ં
હિમાચલ પ્રદેશમાં મંત્રીમંડળનું રવિવારે, 8 જાન્યુઆરી, 2023ના રોજ વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે રાજભવનમાં નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. શિમલામાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીની હાજરીમાં મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
સુખવિન્દર સિંહ સુખુના કેબિનેટમાં 7 નવા મંત્રી સામેલ
હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. રાજયમાં રચાયેલી નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે. મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓ ઉમેરવામાં આવ્યા છે. જેમાં હિમાચલ પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. મંત્રીમંડળમાં સામેલ થનાર 7 નવા ધારાસભ્યોમાં ડૉ. ધની રામ શાંડિલ, ચંદર કુમાર, હર્ષવર્ધન ચૌહાણ, જગત સિંહ નેગી, રોહિત ઠાકુર, અનિરુદ્ધ સિંહ અને વિક્રમાદિત્ય સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરશે
આની પહેલા મુખ્યમંત્રી સુખુનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મંત્રીમંડળને લગતી સંભવિતોની યાદી કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલી દેવામાં આવી છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાદીને મંજૂરી આપ્યા બાદ જ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
શિમલામાં પત્રકારો સાથે વાતચિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “મંત્રીમંડળ અંગે ચર્ચાઓ થઈ છે. અમે અમારી દરખાસ્ત હાઈકમાન્ડને આપી છે. ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. અમે યાદી સુપરત કરી છે, યાદી આવતાની સાથે જ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ મહિને અમારી કેબિનેટની રચના કરવામાં આવશે અને પહેલી જ કેબિનેટમાં અમે જૂની પેન્શન સ્કીમ (OPS) લાગુ કરીશું.”
સુખવિંદર સિંહ સુખુના મુખ્યમંત્રી બન્યા બાદના એક મહિના બાદ કેબિનેટનું વિસ્તરણ
નોંધનિય છે કે, હિમાચલ પ્રદેશમાં રચાયેલી નવી સરકારમાં મંત્રીમંડળમાં 10 જગ્યાઓ ખાલી હતી, કારણ કે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કુલ પ્રધાનોની સંખ્યા 12થી વધુ ન હોઈ શકે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ થયા ડિસેમ્બર 2022માં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ શપથ લીધા ત્યારબાદથી જ નવા મંત્રીઓના નામને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી જેનો અંત આવ્યો છે.