ભારતીય વાયુસેનાને આગામી વર્ષોમાં ભારતમાં બનેલા સ્વદેશી મીડિયમ લિપ્ટ હેલિકોપ્ટર મળશે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયન Mi-17 ને સ્થાને હવે ઇન્ડિયન એરફોર્સ પાસે આગામી 8 થી 10 વર્ષમાં સ્વદેશી મીડિયમ-લિફ્ટ હેલિકોપ્ટર હશે. એરફોર્સના કાફલામાંથી રશિયન Mi-17ને વર્ષ 2028 સુધીમાં તબક્કાવાર દૂર કરવામાં આવશે.
એરો ઈન્ડિયા 2023ના પ્રસંગે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચીફ મેનેજર (ડિઝાઈન) એરોડાયનેમિક્સ અબ્દુલ રશીદ તાજરે જણાવ્યું હતું કે, ભવિષ્યના 13-ટનના ઈન્ડિયન મલ્ટી-રોલ હેલિકોપ્ટર (IMRH)ની પ્રારંભિક ડિઝાઈન પહેલેથી જ તૈયાર થઈ ગઈ છે અને હેલિકોપ્ટર માટે વિગતવાર ડિઝાઇન ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
હેલિકોપ્ટરનું એક નૌસેના વેરિઅન્ટ પણ હશે
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અધિકારીએ જણાવ્યું કે, “અમે ભંડોળની રાહ જોઈ રહ્યા છીએ… સુરક્ષા અંગેની કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી મંજૂરી મળ્યા બાદ ચાર વર્ષની અંદર અમે પ્રોટોટાઇપની પ્રથમ ફ્લાઇટ માટે તૈયાર કરવામાં આવશે અને આગામી ચાર વર્ષની અંદર પરીક્ષણ પ્રમાણપત્ર મળવાની અપેક્ષા રાખીએ છીએ.”
રશિયન MI-17ને તબક્કાવાર દૂર કરાશે
તેમણે ઉમેર્યું કે, આ સ્વદેશી હેલિકોપ્ટર આઠ વર્ષની અંદર ભારતીય વાયુસેનામાં સામેલ થવા માટે તૈયાર થઇ જશે. તેની સાથે જ હાલના રશિયન Mi-17 હેલિકોપ્ટરને તબક્કાવાર ઇન્ડિયન એરફોર્સના કાફલામાંથી દૂર કરવામાં આવશે. પહેલા રશિયન Mi-17, અને ત્યારબાદમાં Mi-17 V5ને પણ કાફલામાંથી તબક્કાવાર દૂર કરાશે અને તેના સ્થાને સંપૂર્ણપણે સ્વદેશી બનાવટના મીડિયમ-લિફ્ટ હેલિકોપ્ટરનો ભારતીય વાયુસેનાના કાફલામાં સમાવેશ કરવામાં આવશે. ઇન્ડિયન એરફોર્સ પાસે હાલમાં લગભગ 250 Mi-17 હેલિકોપ્ટર છે. પ્રત્યેક 30થી વધારે સૈનિકો અને અન્ય ભાર લઇને ઉડાન ભરી શકે છે. IMRH હવાઈ હુમલાઓ, એર ટ્રાન્સપોર્ટેશન, લડાકુ હેલિકોપ્ટર, યુદ્ધ શોધખોળ અને બચાવ અને બચાવ કામગીરી માટે શ્રેષ્ઠ રહેશે. તે સમુદ્રના તળ પર 4,500 કિલોગ્રામ સુધીનું વજન વહન કરવામાં સક્ષમ હશે.
શા માટે તે વર્કહોર્સ છે?
HALને વિશ્વાસ છે કે આ સ્વદેશી હેલિકોપ્ટર ઘણી રીતે MI-17 કરતાં વધુ સારું હશે. તેથી જ આ માટે વર્કહોર્સ શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે થાક્યા વિના કામ કરતા રહો. જ્યારે ભારતીય વાયુસેના રશિયન Mi-17ને તબક્કાવાર દૂર કરવાનું શરૂ કરશે, ત્યારે આ હેલિકોપ્ટર HAL દ્વારા સંપૂર્ણ રીતે તૈયાર હશે. હેલિકોપ્ટરનું એન્જિન ફ્રાન્સના સેફ્રાન હેલિકોપ્ટર એન્જિન અને HAL દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. એરો ઇન્ડિયા દરમિયાન, બંનેએ હેલિકોપ્ટર એન્જિનની ડિઝાઇન, ડેવલપમેન્ટ, પ્રોડક્શન અને લાઇફટાઇમ સપોર્ટ હેતુ સંયુક્ત સાહસની રચના માટે વર્કશેર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
એક હેલિકોપ્ટરની કિંમત 300 કરોડ રૂપિયાથી વધુ
તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યેક હેલિકોપ્ટરની કિંમત રૂ. 300 કરોડથી વધારે હોવાની સંભાવના છે અને HAL ઓછામાં ઓછા 500થી વધુ હેલિકોપ્ટરના ઓર્ડરનો વિચાર કરી રહી છે. નિકાસની તકો અંગે અધિકારીએ જણાવ્યું હતું કે HAL લેટિન અમેરિકા સહિતના મૈત્રીપૂર્ણ દેશોને હેલિકોપ્ટર ઓફર કરવાના વિકલ્પ શોધી રહી છે, જ્યાં આવા હેલિકોપ્ટરની જરૂર છે.
વ્યવસાયિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ
તેમણે કહ્યું કે રશિયન Mi-17, યુરોપિયન NH 90 અથવા અમેરિકન S-92 જેવા મોટા સૈન્ય દળો દ્વારા ઉપયોગમાં લેવાતા હાલના મધ્યમ કદના હેલિકોપ્ટર લગભગ 20-30 વર્ષ જૂના છે. તેમણે કહ્યું કે IMRH પાસે આધુનિક ટેક્નોલોજી અને અત્યાધુનિક સાધનો હશે અને તે આ શ્રેણીના હેલિકોપ્ટર શોધી રહેલા દેશોમાં નિકાસ માટે સારો વિકલ્પ હશે.