Gyanvapi Mosque ASI Survey Report: જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઈનો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો છે. એએસઆઈના રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ પહેલા મંદિર હોવાના પુરાવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હકીતમાં, ASIએ તેનો રિપોર્ટ હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોને સોંપ્યો છે. ત્યારબાદ હિન્દુ પક્ષકારના વકીલ વિષ્ણુ શંકર જૈને મીડિયા સાથે વાત કરતી વખતે એએસઆઈના રિપોર્ટ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ASIને હિંદુ મંદિરના પુરાવા મળ્યા છે, આવી ઘણી મૂર્તિઓ અને કલાકૃતિઓ જોવા મળી છે જે હિંદુ સંસ્કૃતિ સાથે સંબંધિત છે.
જ્ઞાનવાપી એએસઆઈ સર્વે રિપોર્ટમાં શું દાવો કરાયો
વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, એએસઆઈએ જણાવ્યું છે કે હાલની જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર હતું. આ ASIનું નિર્ણાયક તારણ છે. વિષ્ણુ જૈન વતી મીડિયા સામે અહેવાલ વાંચીને સંભળાવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે મસ્જિદ પહેલા ત્યાં એક ભવ્ય મંદિર હોઇ શકે છે. જૈનના મતાનુસાર એએસઆઈનું આ તારણ ઘણું મહત્વ ધરાવે છે અને તેનાથી હિંદુ પક્ષકારના દાવાઓ એકદમ સાચા સાબિત થાય છે.
એએસઆઈને જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિરના પુરાવા મળ્યા
અત્યાર સુધી મુસ્લિમ પક્ષે આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ASI રિપોર્ટમાં ઘણું બધું બહાર આવ્યું છે. 839 પાનાના અહેવાલમાં સ્વસ્તિક પ્રતીકો, સાપ દેવતાઓ, કમળ પુષ્પ અને હિંદુ દેવી-દેવતાઓની ભગ્ન મૂર્તિઓનો ઉલ્લેખ છે.
એએસઆઈના રિપોર્ટ અનુસાર, આવા કુલ 32 પુરાવા મળ્યા છે જે ત્યાં મંદિરના અસ્તિત્વને સાબિતી આપે છે. એવું પણ બહાર આવ્યું છે કે આવા ઘણા સ્તંભો અસ્તિત્વમાં છે જે ખરેખર મંદિરના હતા, પરંતુ તેનો ઉપયોગ જ્ઞાનવાપી મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
હિંદુ પક્ષકારે એએસઆઈ રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો છે કે, મસ્જિદના સ્તંભ અને પ્લાસ્ટરમાં થોડાક ફેરફાર કરીને મસ્જિદની માટે ફરી ઉપયોગ કરવામાં આવ્યો છે. હિંદુ મંદિરના સ્તંભનો થોડાક ફેરફાર કરીને નવા માળખાંમાં ઉપયોગ કરાયો છે. સ્તંભની કોતરણીને નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે. અહીંયા 32 એવા શિલાલેખ મળ્યા છે, જે જુના હિંદુ મંદિરના છે. દેવનાગરી ગ્રંથ તેલુગુ કન્નડના શિલાલેખ મળ્યા છે.
હિંદુ પક્ષકારના વકીલે દાવો કર્યો છે કે, મહામુક્તિ મંડપ તે અત્યંત મહત્વપૂર્ણ શબ્દ છે જેનો જ્ઞાનવાપીમાં મળેલા શિલાલેખમાં ઉલ્લેખ છે. સર્વે દરિયમાન એક શિલાલેખ મળ્યો છે જેનો તૂટેલો ભાગ પહેલાથી જ એએસઆઈની પાસે હતો. અગાઉના મંદિરના સ્તંભનો ફરી ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભોંયરામાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ મળી છે, જેને ભોંયરામાં માટીની નીચે દબાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો | અમેરિકાના આ મ્યુઝિયમમાં છે જ્ઞાનવાપીનું સત્ય, 150 વર્ષ જૂના ફોટા આપી રહ્યા જુબાની
જ્ઞાનવાપીની પશ્ચિમની દિવાલ હિંદુ મંદિરનો જ હિસ્સો છે, તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. એવું માનવામાં આવે છે કે, 17મી સદીમાં હિંદુ મંદિરને તોડી નાંખ્યું અને તેના કાટમાળમાંથી જ વર્તમાન વિવાદિત માળખાનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.