Himachal Pradesh Rain : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 9 લોકોના મોત, ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા

Rain 2023 : એએનઆઈના અહેવાલ મુજબ લેહ-મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ 3) નો એક ભાગ ઓવરફ્લો થતી બિયાસ નદીને કારણે ધોવાઈ ગયો

Written by Ashish Goyal
July 09, 2023 16:59 IST
Himachal Pradesh Rain : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 9 લોકોના મોત, ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ છે (તસવીર - એએનઆઈ)

Himachal Pradesh Heavy Rain : દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે નુકસાનના સમાચાર છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બે સૈનિકો ડૂબી ગયા છે. ઘણા રસ્તાઓ બંધ છે. શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પણ હાલ પૂરતો બંધ છે. હવામાન વિભાગે પૂરની ચેતવણી આપી છે અને લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ પૂર જેવી સ્થિતિ છે અને ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મંડી જિલ્લાના ડેપ્યુટી કમિશનરે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે જિલ્લામાં ભારે વરસાદને કારણે મંડીની તમામ શાળા-કોલેજો આવતીકાલે બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં બાંધવામાં આવેલી પાંથિયાલ ટનલ નજીક મોટા પાયે ભૂસ્ખલન બાદ એક રસ્તો ધોવાઈ ગયા બાદ રવિવારે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ રહ્યો હતો.

હિમાચલ પ્રદેશમાં રવિવારે પણ ભારે વરસાદે વિનાશ કર્યો છે, જેના કારણે ભૂસ્ખલન થયું હતું અને મકાનોને નુકસાન પહોંચ્યું છે. શિમલા જિલ્લાના કોટગઢ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. કુલ્લુ શહેરમાં ભૂસ્ખલનથી એક કામચલાઉ મકાનને નુકસાન પહોંચ્યું હતું, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટનામાં ચંબાની કાટિયાન તહસીલમાં શનિવારે રાત્રે ભૂસ્ખલન બાદ એક વ્યક્તિ જીવતો દટાઈ ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે કુલ્લુ-મનાલી માર્ગ પર નદીના ધસમસતા પ્રવાહ અને પથ્થરો પડવાની ઘટના વચ્ચે કુલ્લુ અને મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ તરફના વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં 13 જેટલા ભૂસ્ખલનના અહેવાલ મળ્યા છે, જ્યારે 736 રસ્તાઓને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – દિલ્હીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજસ્થાનમાં ચારના મોત

અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે તેહરી ગઢવાલ જિલ્લામાં ગંગા નદીમાં ભૂસ્ખલનથી અથડાયેલું એક વાહન પડી જતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ત્રણ અન્ય લોકો લાપતા હતા. વાહનમાં ડ્રાઇવર સહિત 11 લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી પાંચને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને ઋષિકેશની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કેદારનાથથી ઋષિકેશ જઈ રહ્યા હતા.

રાવી, બિયાસ, સતલુજ, ચિનાબ સહિતની મોટી નદીઓ ઓવરફ્લો થવાને કારણે પ્રવાસીઓને ભારે વરસાદ દરમિયાન મુસાફરી કરવાનું ટાળવા અને નદીની નજીક ન જવાનું કહેવામાં આવ્યું છે. એએનઆઈના અહેવાલ મુજબ લેહ-મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ 3) નો એક ભાગ ઓવરફ્લો થતી બિયાસ નદીને કારણે ધોવાઈ ગયો હતો.

એએનઆઈ અનુસાર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) ની ટીમે રવિવારે કુલ્લુ નજીક બિયાસ નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે તેમના ઘરોમાં ફસાયેલા પાંચ લોકોને બહાર કાઢ્યા હતા.

આ દરમિયાન શિમલા, સિરમૌર, લાહૌલ અને સ્પીતી, ચંબા અને સોલન જિલ્લામાં ભૂસ્ખલન અને પૂરના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. યુનેસ્કોની હેરિટેજ શિમલા અને કાલકા ટ્રેક વચ્ચેની તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે કારણ કે ભૂસ્ખલન અને ઝાડ પડવાથી ઘણી જગ્યાએ રેલ્વે ટ્રેક અવરોધિત થયો હતો.

આઇએમડીએ 9 જુલાઇએ ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, ઉના, હમીરપુર અને બિલાસપુર જિલ્લાઓ સહિત સાત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. શિમલા, સોલન અને સિરમૌર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે વિવાર દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ