હલ્દવાનીમાં એક મદરેસાને બુલડોઝર કરવા ગયેલી પોલીસ ટીમ પરના હુમલા અને બનભૂલપુરા પોલીસ સ્ટેશનમાં થયેલી હિંસા પછી જિલ્લામાં કર્ફ્યુ હજુ પણ અમલમાં છે. દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ બદમાશો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હવે સવાલ એ થાય છે કે, આ મામલો આટલો મોટો કેવી રીતે બન્યો, પોલીસ સહિત તંત્ર જ્યાં બુલડોઝર મારવા ગઈ હતી તે મદરેસા ગેરકાયદેસર હતી કે નહીં? આ સમગ્ર મામલામાં સત્ય શું છે તે સમજવું જરૂરી છે.
પ્રશ્ન: હલ્દવાની હિંસા – મદરેસા ગેરકાયદે હતુ કે કાયદેસર?
બાણભૂલપુરા નામની જગ્યાએ અબ્દુલ મલિક નામના વ્યક્તિનો બગીચો છે. 30 જાન્યુઆરીએ અહીં દબાણ માટે ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને લોકોએ 2007 નો કોર્ટનો આદેશ બતાવીને અટકાવ્યો હતા. જેમાં સમાધાન માટેના આદેશો આપવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની કાર્યવાહીથી ડરી ગયેલા લોકો હાઈકોર્ટમાં ગયા હતા અને કોર્ટે પણ મદરેસાને તોડી પાડવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે આ મસ્જિદ અથવા મદરેસાને 8 ફેબ્રુઆરીએ તોડી પાડવામાં આવી હતી.
સવાલ: કોર્ટનો શું આદેશ છે?
ડીએમ વંદના સિંહનું કહેવું છે કે, આ મસ્જિદ સરકારી જમીન પર બનેલી છે, જેમાં ક્યાંય પણ કોઈ ધાર્મિક સંરચનાનો ઉલ્લેખ નથી. આ કેસમાં સફિયા મલિક નામના અરજદારે કહ્યું કે, આ જમીન 1937 માં લીઝ પર છે અને અબ્દુલ મલિક પરિવારને તે વારસામાં મળી છે. લીઝ રીન્યુ કરવાની અરજી મહાનગરપાલિકા પાસે પેન્ડીંગ છે. જો કે હજુ સુધી કોર્ટે આ મામલે કોઈ રાહત આપી નથી. હવે પછીની સુનાવણી 14 ફેબ્રુઆરીએ થવાની છે.
પ્રશ્ન: હિંસા કેવી રીતે ફાટી નીકળી?
હિંસા ફાટી નીકળવાના પ્રશ્ન પર ડીએમ વંદના સિંહે કહ્યું કે, અમારી ટીમે કાર્યવાહી કરતી વખતે કોઈને ઉશ્કેર્યા નથી પરંતુ, અડધા કલાકમાં ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી, જે પહેલાથી એક આયોજન પૂર્વકનું દ્રશ્ય દર્શાવે છે. તેઓએ કહ્યું કે, થોડીવારમાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પછી તેમના પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા.
પ્રશ્ન: શું હિંસા પ્રાયોજિત હતી?
ડીએમએ કહ્યું કે, બધું જ પ્લાનિંગ મુજબ કરવામાં આવ્યું હતું. તેઓએ નક્કી કર્યું હતું કે, જ્યારે ડિમોલિશનની કાર્યવાહી થશે, ત્યારે અમે હુમલો કરીશું અને પછી પોલીસને ડિમોરલાઈઝ કરવાનો પ્રયાસ કરીશું.
સવાલ: ઘટનાનો માસ્ટર માઈન્ડ કોણ છે?
જોકે, હલ્દવાની હિંસા અંગે 16 નામ સહિત અને 5,000 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણ એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધીની તપાસમાં અબ્દુલ મલિક આ ઘટનાનો માસ્ટર માઇન્ડ હોવાનું મનાય છે. જે જગ્યાએ પોલીસ અતિક્રમણ હટાવવા ગઈ હતી, તે જગ્યા આ અબ્દુલ મલિકના નામે છે.
આ પણ વાંચો – હલ્દવાની હિંસામાં 19 જાણવાજોગ, 5000 અજ્ઞાત પર કેસ, કર્ફ્યૂ હટાવાયો, જાણો કેવી છે સ્થિતિ?
સવાલ: હલ્દવાનીમાં અત્યારે કેવી સ્થિતિ છે?
હાલ હલ્દવાનીમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. 48 કલાક પછી પણ લોકોને માત્ર જરૂરી કામ માટે જ બહાર જવા દેવામાં આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં તમામ પ્રકારની સંસ્થાઓ બંધ છે. સામાન્ય લોકો માટે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ખુલ્લી છે. માનવામાં આવી રહ્યું છે કે, આજે લોકોને કરફ્યુથી રાહત મળી શકે છે. જોકે, ઈન્ટરનેટ સુવિધા ક્યારે શરૂ થશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.





