2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાં જબરદસ્ત માહોલ જામ્યો છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)- ભારતીય જનતા પાર્ટી (BJP)-કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. આ રાજકિય પાર્ટીઓ પોત પોતાની રીતે મફત વીજળી, ખેડૂતોના દેવા માફ તો કોઇ યુવાઓને રોજગારી આપવાના લોભામણા વાયદા કરીને લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ દિલ્હીમાં પણ આપ અને શાસક પક્ષ વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વિજય તિરંગો લહેરાવવા માટે મેદાને ઉતરી છે અને તેનું દબાણ પણ તેના ઉપર દેખાઈ રહ્યું છે. જેના પગલે દિલ્હી પણ ચૂંટણીની રણભૂમીમાં ફેરવાઈ છે. આમ આદમી પાર્ટીનું દિલ્હી મોડલ થકી ભાજપને ગુજરાતમાં પણ ટક્કર આપશે. બીજી તરફ ભાજપ પક્ષ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે દિલ્હીના નેતાઓ અને ઈનપુટની મદદ લઈ રહ્યો છે.
દિલ્હીમાં સત્તા ઉપર રહેલી આમ આદમી પાર્ટી પોતાની શાળાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉત્તમ હોવાનો દાવો કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આપના આવા દાવાઓને પોકળ સાબિત કરતા વીડિયો મોકલવાની જવાબદારીઓ સોંપી છે. આ કામ માટે પાર્ટીએ ખાસ પ્રોફેશનલ્સને હાયર કર્યા છે.
જૂન માસમાં ગુજરાતમાંથી બીજેપી પ્રતિમંડળના 17 સભ્યએ આરોગ્ય સુવિધાઓના સર્વેક્ષણના હેતુથી દિલ્હીની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન તેમણે એક વીડિયો ઉતાર્યો હતો. જે અંગે સર્વેક્ષણનો હિસ્સો રહેલા વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વીડિયોનો ગુજરાતમાં પાર્ટી દ્વારા યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવશે.
ભાજપ પોતાના નેતાઓને દિલ્હીથી ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતારી રહી છે. તો દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે હિંદુ દેવી દેવતાઓના ત્યાગ વિશે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ભારે વિરોધ થયો હતો અને છેવટે તેમણે રાજીનામું ધરી દેવું પડ્યું હતું.
ભાજપના નેતા કપિલ મિશ્રાએ વડોદરામાં એક સભાને સંબોધતા સમયે રાજેન્દ્ર પાલ ગૌતમ પર પ્રહાર કર્યો હતો. કપિલ મિશ્રાએ કહ્યું હતું કે, રાજેન્દ્ર પાલે ભલે રાજીનામું આપી આ મામલાથી છૂટી ગયો હોય પરંતુ ભાજપ આ મામલો સરળતાથી છોડશે નહી.
બીજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીના વધુ નેતાઓ ગુજરાત આવશે. જે અંતર્ગત તેઓ રાજેન્દ્ર પાલ ગૌતમના ધર્માંતરણનો મુદ્દો અને આપની રદ્દ કરાયેલી દારૂની નીતિના વિવાદ બંને મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં આવશે.
બીજેપીના એક નેતાએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પાર્ટી માટે દિલ્હીના એવા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે જેઓ આપની કામગીરીથી સારી રીતે વાકેફ હોય. પાર્ટીના નેતાએ વધુમાં કહ્યું હતું કે, હાલમાં તેઓને કોઇ મોટો ખતરો નથી. તેમજ કોંગ્રેસ મતોનું વિભાજન કરીને માત્ર અમને મદદ કરી રહી છે.
ગુજરાતની ચૂંટણી સાથે AAPને આશંકા છે કે, દિલ્હી મ્ચુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાઇ શકે છે. જેના કારણે તેને નુકસાન પહોંચી શકે છે. મહત્વનું છે કે, ભાજપની સરખામણીએ તેના ઘણા નાના કેડર બેઝ સાથે માત્ર બે જ રાજ્યોમાં સત્તા છે.
AAPના પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું કે, ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાશે કે નહીં તે વિશે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ એવો ગણગણાટ છે કે, દિલ્હીના જે નેતાઓ અથવા કાઉન્સિલરો ગુજરાત જવાના છે ત્યારે તેમના પ્રવાસ પર પણ ચોક્કસપણે ચૂટંણીની અસર વર્તાશે.
આપના પૂર્વ કાઉન્સિલરે વધુમાં કહ્યું હતું કે, અમે મર્યાદિત સંસાધનો ધરાવતો એક નાનો પક્ષ છીએ. ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને કારણે ગુજરાતમાં જતા પહેલાં પોતાના પ્રદેશની રક્ષા કરવાને પહેલા પ્રાથમિક્તા આપવા વિશે વિચારીશું.
પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા 16 ઓક્ટોબરના રોજ કાર્યકર્તા સાથે બેઠક કરશે, ત્યાર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પૂર્વ દિલ્હીમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીર દ્વારા સ્થાપિત લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે.