Himachal Pradesh Assembly Election 2022: હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી બળવાખોરથી પરેશાન છે. હિમાચલના કાંગડા જિલ્લાના ફતેહપુર સીટથી ભાજપામાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ રાજ્યસભા સાંસદ કૃપાલ પરમારે દાવો કર્યો છે કે તેમને પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ફોન કરીને ચૂંટણી ના લડવા કહ્યું હતું. જોકે પીએમ મોદીની અપીલ છતા બીજેપીના બળવાખોર નેતા કૃપાલ પરમારે ચૂંટણી મેદાનમાંથી હટવાથી ઇન્કાર કર્યો છે.
પીએમ મોદીએ કૃપાલ પરમારને ફોન કરીને ચૂંટણી ના લડવા માટે કહ્યું હતું. આ વાતચીતનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ પીએમ મોદી અને બળવાખોર બીજેપી નેતાની વાતચીતનો આ વીડિયો શેર કરીને ભાજપા પર પ્રહાર કર્યો હતો.
કૃપાલ પરમારે ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે કોલ ફેક ન હતો. પીએમ મોદીએ વાસ્તવમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ફોન કર્યો હતો. નડ્ડાજીએ 15 વર્ષ સુધી મારું અપમાન કર્યું છે. હું લડાઇમાં છું, ભાજપાના આધિકારિક ઉમેદવાર સામે નહીં. આ મારી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચેની લડાઇ છે.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આ બેઠકો પરથી મળ્યા ‘ગુજરાતના નાથ’, સૌરાષ્ટ્ર, અમદાવાદનો દબદબો
પોતાની અને પ્રધાનમંત્રીની વાતચીત વિશે પરમારે જણાવ્યું કે પીએમ મોદીએ તેમને ફોન કરીને કહ્યું કે મારી વાત સાંભળી લે. મારો તારા પર હક છે. જેના જવાબમાં બળવાખોર નેતાએ કહ્યું કે મોદી જી, નડ્ડા જીએ મને 15 વર્ષ સુધી અપમાનિત કર્યો છે.
પીએમ મોદી ભગવાન સમાન
કૃપાલ પરમારે કહ્યું કે જ્યારે પીએમ મોદી રાજ્યના પ્રભારી હતા તો હું મંત્રી હતો. તેમની સાથે મારો પારિવારિક સંબંધ છે. તે મારા માટે ભગવાન સમાન છે. હું ચૂંટણી લડી રહ્યો છું. મેં મોદીજીને કહ્યું કે તમારો ફોન પહેલા આવ્યો હોત તો હું નામ પરત લઇ લોત. જોકે પીએમે જણાવ્યું કે મને આજે જણાવ્યું છે. પરમારે કહ્યું કે મારી સામે ષડયંત્ર છે જે ઘણા વર્ષોથી થઇ રહ્યું છે. હું કેવી રીતે મરી-મરીને જીવી રહ્યો છું. હું લડાઇમાં છું. બીજેપી પ્રમુખ જેપી નડ્ડા પર આરોપ લગાવતા કહ્યું કે અમે એક સાથે ભણ્યા, એકસાથે રૂમમાં રહ્યા છીએ. 2017થી ખબર નથી કે શું થયું. મારો દોસ્ત દુશ્મન બની ગયો. મારી મજાક બનાવવામાં આવી હતી.