંના કેટલાક કેસોમાં આરોપી છે. અબ્બાસ મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં છે જ્યારે ઉમર હેટ સ્પીચ કેસમાં ફરાર છે.
વર્ષ 2017થી ભાજપ સરકારે અંસારી પરિવાર, તેમના સંબંધીઓ અને સહયોગીઓની લગભગ 575 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને તોડી પાડવાનો દાવો કર્યો છે. સરકારે ગાઝીપુર જિલ્લામાં આ પરિવારની માલિકીની એક હોટલને પણ આ બાંધકામમાં અનિયમિતતાનું કારણ આપીને તોડી પાડી છે.
મુખ્તાર અંસારી 90ના દાયકાની શરૂઆતમાં સંગઠિત ગુનામાં જોડાયો હતો. તે ઘણા ઉંચી કિંમતના સરકારી પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવાના ઇરાદાથી ક્રાઇમની દુનિયામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ખંડણી અને પ્રોટેક્શન રેકેટ ચલાવવાનું શરૂ કર્યું હતું. થોડી જ વારમાં તેણે પોતાની ગેંગ શરૂ કરી દીધી. 90ના દાયકાની મધ્યસુધીમાં મુખ્તારે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. 2017 સુધી મઉથી સતત પાંચ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. જેમાંથી ત્રણ ચૂંટણી જેલમાં હોવા છતા જીતી હતી.