Himachal Pradesh Vidhan Sabha Chunav Result Analysis: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવ્યું છે. કોંગ્રેસે કુલ 68 વિધાનસભા સીટોમાંથી 40 સીટો પર જીત મેળવી છે. બહુમતનો આંકડો મેળવી લીધો છે અને કોંગ્રેસ પ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપાને ફક્ત 25 સીટો મળી છે. જોકે ખાસ વાત એ છે કે કોંગ્રેસ ફક્ત 37,974 વોટ વધારે મેળવીને ભાજપને હરાવવા સફળ રહ્યું છે.
શું કહે છે આંકડા?
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ભાજપ કરતા ફક્ત 37,974 વોટ વધારે લાવીને સત્તા મેળવવા સફળ રહી છે. કોંગ્રેસને કુલ 18,52,504 વોટ અને ભાજપાને કુલ 18,14,530 મળ્યા છે. વોટ શેરની વાત કરવામાં આવે તો કોંગ્રેસનો વોટ શેર 43.9 ટકા અને ભાજપાનો વોટ શેર 43 ટકા રહ્યો છે. બન્ને પાર્ટીઓ વચ્ચે વોટ શેરનું અંતર ફક્ત 0.9 ટકા છે. જે 1951 પછી સૌથી ઓછું છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 48.79 ટકા હતો અને 44 સીટો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 21 સીટો મળી હતી અને બન્ને દળોના વોટ શેર વચ્ચે 7.11 ટકાનું અંતર હતું.
આ પણ વાંચો – આઝાદી પછી પ્રથમ વખત ભાજપે આ 2 બેઠક પર વિજય મેળવ્યો, આદિવાસી વિસ્તારમાં દબદબો બનાવ્યો
2022ના પરિણામોનું વિશ્લેષણ કરતા એ વાત પણ સામે આવી છે કે 40 વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રસ એવરેજ 5784 વોટના અંતરેથી જીત્યું છે. જ્યારે ભાજપાએ જે 25 સીટો પર જીત મેળવી છે તેમાં એવરેજ 7427 વોટનું રહ્યું છે. બધી 68 સીટો પર જીતની એવરેજ 6575 વોટ છે.

મુખ્યમંત્રી જયરામ ઠાકુર સૌથી વધારે વોટથી જીત્યા
રાજ્યમાં સૌથી વધારે વોટથી જીતવાના મામલે મુખ્યમંત્રી જયરામ ઠાકુર છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સામે 38,183 મતથી વિજય મેળવ્યો છે. સૌથી ઓછા વોટના અંતરે જીત કોંગ્રેસના ઉમેદવારે મેળવી છે. ભોરંજથી કોંગ્રેસના સુરેશ કુમારે ભાજપાના ડો. અનિલ ધીમાન સામે ફક્ત 60 મતોથી વિજય મેળવ્યો છે.
8 સીટો પર 1000થી ઓછા વોટનું અંતર
કુલ મળીને 8 સીટ પર 1000થી ઓછા વોટના માર્જિનથી વિજય થયો છે. જેમાં પાંચ સીટ – ભોરંજ (60), શિલાઇ (382), સુજાનપુર(399), રામપુર (567)અને શ્રી રેણુકાજીમાં(860) કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે ભાજપે ત્રણ સીટ જીતી છે. જેમાં શ્રી નૈના દેવીજી(171), બિલાસપુર (276)અને દરંગ (618) છે.