Uniform Civil Code: કેન્દ્ર સરકારે યુનિફોર્મ સિવિલ કોડ માટે એક પગલું આગળ વધાર્યું છે. મોદી સરકારે આ મામલે મંત્રીઓનું એક ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં ચાર મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ કરશે. અર્જુન મેઘવાલ, સ્મૃતિ ઇરાની અને જી કિશન રેડ્ડીને પણ જીઓએમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર આ ચોમાસુ સત્રમાં સંસદમાં આ બિલ લાવી શકે છે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે.
મંત્રીઓને આ જવાબદારી સોંપવામાં આવી
જીઓએમમાં સામેલ મંત્રીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડ સાથે જોડાયેલા આદિવાસી મામલાઓ પર કિરેન રિજિજુ, પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાયેલા મુદ્દાઓ પર જી કિશન રેડ્ડી, મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા મામલાઓ પર સ્મૃતિ ઈરાની અને કાયદાકીય પાસાઓ પર કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ વિચાર કરશે. હાલમાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુસીસીને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો – હિંસાનો ડર, બબાલનો ખતરો છતાં લીધા મોટા-મોટા નિર્ણયો, ક્રોનોલોજી સમજો તો યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ માટે મોટી વાત નથી!
ઉત્તરાખંડમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર
ઉત્તરાખંડમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર છે. તેને ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ કમિટી સરકારને સોંપશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ઉત્તરાખંડમાં લાગુ થનાર યુસીસી ટેમ્પ્લેટ આખા દેશમાં લાગુ થશે. પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આવા સંકેત આપ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં કોઇ વિલંબ નહીં કરે. જોકે તેના માટે કોઇ ઉતાવળ નથી.
AIMPLB એ કર્યો વિરોધ?
યુનિફોર્મ સિવિલ કોડને લઇને ઉત્તરાખંડની ડ્રાફ્ટની કેટલીક વાતો સામે આવ્યા પછી અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB)તેનો વિરોધ કર્યો છે. આ અંગે એક બેઠક મળી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમાજ એક થઈને યુસીસીનો વિરોધ કરશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો દાવો છે કે યુસીસીની જોગવાઈઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને શરિયતના કાયદા હેઠળ નથી. આ કારણે યુસીસીનો વિરોધ વ્યાજબી છે.





