ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને રેલવે કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત અને કેન્દ્ર સરકારની આ જાહેરાતથી સરકારી કર્મચારીઓએ હર્ષોલ્લાશથી દિવાળીની ઉજળણી કરી શકશે.
ગુજરાતના સરકારી કર્મચારીઓને એડવાન્સમાં પગાર મળશે
ગુજરાત રાજ્ય સરકારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો સંપૂર્ણ પગાર એડવાન્સમાં ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર ઓક્ટોબર મહિનાનો સંપૂર્ણ પગાર- ભથ્થા તેમજ પેન્શનધારકોને પેન્શનની વહેલી ચૂકવણી કરવામાં આવશે. રાજ્યના
સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને ત્રણ તબક્કામાં – 17 ઓક્ટોબર, 18 ઓક્ટોબર અને 19 ઓક્ટોબરના રોજ સંપૂર્ણ પગાર – ભથ્થા અને પેન્શન તેમના ખાતામાં જમા કરવામાં આવશે. રાજ્ય સરકારનો આ નિર્ણય ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ થશે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યના છ લાખ કર્મચારીઓની સાથે સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ એડવાન્સમાં મળી જશે.
રેલવે કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ જાહેર
રેલવે કર્મચારીઓ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે અને તેનો લાભ રેલવેના 11.28 લાખ કર્મચારીઓને મળશે. આ બોનસ પાછળ સરકાર 1832 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. અહેવાલ અનુસાર મહત્તમ બોનસની મર્યાદા 17,951 રૂપિયા હશે.