Himachal Pradesh Assembly Exit Poll: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ સીટ નહીં મળે એવું અનુમાન છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં હિમાચલ પ્રદેશમાં 22 એવી સીટો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 3 ટકા જ અંતરનું અનુમાન છે.
એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ હિમાચલ પ્રદેશના એક્ઝિટ પર જણાવ્યું હતું કે અમારા બધા જ સર્વેમાં બે દળ વચ્ચેનું અંતર ત્રણ ટકાનું જ છે. આ સીટો ઉપર કોઇપણ દળ જીતી કે હારી શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં કેટલાક વર્ષોનો ઇતિહાસ રહ્યો છે કે દર પાંચ વર્ષ બાદ જનતા સત્તા પરિવર્તન કરે છે.
પ્રદીપ ગુપ્તાનું કહેવું છે કે 22 સીટો ઉપર ભાજપના બળવાખોર નેતાઓ છે. જો જરા પણ સફળ થયા તો ભાજપનો ખેલ બગાડી શકે છે. તેમણે કહ્યું કે 2017ની ચૂંટણીમાં 20થી વધારે સીટો એવી હતી જ્યાં હાર-જીનું અંતર ત્રણ હજારથી પણ ઓછું હતું. જ્યારે આ વખતે 22 સીટો ઉપર દોઢ હજાર મતોના અંતરથી હાર-જીત થઈ શકે છે.
કઈ સીટો ઉપર હાર-જીતનું ઓછું અંતર
હિમાચલ પ્રદેશની જે મહત્વની બેઠકો અંગે એક્ઝિટ પોલમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે સામાન્ય અંતરનું અનુમાન છે એમાં મનાલી, બડસર, સુઝાનપુર, સરકાઘાટ, જોગિંદરનગર, ધરમપુર, જવાલી, ઇન્દોર, ભરમૌર, લાહૌલ સ્પીતિ, બેજનાથ, જસવાન પ્રાગપુર, ઉના, ઝંદૂતા, ધુમારવીં, બિલાસપુર, અરકીનો સમાવેશ થાય છે.
શું કહે છે એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ
પાંચ ડિસેમ્બરે ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામો આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં સત્તા પરિવર્તનના આસાર છે. જોકે, બાકી એજન્સીઓના સર્વેમાં ભાજપની વાપસી દેખાઈ રહી છે. એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં ભારત 24-34, કોંગ્રેસ 30-40 સીટો મેળવી શકે છે. જોકે આમ આદમી પાર્ટીને એક પણ સીટ ન મળવાનું અનુમાન છે.
આ ઉપરાંત ટુડે ચાણક્યાના એક્ઝિટ પોલમાં ભાજપને 33, કોંગ્રેસને 33 સીટો મળવાનું અનુમાન છે. આ ઉપરાંત ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપને 35-40, કોંગ્રેસને 26-31 સીટો મળી શકે છે.