મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ ગામમાં રવિવાર સાંજે એક દુર્ઘટના ઘટી હતી. ભારે વરસાદ અને તેજ પવનના કારણે એક મંદિરનો પતરાના સેડ પર લિંમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 વધારે લોકો ઘાયલ થયા હતા.
અકોલા જિલ્લામાં ભારે વરસાદ બાદ બાબૂજી મહારાજ મંદિર સંસ્થાનના પતરાના એક શેડ ઉપર વર્ષો જૂનું લિંમડાનું ઝાડ પડ્યું હતું. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને પડેલા શેડ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે પોલીસ દળ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બચાવ અને રાહત અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તૂટેલા ઝાડ અને પડેલા શેડને ઉઠાવવા માટે જેસીબી મશીનનો ઉપોયગ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર નીમા અરોડાએ ન્યૂઝ એજન્સી એએનઆઇને ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનામાં સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 30-40 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.