વરિંદર ભાટિયા : હરિયાણામાં આગામી વર્ષે લોકસભા અને વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને જોતા સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસે રાજ્યમાં બ્રાહ્મણ સમાજ સુધી પોતાની પહોંચ વધારી દીધી છે. સાથે જ બ્રાહ્મણોને રીઝવવા માટે બંને પક્ષો તમામ પ્રયાસો કરી રહ્યા છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોમવારે કૈથલમાં એક મેડિકલ કોલેજનું નામ પરશુરામ રાખ્યું છે. તેમણે 11 ડિસેમ્બરે તેમના ગૃહ મતવિસ્તાર કરનાલમાં બીજો બ્રાહ્મણ મહાકુંભ યોજવાની પણ જાહેરાત કરી હતી. ગયા વર્ષે આ જ દિવસે કરનાલમાં સૌ પ્રથમ આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે એપ્રિલમાં મુખ્યમંત્રીએ પરશુરામના નામે ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને રાજ્યમાં પરશુરામ જયંતિ પર રજા જાહેર કરી હતી.
ગયા અઠવાડિયે રોહતકમાં એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે વિપક્ષના નેતા અને બે વખતના સીએમ ભૂપિંદર સિંહ હૂડાએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ 2024માં સત્તામાં આવશે તો ચાર ડેપ્યુટી સીએમમાંથી એક બ્રાહ્મણ સમુદાયના હશે.
હરિયાણામાં બ્રાહ્મણોની વસ્તી 12 ટકા
હરિયાણામાં જાટ-પ્રભુત્વ ધરાવે છે. બ્રાહ્મણો રાજ્યની કુલ વસતીમાં લગભગ 12 ટકા હિસ્સો ધરાવે છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ 90 સભ્યોના સદનમાં 47 સીટો જીતીને પહેલી વાર બહુમતના આંકડા સુધી પહોંચી ગયુ તો પાર્ટીના પ્રદેશ પ્રમુખ રામ બિલાસ શર્મા બ્રાહ્મણ નેતાના રૂપમાં સીએમ પદ માટે સૌથી આગળ હતા. જોકે ભાજપ હાઈકમાન્ડે સૌના આશ્ચર્ય વચ્ચે પોતાના સીએમ પદના ઉમેદવાર તરીકે એક પંજાબી નેતા ખટ્ટરને પસંદ કર્યા હતા. રામ બિલાસ 2019ની ચૂંટણીમાં પોતાની સીટ પરથી હારી ગયા હતા.
ભગવત દયાલ શર્મા હરિયાણાના પહેલા બ્રાહ્મણ સીએમ હતા
હરિયાણાના પહેલા સીએમ કોંગ્રેસના ભગવત દયાલ શર્મા એક બ્રાહ્મણ હતા. 1 નવેમ્બર 1966ના રોજ હરિયાણા બન્યા પછી તેઓ આ સમુદાયમાંથી એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે થોડા મહિના બાદ તેમના સ્થાને રાવ બિરેન્દ્ર સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
1968થી આજ દિન સુધીના કેટલાક અપવાદોને બાદ કરતાં મોટા ભાગે જાટ નેતાઓએ રાજ્ય પર શાસન કર્યું હતું. જેમાં વિશાલ હરિયાણા પાર્ટીના રાવ બિરેન્દ્ર સિંહ, બનારસી દાસ ગુપ્તા અને કોંગ્રેસના ભજનલાલ ઉપરાંત હાલમાં મનોહર લાલ ખટ્ટર સામેલ છે.
આ પણ વાંચો – લોકસભાની ચૂંટણીમાં ગુંજશે જ્ઞાતિના રાજકારણનો મુદ્દો? કોંગ્રેસ-ભાજપનું આ સ્ટેન્ડ શું સંકેત આપે છે
ભાજપના એક વરિષ્ઠ નેતાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ભાજપે ક્યારેય જાતિની રાજનીતિ કરી નથી. પરંતુ પરંપરાગત રીતે જાટ લોકો હરિયાણામાં ભાજપને મત આપતા નથી. હાલની પરિસ્થિતિમાં હરિયાણામાં ટોચના જાટ નેતાઓના ત્રણ જૂથો છે – કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ હૂડા, આઈએનએલડીના ઓમ પ્રકાશ ચૌટાલા અને અભય ચૌટાલા અને જેજેપીના દુષ્યંત ચૌટાલા. એવો મત છે કે જાટ મત ત્રણેય પક્ષોના ત્રણ જાટ જૂથોમાં વહેંચાયેલો હોવાની સંભાવના છે. આ એક કારણ છે કે ભાજપ વાણિયા અને પંજાબી સમુદાય ઉપરાંત બ્રાહ્મણ મતદારોને પણ પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
આનાથી ભાજપમાં બ્રાહ્મણ નેતાઓની આકાંક્ષાઓ પણ વધી છે. ગયા વર્ષે મે મહિનામાં એક રેલીમાં ભાજપના રોહતકના સાંસદ અરવિંદ શર્માએ રાજ્યમાં બ્રાહ્મણ સીએમની જોરદાર હિમાયત કરી હતી. ભાજપના રાજ્યસભાના સાંસદ કાર્તિકેય શર્મા બ્રાહ્મણ મહાકુંભ માટે જાહેર સભાઓ માટે હરિયાણાની મુલાકાતે આવી રહ્યા છે. આ અંગે તેઓ અત્યાર સુધી કરનાલ, પાનીપત,કૈથલ, ચરખી દાદરી, ભિવાની, અંબાલા અને ગુડગાંવની મુલાકાત લઈ ચૂક્યા છે.
જ્યારે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે હુડ્ડાની રોહતક જાહેરાત બાદ ભાજપ બ્રાહ્મણોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ખટ્ટરે તેમના પર “વિભાજનકારી, જાતિગત રાજકારણ” કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ભૂપિંદર સિંહ હુડ્ડાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે હું વિભાજનકારી રાજકારણ કરનારાઓમાંથી એક નથી. હું ભાજપથી વિપરીત તમામ સમુદાયોમાં પ્રેમ ફેલાવી રહ્યો છે. હુડ્ડાના ડેપ્યુટી સીએમ પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા રામ બિલાસ શર્માએ તાજેતરમાં કહ્યું હતું કે બ્રાહ્મણ સમુદાયની નજર મોટી સીટ પર છે, જે મુખ્યમંત્રી પદના સંદર્ભ હતો.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો