Himachal Pradesh Exit Polls Analysis : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખૂબ જ નજીકની લડાઈ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. 68 સભ્યોની હિમાચલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ વચ્ચેની નજીકની લડાઈની આગાહી કરતા, એક્ઝિટ પોલ્સે આગાહી કરી હતી કે, ભાજપને લીડ મળશે અને સાધારણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે.
ચાર એક્ઝિટ પોલ્સે ભાજપને 32-40 સીટોની રેન્જમાં સીટો આપી છે, જ્યારે એક્સિસ માય ઈન્ડિયા પોલે કોંગ્રેસને 30-40 સીટોની લીડ આપી છે. હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન થયું હતું અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
હિમાચલ ચૂંટણીના પ્રચારમાં ભાજપે તેના વિકાસ એજન્ડા પર ભાર મૂક્યો હતો. તો, મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે સેંકડો કરોડના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી. એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પ્રચારના ચહેરા તરીકે રજૂ કરવાનું ભાજપ માટે સફળ સાબિત થયું છે. રાજ્યના હાઈવે પર એવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં માત્ર પીએમનો જ ચહેરો જ દેખાશે, જ્યારે સીએમ ઠાકુરની તસવીરો તેમાંથી ગાયબ હતી.
હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલ
પીએમ મોદીએ ચૂંટણી માટે ટૂંકા ગાળામાં ઘણી વખત હિમાચલની મુલાકાત લીધી હતી, ઉના વંદે ભારત અને બિલાસપુરમાં એઈમ્સ જેવા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રાજ્ય સાથેના તેમના અંગત જોડાણ વિશે વારંવાર વાત કરી છે, તેમણે હિમાચલને તેમનું “બીજું ઘર” ગણાવ્યું છે.
ટિકિટ વહેંચણી બાદ ભાજપની સૌથી મોટી અડચણ આંતરિક બળવાના રૂપમાં આવી હતી. ભાજપના બળવાખોર ઉમેદવારોએ 20થી વધુ બેઠકો પર અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. તેમનો સામનો કરવા માટે, પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને તૈનાત કર્યા અને તેમણે જોરશોરથી પ્રચાર કરવા માટે કોઈ કસર છોડી ન હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનેક વખત રાજ્યની મુલાકાત લીધી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ 5 દિવસના ગાળામાં 16 થી વધુ રેલીઓ કરી હતી.