Nagaland first woman MLA : નાગાલેન્ડને આખરે પ્રથમ મહિલા ધારાસભ્ય મળી ગઈ છે. જેવી આશા હતી કે, ઓછામાં ઓછી એક બેઠક પર રાજ્યની પ્રથમ મહિલા ધારાસભ્ય બનવા માટે ચૂંટાઈ શકે છે. ગુરુવારે, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) ના હેકાની જાખલુ નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા બની. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 રાજ્ય વિધાનસભાઓ હોવા છતાં, આજ સુધી એક પણ મહિલા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ નથી. ગુરુવારે બપોરે રાજ્યમાં મત ગણતરી ચાલુ હોવાથી, જાખલુ ભારતના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવેલા છઠ્ઠા વ્યક્તિ હતા.
એનડીપીપી ઉમેદવાર હેકાની જાખલુની ટક્કર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાનની પાર્ટી) ના અઝેટો ઝિમોમી હતી. જાખલુએ મતવિસ્તારમાં પડેલા 31,874 મતોમાંથી 14395 એટલે કે 45.16 ટકા મેળવ્યા, સામેઅઝેટો ઝિમોમીને 12859 – 40.34 ટકા મત મળ્યા. ટક્કર નજીકની હતી પરંતુ આખરે નાગાલેન્ડમાં પ્રથમ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ આવી.
કોણ છે નાગાલેન્ડની પ્રથમ મહિલા ધારાસભ્ય હેકાની જાખલુ
તેણીએ લેડી શ્રી રામ કોલેજ ફોર વુમન એન્ડ ફેકલ્ટી ઓફ લો, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ઓફ સાન ફ્રાન્સિસ્કોમાંથી એલએલએમ કર્યું. બાદમાં દિલ્હીમાં એક લો ફર્મમાં કામ કર્યું. 2005માં, તે યુથનેટ નામની એનજીઓ શરૂ કરવા માટે નાગાલેન્ડ પરત આવ્યા, જે તેનો ઉદ્દેશ્ય “યુવા સશક્તિકરણ” તરીકે જણાવે છે.
તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ પણ કર્યો. 2019 માં, તેણીએ બાળ અને મહિલા વિકાસ મંત્રાલય તરફથી નારી શક્તિ પુરસ્કાર જીત્યો.
હવે, પ્રથમ વખત ધારાસભ્ય તરીકે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, તેમના એજન્ડામાં ચાર મુદ્દા છે
“17 વર્ષથી, હું એનજીઓ ક્ષેત્રમાં યુવાનો માટે કામ કરી રહી છું, પરંતુ તે પદ પરથી માત્ર મર્યાદીત કરી શકાતુ હતુ. તેથી જ હું નીતિ ઘડતરમાં સામેલ થવા અને રાજ્યની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં પ્રવેશવા માંગતી હતી. હેમેશા, રાજ્યમાં અને મારા મતવિસ્તારમાં, મારું ધ્યાન યુવાનો પર રહેશે – તેમનું નિર્માણ અને પોષણ. અને હા, એક મહિલા ધારાસભ્ય તરીકે હું મહિલાઓ માટે પણ લડીશ.
“મારું બીજું લક્ષ્ય દીમાપુર III ને એક મોડેલ મતવિસ્તાર બનાવવાનું છે. તે ઘણા લાંબા સમયથી ઉપેક્ષિત છે. હું ઈચ્છું છું કે, દરેકને તેમની મૂળભૂત સુવિધાઓ અને અધિકારો મળે. અને છેલ્લે, હું લઘુમતી સમુદાયો માટે લડીશ. તેઓ રાજ્યની અડધી વસ્તી ધરાવે છે અને તેઓ ખરેખર મતવિસ્તારમાંથી ધારાસભ્યો અને મંત્રીઓને ચૂંટતા હોય છે. પરંતુ એક વખત ધારાસભ્યો સત્તામાં આવ્યા પછી આ લોકોને ભૂલી જાય છે.
મહિનાઓના જોરદાર પ્રચાર પછી, જાખલુએ કહ્યું કે, તેમને રાહત મળી છે. જો કે, તેણીએ ઉમેર્યું હતું કે, આ “માત્ર પ્રથમ લડાઈ” હતી. ગુરુવારે બપોરે કોહિમા જવાની તૈયારીમાં, તેણીએ કહ્યું: “હું ખાતરી કરવા માંગુ છું કે એકવાર મંત્રાલયો અને વિભાગોની રચના થઈ જાય પછી મને સારી સ્થિતિ મળે. મારી ટીમ મારી સાથે તેના પર કામ કરી રહી છે.”
ચાર મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા
હેકાણી જાખલુ
હેકાણી જાખલુ વકીલમાંથી સામાજિક કાર્યકર બન્યા છે, તેઓએ અમેરિકામાં અભ્યાસ કર્યો છે અને નારી શક્તિ પુરસ્કાર મેળવેલો છે, તેઓ કૌશલ્ય વિકાસ, યુવા માર્ગદર્શન અને સાહસિકતા કાર્યક્રમો પર ભાર મૂકીને રોજગારના મુદ્દાઓ પર કામ કરતી નાગાલેન્ડ સ્થિત સંસ્થા Youthnet ના સ્થાપક અને પ્રમુખ પણ છે. જાખલુ યુવાનોના પ્રશ્નો, યુવા વિકાસ, મહિલા સશક્તિકરણ, લઘુમતીઓના અધિકારો અને મોડેલ મતવિસ્તાર માટે લડી રહ્યા છે. અને આ વખતે NDPP ઉમેદવાર તરીકે મુખ્ય દીમાપુર 3 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.
કહુલી સેમા
બીજેપીની એકમાત્ર મહિલા ઉમેદવાર કહુલી સેમા અહીંથી ઉમેદવાર છે અને તેઓ પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યમાં ક્યારેય મહિલા ધારાસભ્ય રહી નથી. જાહેર બાંધકામ વિભાગના પૂર્વ મુખ્ય ઇજનેર અને મેદાનમાં ત્રીજા ક્રમના સૌથી ધનિક ઉમેદવાર સેમા, પિક્ટો સામે ચૂંટણી લડી રહી છે, જેમણે છેલ્લી બે ચૂંટણીઓમાં આ મતવિસ્તારમાં જીત મેળવી છે. જ્યારે પિક્ટો 2018 માં NPF ટિકિટ પર જીત્યા હતા, તે 21 ધારાસભ્યોમાંથી એક છે, જે 2021 માં NDPP માં જોડાઈ ગયા હતા, પરંતુ પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે. કહુલી સીમા હાલ 602 ની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.
સાલ્હોતુઓનુઓ ક્રુસે
સાલ્હોતુઓનુઓ ક્રુસ એક સામાજિક કાર્યકર્તા છે, તેઓ સ્વર્ગસ્થ કવિસેખો ક્રુસની પત્ની છે અને અંગમી મહિલા સંગઠનના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે. ક્રુસ ‘સમાનતા અને સુશાસન માટે પરિવર્તન’ ના નારા હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.
રોઝી થોમસન
રોઝી થોમસન, મહિલાઓના ઉત્થાનના પ્રશ્નને લઈ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 1980માં કોલેજકાળથી લાંબા સમયથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યકર, 1980 ના દાયકાના અંતમાં કોલેજકાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પહેલા પણ ચૂંટણી લડવી હતી, પરંતુ આર્થિક સ્થિતિ અને અન્ય કારણોસર ચૂંટણી લડી શક્યા ન હતા.
નાગાલેન્ડમાં મતદાર સંખ્યા વધુ તો સાક્ષરતા દરમાં પણ મહિલાઓ આગળ
મહત્વની વાત એ છે કે, નાગાલેન્ડમાં મહિલા મતદારોની સંખ્યા પણ વધુ અને સાક્ષરતા દરમાં પણ મહિલાઓ આગળ છતા નાગાલેન્ડમાં આજ સુધીના ઈતિહાસમાં વિધાનસભામાં મહિલા ઉમેદવાર જીતી શકી ન હતી. તમને જણાવી દઈએ કે, નાગાલેન્ડમાં કુલ 6,38,473 મહિલા મતદારો છે. અહીં 1000 પુરુષોએ 1002 સ્ત્રીઓ છે. જો સાક્ષરતાની વાત કરીએ તો, નાગાલેન્ડમાં સ્ત્રી સાક્ષરતા દર 76.11 ટકા છે, જે મહિલાઓની રાષ્ટ્રીય સરેરાશ 65.46 ટકા કરતાં વધારે છે.