દેશભરના ટ્રક ડ્રાઇવરોને આગામી સમયમાં એક ખુશ ખબર મળી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઇવરો માટે કામના કલાકો નક્કી કરવા માટે કાયદો લાવવામાં આવશે અને 2025ના અંત પહેલા માર્ગ અકસ્માતમાં 50 ટકા સુધી ઘટાડો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
‘રોડ સેફ્ટી કેમ્પેઈન’માં સમગ્ર રણનીતિ જણાવી
સડક સુરક્ષા સપ્તાહ દરમિયાન એક ‘સડક સુરક્ષા’ કાર્યક્રમમાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે, માર્ગ મંત્રાલય માર્ગ અકસ્માતો અને દૂર્ઘટનાની સંખ્યામાં ઘટાડો કરવા માટે પ્રતિબદ્ધ છે અને માર્ગ સલામતીના તમામ 4E – એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, શિક્ષણ અને ઇમરજન્સી કેરમાં ઘણી પહેલ કરી છે.
બુધવારે એક સત્તાવાર નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે, ટ્રક ડ્રાઇવરો માટે કામના કલાકો નક્કી કરવા માટે કાયદો લાવવામાં આવશે. આ વર્ષે મંત્રાલયે ‘તમામની માટે સુરક્ષિત સડક’ પહેલનો પ્રચાર કરવા માટે ‘સ્વચ્છતા પખવાડિયું’ અંતર્ગત 11 થી 17 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી વીક (RSW)ની ઉજવણી કરી હતી.
અમેરિકામાં ટ્રક ડ્રાઈવરો માટે કામકાજના કલાકના નિયમ છે
ફેડરલ મોટર કેરિયર સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (FMCSA) અનુસાર, અમેરિકામાં ટ્રક ડ્રાઈવરોએ કામકાજના કલાકો નક્કી કર્યા છે. તેમના માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે કે તેઓ ચોક્કસ સમયગાળા સુધી ડ્રાઇવિંગ કર્યા બાદ કેટલો સમય બ્રેક લેશે અને ચોક્કસ સમયગાળા માટે આરામ કર્યા પછી તેઓ કેટલા સમય સુધી ડ્રાઇવિંગ કરશે.
દસ કલાકનો આરામ, વધુમાં વધુ 11 કલાક વાહન ચલાવવાની મંજૂરી
ટ્રક ડ્રાઇવરો સળંગ દસ કલાકના વિરામ બાદ જ વધુમાં વધુ 11 કલાક સુધી વાહન ચલાવી શકે છે. ડ્રાઇવર નોકરીમાંથી 10 કલાકના વિરામ બાદ સળંગ 14 કલાકથી વધુ સમય સુધી વાહન ચલાવી શકતા નથી. જો ડ્રાઇવર ઓછામાં ઓછા 30 મિનિટની બ્રેક લીધા વગર કુલ 8 કલાક સુધી વાહન ચલાવે તો તેમણે 30 મિનિટનો વિરામ લેવો પડશે.
ભારતમાં ટ્રક ડ્રાઇવરો માટે નિયમ બને તો અકસ્માતો ઘટશે
જો ભારતમાં પણ ટ્રક ચાલકોને રસ્તા પર વાહન ચલાવવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવે તો તેનાથી અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે. સામાન્ય રીતે ડ્રાઇવરો પર શક્ય તેટલી ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દબાણ હોય છે. જેના કારણે ઘણી વખત સ્પીડમાં વાહન ચલાવવાથી અને બ્રેક માર્યા વગર કલાકો સુધી વાહન ચલાવવાના કારણે અકસ્માતો સર્જાય છે.