Government Employee DA Hike News: કેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે 28 માર્ચ 2025ના રોજ યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનો ડિયરનેસ એલાઉન્સ (DA) 53 ટકાથી વધીને 55 ટકા થઈ જશે. ડીએ વધતા અપેક્ષિત 8માં પગાર પંચ પહેલા કર્મચારીઓના પગારમાં વધારો થશે.
એક વર્ષથી પણ ઓછા સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બીજી વખત વધારો કરવામાં આવ્યોછે. અગાઉ છેલ્લે જુલાઈ 2024માં ડીએ 50 ટકા થી વધારીને 53 ટકા કરવામાં આવ્યો હતો.
ડિયરનેસ એલાઉન્સ (DA) એટલે શું?
ડિયનરનેસ એલાઉન્સ (ડીએ) એટલે કે મોંઘવારી ભથ્થું. સરકારી કર્મચારીના બેઝિક પગાર સાથે સીધી રીતે જોડાયેલું આ ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. કર્મચારીઓ અને પેન્શનરો પર ફુગાવાની અસર ઘટાડવા માટે સરકાર ડીએમાં સુધારો કરે છે.
આ બાબત હાલના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જીવનનિર્વાહના સમાયોજનના ખર્ચ તરીકે લાગુ પડે છે, જ્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ સામાન્ય રીતે તેના માટે હકદાર હોતા નથી. જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)માં કામ કરતા કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું મળે છે.
સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો ફાયદો થશે?
જો બેઝિક સેલરી 18000 રૂપિયા છે તો ડીએમાં 2 ટકાનો વધારો થવાથી દર મહિને 360 રૂપિયાનો વધારો થશે એટલે કે એક વર્ષમાં 4320 રૂપિયાનો વધારાનો ફાયદો થશે.
આવી જ રીતે જો બેઝિક પેન્શન 9 હજાર રૂપિયા છે તો દર મહિને 180 રૂપિયાનો વધારો થશે, જેનાથી 2160 રૂપિયાનો વાર્ષિક લાભ મળશે.





