Gyanvapi ASI Survey : અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે જ્ઞાનવાપી કેમ્પસમાં જ્ઞાનવાપી ASI સર્વે ચાલુ રાખવા આદેશ કર્યો છે. ચીફ જસ્ટિસ કોર્ટ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતાં મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. હિંદુ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ASI ટૂંક સમયમાં તેનો સર્વે શરૂ કરી શકે છે. અગાઉ, વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની અરજી પર ASI સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIની ટીમે પણ સર્વે શરૂ કર્યો હતો પરંતુ, મુસ્લિમ પક્ષે તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સર્વે પર સ્ટે મૂકવાની સાથે સુપ્રીમ કોર્ટે અરજદારોને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સર્વે ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો
તમને જણાવી દઈએ કે, મુસ્લિમ પક્ષની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે 27 જુલાઈએ સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સર્વે અંગેનો ચુકાદો 3 ઓગસ્ટે આપવામાં આવશે તેમ જણાવાયું હતું. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, જો સર્વે કરવામાં આવે તો શું તેનાથી જ્ઞાનવાપીને કોઈ નુકસાન થશે? મુસ્લિમ પક્ષે પણ પોતાની અરજીમાં આજ ચિંતા વ્યક્ત કરી હતી. મુસ્લીમ પક્ષ તરફથી કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી હતી, જેમાં એએસઆઈ અધિકારીઓના હાથમાં પાવડો હતો.
ASI એ એફિડેવિટ આપી હતી
હિન્દુ પક્ષના વકિલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે, એએસઆઈ તરફથી હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે કે, સર્વે દરમિયાન પરિસરને કોઈ નુકશાન નહી પહોંચાડવામાં આવે. ASIએ કહ્યું કે જો ખોદકામની જરૂર પડશે તો તે જિલ્લા કોર્ટની પરવાનગી લીધા બાદ જ કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પહેલા હિન્દુ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટમાં બીજી અરજી દાખલ કરી છે. વાદીની રાખી સિંહે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે અને મુસ્લિમ પક્ષ પર પુરાવાને ભૂંસી નાખવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત અરજીમાં જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરવામાં આવી છે. આ મામલે 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારે સુનાવણી થશે.
સત્ય બહાર આવશે – કેશવ મૌર્ય
હાઈકોર્ટના આદેશ બાદ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ASIના સર્વેથી સત્ય બહાર આવશે. મુઘલ આક્રમણકારો દ્વારા હિન્દુ સંસ્કૃતિને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનું સત્ય હવે સામે આવવાનું છે.





