હરિયાણાનું મેવાત સાયબર અપધારીઓનો ગઢ બની રહ્યું છે. અહીં અવારનવાર સાયબર ક્રાઈમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાછલા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે પોલીસે 66,784 ફરિયાદોમાં કાર્યવાહી કરી હતી. જેમાં લોકો સાથે 301.48 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સાયબર ક્રાઈમ સેલે આ વિસ્તારના લગભગ 5 લાખ મોબાઇલ સિમ બ્લોક કરી દીધા છે. આ સિમકાર્ડનો ઉપયોગ આ વિસ્તારના 40 ગામોમાં થઇ રહ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં આવા કેસમાં 402 ગુનેગારોની ઓળખ કરી છે.
સાયબર સેલની કડક કાર્યવાહી
સાયબર સેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે સાયબર ક્રાઈમના 2,165 કેસ નોંધાયા છે. જેમાંથી 1,065 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 46.91 કરોડની વસૂલાત કરવામાં આવી છે અથવા શંકાસ્પદ વ્યવહારો અટકાવી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નકલી સિમ કાર્ડની ઓળખ ટેલિકોમ વિભાગ દ્વારા વિકસીત એક ટૂલ, ટેલિકોમ સિમ સબસ્ક્રાઇબર વેરિફિકેશન (ASTR) માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેશિયલ રેકગ્નિશન પાવર્ડ સોલ્યુશનની મદદથી કરવામાં આવે છે.
એક અધિકારીઓએ જણાવ્યું કે, અમે અન્ય રાજ્યોમાંથી ઇશ્યૂ કરાયેલા 4,96,562 મોબાઈલ નંબરને ઓળખવા માટે મેવાતમાં સેલ ટાવર ડમ્પ એનાલિસિસનો ઉપયોગ કર્યો છે. અમે વધુ 15,672 નંબરોને ઓળખી કાઢ્યા છે અને 1,959 નંબરોને બ્લોક કર્યા છે.
IMEI નંબરથી ટ્રેક કરાય છે સાયબર અપરાધીઓને
અધિકારીઓનું કહેવું છે કે, ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબરથી ઘણા સાયબર અપરાધીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સાયબર ગુનેગારો ફ્રોડ કોલ કરવા માટે આ સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા. અધિકારીએ કહ્યું કે, સાયબર અપરાધીઓ એક ફોન કોલ કર્યા ફોનને સ્વીચ ઓફ કરીને તેમાં સિમ કાર્ડ કાઢી નાંખેતા છે. નવો કોલ કરવા માટે તેઓ એ જ ફોનમાં એક નવું સિમ કાર્ડ નાંખે છે. અધિકારીઓએ કહ્યું કે એક ઓળખ કાર્ડ પર વધુમાં વધુ છ સિમ કાર્ડ ઇશ્યૂ કરી શકાય છે, જ્યારે ઘણા કિસ્સાઓમાં એક ડઝનથી વધુ કાર્ડ મેળવવામાં આવ્યા છે. અધિક પોલીસ મહાનિર્દેશક (સ્ટેટ ક્રાઈમ બ્રાંચ) ઓપી સિંહે જણાવ્યું હતું કે, સિમ કાર્ડ ખરીદવા માટે રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી માટે મોબાઈલ નેટવર્ક ઓપરેટરોને કડક સુચના આપવામાં આવી છે.
સાયબર અપરાધીઓની મોડસ- ઓપરેન્ડી
સાયબર સેલના અધિકારીઓએ આ સાયબર ગેંગની મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યા કહ્યું કે, એક વ્યક્તિના બોગસ ડોક્યુમેન્ટ મારફતે સિમ કાર્ડ મેળવવામાં આવે છે, બીજો વ્યક્તિ બેન્ક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન માટે આ સિમ કાર્ડને લિંક કરે છે. ત્રીજો વ્યક્તિ સંભવિક લોકોને જાળમાં ફસાવવા માટે વ્યક્તિઓને ફોન કરે છે. તો ચોથો વ્યક્તિ બેન્કમાંથી પૈસા ઉપાડે છે. આ લેભાગુ તત્વો મોટાભાગે દૂર રહેલા વ્યક્તિઓને જ નિશાન બનાવે છે. મેવાતમાં સાયબર અપરાધની સતત વધી રહેલી ઘટનાઓ અંગે ગૃહ મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે.