કોરોનાકાળ દરમિયાન ભારત સરકારે કોવિડ-19 વાયરસ સંબંધિત ‘આરોગ્ય સેતુ’ નામની એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપનો હેતુ લોકોનો કોરોના વાયરસ સંબંધિત માહિતી આપવા, સંક્રમિત વ્યક્તિઓના ડેટા એક્ત્ર કરવા અને રસીકરણ કાર્યક્રમના અમલીકરણ માટેનો હતો. આ એપ્લિકેશનમાં યુઝર્સે મોબાઇલ નંબર અને આધાર કાર્ડની માહિતી દાખલ કરવાની રહેતી હતી. આ દરમિયાન આરોગ્ય સેતુ અને તેમાં રહેલા યુઝર્સના પર્સનલ ડેટા અંગે સરકાર તરફથી એક મહત્વપૂર્ણ અહેવાલ આવ્યા છે.
આરોગ્ય સેતુ એપના ડેટાનું સરકારે શું કર્યું
કોરોનાકાળ વખતે મોટી સંખ્યામાં ડાઉનલોડ કરાયેલી આરોગ્ય સેતુમાં યુઝર્સના મોબાઇલ નંબર, આધારકાર્ડ નંબર અને કોવિડ-19 વેક્સિનેશન જેવી પર્સનલ માહિતી હતી. સરકારે આરોગ્ય સેતુ મારફતે જે માહિતી એક્ત્ર કરી હતી, તેને ડિલિટ કરવાની સાથે સાથે હવે આ ફિચર પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે સંસદમાં આ માહિતી આપી છે. વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપ્લિકેશન લોન્ચ કરી હતી. તેના દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું હતું. એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી ઘણી જગ્યાએ પ્રવેશ માટે સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપને ફરજિયાત બનાવવામાં આવી હતી.
સરકારના આ નિર્ણય સામે બે કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, જેમ જેમ કોરોના મહામારીનું સંક્રમણ ઓછું થયું અને કેસો ઘટતા ગયા તેમ તેમ આરોગ્ય સેતુ એપને આયુષ્માન ભારત ડિજિટલ મિશન સાથે સંકલિત કરી દેવામાં આવી.
આરોગ્ય સેતુ એપના ડેટાનો કેવી રીતે ઉપયોગ થતો હતો?
8 ફેબ્રુઆરીએ કોંગ્રેસના સાંસદ અમર સિંહે સંસદમાં પૂછ્યું હતું કે આરોગ્ય સેતુ એપ દ્વારા સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાનું શું થયું? અને કેન્દ્ર સરકાર, અથવા ખાનગી એજન્સી, સંસ્થા અથવા બધાને આ ડેટાની ઍક્સેસ છે?
આરોગ્ય સેતુ એપના ડેટાની ઍક્સેસ કોની પાસે હતી?
તેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ, રાજ્ય અને કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના પસંદગીના અધિકારીઓ, જિલ્લાઓના સિવિલ સર્જનોને આરોગ્ય સેતુ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાની ઍક્સેસ આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આરોગ્ય સેતુ ડેટા એક્સેસ એન્ડ નોલેજ શેરિંગ પ્રોટોકોલ 2020 (આરોગ્ય સેતુ ડેટા એક્સેસ એન્ડ નોલેજ શેરિંગ પ્રોટોકોલ, 2020) અંતર્ગત આ એપ્લિકેશનમાં આપવામાં આવેલ કોન્ટેક્ટ ટ્રેસિંગ ફીચરને હટાવી દેવામાં આવ્યા છે અને તેના દ્વારા જે ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો તેને પણ ડિલિટ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારી વખતે લોન્ચ કરાઇ હતી આ એપ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારી (કોવિડ 19) દરમિયાન કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્લેટફોર્મ તરીકે કર્યો હતો, જેના દ્વારા લોકોના નામ, ફોન નંબર, લિંગ, લાઇવ લોકેશન જેવી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી હતી.
Zomato જેવા પ્લેટફોર્મે પણ તેને ફરજિયાત બનાવ્યું હતું
કોરોનાકાળ દરમિયાન રેલવે અને હવાઈ મુસાફરી માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત બનાવવામાં આવી હતી. માત્ર સરકાર જ નહીં, પરંતુ Zomato અને Swiggy જેવા પ્લેટફોર્મે પણ તેમના ડિલિવરી પાર્ટનરના ફોન પર આ એપ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું અને જે કસ્ટમર તેનાથી ફૂડ ઓર્ડર કરી રહ્યા હતા તેમનું સ્ટેટ્સ દેખાતું હતું. ત્યારબાદમાં વિવિધ સંસ્થાઓએ આ આરોગ્ય સેતુ એપ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અને રેલવે અને હવાઈ મુસાફરી દરમિયાન તેની આવશ્યકતા વિશે પ્રશ્નો ઉઠાવ્યા.
હવે આરોગ્ય સેતુ એપનું શું થશે?
ગત ફેબ્રુઆરીમાં નેશનલ હેલ્થ ઓથોરિટીએ આરોગ્ય સેતુને આયુષ્માન ભારત ડિજિટલ મિશન સાથે લિંક જાહેરાત કરી હતી. આની મારફતે યુઝર્સ તેમનો 14 આંકડાનો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકશે. તેમાં ટેસ્ટિંગ લેબ, હેલ્થ એડવાઈઝરી, હેલ્થ સ્ટેટસ શેર કરવાની સુવિધા જેવા ફિચર્સ ઉપલબ્ધ છે.