Haldwani Railway Land Case : સુપ્રીમ કોર્ટે હલ્દવાની રેલ્વે જમીન કેસમાં નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને રેલવેને પણ નોટિસ પાઠવી છે. નૈનીતાલ હાઈકોર્ટના આદેશ બાદ જ હલ્દવાનીમાં તણાવ ઊભો થયો હતો. ત્યારથી વિવાદિત સ્થળ પર વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. અહીં હાઈકોર્ટના નિર્ણય બાદ 8મી જાન્યુઆરીએ બુલડોઝર ચલાવવાના હતા, જેના પર હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે.
હાઈકોર્ટનો શું આદેશ છે?
ગયા વર્ષે 20 ડિસેમ્બરના રોજ નૈનીતાલ હાઈકોર્ટની બેન્ચે રેલવેને જમીન ખાલી કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યા બાદ ખોટા અતિક્રમણ કરનારાઓને બહાર કાઢવા માટે કોઈપણ હદ સુધી બળનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.
રેલવેની જમીન પર 4 હજાર પરિવારો વસ્યા છે
હલ્દવાનીમાં જે જમીન પર વિવાદ ચાલી રહ્યો છે તેના પર 4,000 પરિવારો રહે છે. રેલવેનું કહેવું છે કે તેમની પાસે જૂના નકશા અને રેવન્યુ રેકોર્ડ છે, જે જમીન પર તેમનો દાવો સાબિત કરે છે. જોકે, વિરોધ કરી રહેલા લોકોનો દાવો છે કે તેઓ અહીં પેઢીઓથી રહે છે.
આ વિસ્તાર 2.2 કિલોમીટરમાં ફેલાયેલો છે
ઉત્તરાખંડના હલ્દવાનીનો આ વિવાદિત વિસ્તાર 2.2 કિલોમીટરમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગર આવેલા છે. આ ત્રણેય વિસ્તાર હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારનો ભાગ છે. અહીં ત્રણ સરકારી શાળાઓ, 11 ખાનગી શાળાઓ, 10 મસ્જિદો, 12 મદરેસા, એક જાહેર આરોગ્ય કેન્દ્ર અને એક મંદિર છે.