Parliament special session : સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર ગુરુવારે જાણકારી આપી કે સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવ્યું છે. વિશેષ સત્રમાં 5 બેઠકો યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્ર દરમિયાન 10 બિલ રજુ કરવામાં આવશે.
પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર (13મી લોકસભાનું 17મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં પાંચ બેઠકો સામેલ છે. અમૃતકાળના સમયમાં થનારા આ સત્રમાં સંસદમાં સાર્થક ચર્ચા થવાને લઇને આશાવાદી છું.
સરકાર સાથે જોડાયેલા નેતા અને અધિકારી હાલ સંસદના વિશેષ સત્રના એજન્ડા પર કશું પણ બોલવા તૈયાર નથી. સંવિધાનના આર્ટિકલ 85માં સંસદ સત્ર બોલાવવાની જોગવાઇ છે. જે અંતર્ગત સરકારને સંસદ સત્ર બોલાવવાનો અધિકાર છે.
આ પણ વાંચો – રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 : આ મોટી ભૂલ ભાજપને રણભૂમિમાંથી કરી શકે છે બહાર
આ પહેલા 20 જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર 11 ઓગસ્ટે સમાપ્ત થયું હતું. આ સત્રમાં મણિપુર હિંસાને લઇને જોરદાર હંગામો થયો હતો. કોંગ્રેસ મણિપુર મુદ્દા પર મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. કોંગ્રેસના ગૃહના ઉપનેતા ગૌરવ ગોગોઈ દ્વારા શરૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા લગભગ 20 કલાક સુધી ચાલી હતી અને તેમાં 60 સાંસદોએ ભાગ લીધો હતો.
આ ચોમાસુ સત્રમાં લોકસભાએ 22 વિધેયક પસાર કર્યા જ્યારે રાજ્યસભાએ 25 વિધેયક પસાર કર્યા. બંને ગૃહોએ 23 ખરડાઓને મંજૂરી આપી હતી. એકંદરે લોકસભાની ઉત્પાદકતા 45% અને રાજ્યસભાની 63% હતી.





