Union Health Minister Mansukh Mandaviya : ચીનમાં બાળકોમાં રહસ્યમય ન્યુમોનિયાનો કહેર જોયા બાદ ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય પહેલેથી જ સતર્ક થઈ ગયું છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જાહેર કરીને સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ શ્વાસ સંબંધી બીમારીઓથી બચાવને લઇને માટે તૈયારીઓની ઉપાયોની સમીક્ષા કરે.
જિલ્લા સ્તરે ચાંપતી નજર રાખવાની સલાહ
તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કોવિડ-19ના સંદર્ભમાં સંશોધિત દેખરેખ વ્યૂહરચના માટે કાર્યકારી દિશાનો અમલ કરવો જોઈએ. જિલ્લા અને રાજ્ય દેખરેખ સમિતિ આઈએલઆઈ-એસએઆરઆઈ ટ્રેન્ડ્સને નજીકથી મોનિટર કરે. શ્વસન સંબંધી બીમારીમાં વધારો મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝા, માઇકોપ્લાસ્મા ન્યુમોનિયા, સાર્સ-કોવ-2 જેવા સામાન્ય કારણોને કારણે થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે, હાલ ગભરાવાની જરૂર નથી.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- સરકાર જરૂરી પગલાં લઈ રહી છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે ચીનમાં ખાસ કરીને બાળકોમાં માઇકોપ્લાસ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોમાં વધારાને પગલે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે મહેસાણામાં કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આઈસીએમઆર અને ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ ચીનમાં ન્યુમોનિયાના વધતા જતા કેસો પર નજર રાખી રહ્યા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – રેસ્ક્યુ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની એન્ટ્રી, 15 દિવસની ડેડલાઈન અને પ્લાન એ, બી અને સી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનમાં હાલની ઇન્ફલ્યુએન્ઝાની પરિસ્થિતિને કારણે ઊભી થતી કોઈપણ પ્રકારની કટોકટી માટે ભારત તૈયાર છે. મંત્રાલયે કહ્યું કે તે ચીનમાં બાળકોમાં એચ9એન2 ના પ્રકોપ અને શ્વસન સંબંધી બીમારી પર નજર રાખી રહ્યું છે.
ચીને દાવો કર્યો કે કોઈ નવો રોગ નથી
જોકે વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ચીને દાવો કર્યો છે કે કોઈ અસામાન્ય વાત નથી કે કોઈ નવો રોગ પણ નથી. દેશના દક્ષિણ અને ઉત્તરીય રાજ્યોમાં રહેતા લોકો, ખાસ કરીને બાળકોએ માઇકોપ્લાસ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના વધતા જતા કેસો અંગે ચિંતા કરવાની જરૂર નથી.





