ખેડૂત પરિવારો દયનિય સ્થિતિમાં, માસિક માથાદીઠ વપરાશ ખર્ચ 4000થી પણ ઓછો – HCES રિપોર્ટમાં ખુલાસો

HCES 2022-23 : હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે અનુસાર પ્રથમ વખત કૃષિ પરિવારોનો સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (MPCE) ગ્રામીણ પરિવારોની કુલ સરેરાશથી નીચે આવી ગયો છે.

Written by Ajay Saroya
February 26, 2024 07:49 IST
ખેડૂત પરિવારો દયનિય સ્થિતિમાં, માસિક માથાદીઠ વપરાશ ખર્ચ 4000થી પણ ઓછો – HCES રિપોર્ટમાં ખુલાસો
Farm Families : પ્રતિકાત્મક તસવીર (File Photo)

(હરીકિશન શર્મા) HCES 2022-23 Monthly Per Capita Consumption Expenditure : ભારત ગામડાઓથી બનેલો દેશ છે. જો કે બદલાતા સમયની સાથે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં કોઇ ખાસ સુધારો થયો નથી. તાજેતરના હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર સર્વે (HCES) 2022-23 અનુસાર પ્રથમ વખત, ખેડૂત પરિવારોનો સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (MPCE) ગ્રામીણ પરિવારોની કુલ સરેરાશથી નીચે આવી ગયો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) દ્વારા શનિવારે આ સર્વે જાહેર કરવામાં આવ્યો હતો.

આ સર્વે અહેવાલ દર્શાવે છે કે 2022-23 (ઓગસ્ટ-જુલાઈ) માં “કૃષિમાં સ્વ-રોજગાર ધરાવતા” ખેડૂત પરિવારોની સરેરાશ MPCE રૂ. 3,702 હતો, જ્યારે ગ્રામીણ પરિવારોનો આ આંકડો કુલ સરેરાશ રૂ. 3,773 હતો.

કૃષિ પરિવારોના MPCE અને ગ્રામીણ પરિવારોની એકંદર સરેરાશ વચ્ચેનું અંતર વર્ષોથી ઓછું થઈ રહ્યું છે. 1999-2000માં, સરેરાશ માથાદીઠ વપરાશ ખર્ચ ખેડૂત પરિવારોનો રૂ. 520 અને ગ્રામીણ પરિવારોનો કુલ સરેરાશ રૂ. 486 હતો. જે વર્ષ 2004-05માં અનુક્રમે રૂ. 583 અને રૂ. 559 થયો હતો. તો વર્ષ 2011-12માં કૃષિ પરિવારોનો MPCE રૂ. 1,436 હતો, જે 1,430ના સરેરાશ ગ્રામીણ ખર્ચ કરતાં થોડોક વધારે હતો.

HCES 2022-23 મુજબ, “કૃષિમાં સ્વ-રોજગાર ધરાવતા” પરિવારોની જેમ, ખેતીમાં રોકાયેલા કેઝ્યુઅલ લેબર અને નિયમિત વેતન મેળવનારાઓનો MPCE પણ ગ્રામીણ સરેરાશ કરતાં ઓછો હતો.

નિયમિત વેતન/કૃષિમાંથી પગારદાર કમાણી ધરાવતા પરિવારોનો સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ 3597 રૂપિયા હતો, જ્યારે નિયમિત વેતન અને બિન કૃષિ પગારદાર કમાણી ધરાવતા ઘરનો ખર્ચ 4533 રૂપિયા હતો. તેવી જ રીતે ખેતીમાં કેઝ્યુઅલ લેબર તરીકે રોકાયેલા પરિવારોની સરેરાશ MPCE રૂ. 3,273 હતી જ્યારે કૃષિ સિવાયની મજૂરી કરતા પરિવારોનો ખર્ચ રૂ. 3,315 હતો.

assembly elections 2023 | Farmers | Voter
પ્રતીકાત્મક તસવીર – ખેડૂત (ઇન્ડિયન એક્સપ્રેસ).

નીતિ આયોગના પૂર્વ વરિષ્ઠ સલાહકાર રામા કામરાજુ એ જણાવ્યું હતું કે, ખેતીમાં કેઝ્યુઅલ લેબર અને કૃષિમાં સ્વ-રોજગાર માટે પરિવારો સરેરાશ ખર્ચના મામલે અત્યંત દયનિય સ્થિતમાં છે, જે પ્રથમ વખત રૂ. 3,773ની ગ્રામીણ પરિવારના સરેરાશ કરતાં પણ ઓછો છે. આ આંકડા દર્શાવે છે કે, આ સમુહ અને અન્ય જૂથો સાથે વૃદ્ધિ કરી શક્યા નથી. આથી આ આંકડાઓનું ઉંડુ વિશ્લેષણ કરવાની અને યોગ્ય નીતિ યોજના લાગુ કરવાની જરૂર છે,”

અર્થશાસ્ત્રીના મતે, સંભવિત કારણો પૈકીનું એક કારણ ગ્રામીણ અર્થવ્યવસ્થાનું વૈવિધ્યકરણ હોઈ શકે છે, જેમાં બિન-કૃષિ પ્રવૃત્તિઓને મહત્ત્વ મળે છે.

અન્ય સંભવિત કારણને ટાંકીને, અન્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે કોવિડ -19 દરમિયાન તેમના ગામોમાં પાછા ફરેલા કેટલાક સ્થળાંતર મજૂરો કદાચ પરત ફર્યા બાદ ખેતીમાં લાગી ગયા હશે, જેનાથી “કૃષિમાં સ્વ-રોજગાર” લોકોની કુલ સંખ્યામાં વધારો થયો છે. ખેડૂતોની સંખ્યામાં આ વધારાને કારણે “કૃષિમાં સ્વ-રોજગાર ધરાવતા” પરિવારોની સરેરાશ MPCE કુલ ગ્રામીણ સરેરાશ કરતાં ઓછી હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

MPCE – ગરીબી માપવાનું માપદંડ

MPCE એ એક મુખ્ય સૂચક છે જેનો ઉપયોગ ગરીબી માપવા માટે થાય છે. કુલ ગ્રામીણ પરિવારોની તુલનામાં ખેડૂત પરિવારોના સરેરાશ MPCEમાં ઘટાડો તાજેતરના વર્ષોમાં ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ હોઇ શકે છે – જેમાં 2020-21માં હવે રદ કરાયેલા કૃષિ કાયદાઓ અને લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી માંગવા માટે આંદોલન (MSP) ચાલુ છે.

એચસીઇએસ ફેક્ટશીટ એ “એમ્પ્યુટેશન સાથેના MPCE અંદાજ” વિશે પણ આંકડા આપ્યા છે. , જેમાં ચોખા, ઘઉં/લોટ, જુવાર, બાજરી, મકાઈ, રાગી, જવ, નાની બાજરી, કઠોળ, ચણા, મીઠું, ખાંડ, ખાદ્ય, ઓઈલ, લેપટોપ/પીસી, ટેબ્લેટ, મોબાઈલ હેન્ડસેટ, સાયકલ, મોટરસાઈકલ/સ્કૂટી, કપડાં (શાળાનો ગણવેશ), ફૂટવેર (શાળાના જૂતા વગેરે) જેવી ચીજવસ્તુઓ વિવિધ સમાજ કલ્યાણ કાર્યક્રમો દ્વારા વિનામૂલ્યે મેળવે છે.

ખેડૂત પરિવારો (રૂ. 3,783) માટે ઇમ્પ્યુટેશન (imputation) સાથેનો સરેરાશ MPCE હજુ પણ ગ્રામીણ પરિવારોના કુલ સરેરાશ (રૂ. 3,860) કરતાં ઓછો છે.

તાજેતરના સર્વે રિપોર્ટ એ પણ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિ (ST)નો MPCE રૂ. 3,016 છે, જે સૌથી ઓછો છે. તો અનુસૂચિત જાતિ (SC)નો માસિક માથાદીઠ વપરાશ ખર્ચ રૂ. 3,474, અન્ય પછાત વર્ગો (OBC) માટે રૂ. 3,848 અને અન્યોનો રૂ. 4,392 હતો.

ગ્રામીણ અને શહેરી વિસ્તારનો માથાદીઠ ખર્ચ

તો શહેરી વિસ્તારમાં એસસી સમુદાયનો સૌથી નીચો MPCE રૂ. 5,307 છે, ત્યારબાદ એસટી સમુદાયનો રૂ. 5,414, ઓબીસીનો રૂ. 6,177 અને અન્ય લોકોનો રૂ. 7,333 હતો. ગ્રામીણ પરિવારનો માસિક સરેરાશ માથાદીઠ વપરાશ ખર્ચ રૂ. 3,773 અને શહેરી પરિવારોનો રૂ. 6,459 નોંધાયો છે.

આ પણ વાંચો | મજદૂર જોડો યાત્રા : પંજાબમાં ખેડૂત બાદ હવે મજૂરોએ શરૂ કર્યું આંદોલન, જાણો શું તેમની માંગણીઓ

નોંધનિય છે કે, દર પાંચ વર્ષે HCES સર્વે કરવામાં આવે છે. અલબત્ત સરકારે જુલાઈ 2017-જૂન 2018 નો 75મો સર્વે રિપોર્ટ જાહેર કર્યો ન હતો. HCES ઘરો દ્વારા સામાન અને સેવાઓના વપરાશ અંગેની માહિતી એકત્રિત કરે છે. સરકારે 2017-18ના સર્વેક્ષણને રદ કર્યાના 10 વર્ષથી વધુ સમય બાદ નવા સર્વેના પરિણામો આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ