કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારે ગાંધી પરિવાર સાથે સંકળાયેલી એક બિન સરકારી સંસ્થા વિરદ્ધ કડક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે શનિવારે રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation)નું લાઇસન્સ રદ કર્યુ છે.
ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ કથિત રીતે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન એ ગાંધી પરિવાર સાથે સંકળાયેલી બિન-સરકારી સંસ્થા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ 2020માં ગૃહ મંત્રાલયે એક કમિટીની રચના કરી હતી અને તેના રિપોર્ટના આધારે ફાઉન્ડેશનનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને નિયમોની અવગણના કરીને ચીન પાસેથી ફંડ લીધું હતું.
ગૃહ મંત્રાલય લાંબા સમયથી આ મામલાની તપાસ કરી રહ્યું હતું. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની તપાસમાં તેની કામગીરીમાં ખોટું થયું હોવાની અનેન નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનું સામે આવ્યા બાદ ગૃહ મંત્રાલયના વિદેશ વિભાગે આ કાર્યવાહી કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, FCRA લાયસન્સ રજીસ્ટ્રેશન રદ થયા બાદ તરત જ રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને તેના પદાધિકારીઓને લેખિત નોટિસ મોકલવામાં આવી છે.
અધિકારીએ માહિતી આપી હતી કે જુલાઈ 2020 માં ગૃહ મંત્રાલય દ્વારા બનાવેલી સમિતિએ વિવિધ FCRA ધોરણોના ઉલ્લંઘન અંગેના તેના તારણો રજૂ કર્યા હતા, જેના આધારે 1991માં સ્થાપિત રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન લાઇસન્સ રદ કરવામાં આવ્યુ હતુ.