AC Blast In Haryana News : હરિયાણાના ફરીદાબાદમાં એક ફ્લેટમાં એસી બ્લાસ્ટ થવાની ભયંકર દૂર્ઘટના બની છે. અહીં ગ્રીન ફિલ્ડ કોલોનીમાં એક ફ્લેટમાં એસી ફાટવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોની ઓળખ સચિન કપૂર, તેમની પત્ની રિંકુ કપૂર અને પુત્રી સુજાન કપૂર તરીકે થઈ છે.
જાણકારી અનુસાર એસીમાં આગ લાગવાના કારણે આખા ઘરમાં ધુમાડા ફેલાઈ ગયા હતા, જેના કારણે ઘરમાં સુતેલા પરિવારના સભ્યોના ગૂંગળાઈ જવાથી મોત થયા હતા.
સોસાયટીમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ ગત રાત્રે અચાનક બ્લાસ્ટ થયો હતો. જે બાદ તે ફ્લેટમાંથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો, પરંતુ આસપાસના લોકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં ફ્લેટ સંપૂર્ણપણે ધુમાડાથી ભરાઈ ગયો હતો. જેના કારણે ઘરમાં હાજર ત્રણ લોકોના ઘટના સ્થળે જ ગૂંગળામણના કારણે મોત થયા હતા. પરિસ્થિતિ એવી હતી કે પરિવારનો પાલતુ કૂતરો બચી શક્યો નહીં.
આ પણ વાંચો | ACમાં આગ કેમ લાગે છે? જાણો કારણ અને ઉપાય
આ ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામેલા ત્રણ લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એસી ફાટતા ઘરમાં આગ લાગી હતી. ઘરમાં રહેલું ફર્નિચર, કપડા અને અન્ય ચીજો બધું જ બળીને ખાક ગયું હતું.