Hindi Languages imposition row : ‘હિન્દી’ ભાષા (Hindi Languages) સામે દક્ષિણના રાજ્યોનો વિરોધ બહુ જાણીતો છે અને તાજતેરમાં ગૃહમંત્રી અમિત શાહ (amit shah)ની આગેવાની હેઠળની રાજભાષા સમિતિએ (Languages panel recommendations) રાષ્ટ્રપતિને સોંપેલા 11માં અહેવાલથી આ મામલે વિવાદ ફરી વકર્યો છે.
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની રાજભાષા સમિતિના અહેવાલનો 11મો રિપોર્ટ, જે ગત મહિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરવામાં આવ્યો હતો, તે મામલે તમિલનાડુ અને કેરળના મુખ્યમંત્રીઓમાં આક્રોશ સર્જાયો છે, કારણ કે તેમનું માનવું છે, કેન્દ્ર સરકાર દ્વારા બિન-હિન્દીભાષી રાજ્યો પર હિન્દી ભાષા ઠોકી બેસાડવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જો કે, સમિતિના સભ્યોએ દલીલ કરી હતી કે તેમની પ્રતિક્રિયા “ખોટી” હતી કારણ કે આ અહેવાલની કથિત સામગ્રીઓ અંગે વહેતા થયેલા મીડિયા રિપોર્ટ્સ “ભ્રામક” હતા. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવેલા અહેવાલની તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.
રાજભાષા સમિતિ શું છે?
રાજભાષા પરની સંસદીય સમિતિની સ્થાપના 1976માં રાજભાષા અધિનિયમ, 1963ની કલમ 4 હેઠળ કરવામાં આવી હતી.
આ સમિતિની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ પ્રધાન કરે છે, અને 1963ના કાયદાની જોગવાઈઓ અનુસાર તેમાં 30 સભ્યો હોય છે – જેમાં લોકસભાના 20 સાંસદો અને રાજ્યસભાના 10 સાંસદો સામેલ હોય છે. આ સમિતિનું કાર્ય સત્તાવાર હેતુઓ માટે હિન્દીના ઉપયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનું અને સત્તાવાર સંદેશાવ્યવહારમાં હિન્દીનો ઉપયોગ વધારવા માટેની ભલામણો કરવાનું છે.
સમિતિનું નામ થોડીક ગેરસમજ ઉભી કરનારું છે, આનું કારણ એ છે કે અન્ય સંસદીય સમિતિઓથી વિપરીત રાજભાષા અંગેની સંસદની સમિતિની રચના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે, અને તે સંસદની સમિતિઓની જેમ સંસદમાં તેનો અહેવાલ રજૂ કરતી નથી. 1963ના અધિનિયમની જોગવાઈઓ હેઠળ, આ પેનલ તેનો અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરે છે, ત્યારબાદ આ અહેવાલને સંસદના દરેક ગૃહ સમક્ષ મૂકવામાં આવે છે અને તમામ રાજ્ય સરકારોને મોકલાય છે”.
શાહ પેનલે નવા અહેવાલમાં શું ભલામણ કરી?
અમિત શાહની આગેવાની હેઠળની આ સમિતિના અન્ય સભ્યો દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ મુર્મુને સુપરત કરાયેલા અહેવાલની માહિતી સાર્વજનિક કરાઇ નથી. સમિતિના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે લગભગ 100 ભલામણો કરી છે, જેમાં હિન્દી ભાષી રાજ્યોમાં IIT, IIM અને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં શિક્ષણનું મીડિયમ હિન્દી હોવું જોઈએ. આ પેનલમાં ભાજપનું પ્રતિનિધિત્વ સૌથી વધારે છે – મોટાભાગના સભ્યો શાસક પક્ષના છે – અને તેમાં બીજેડી ઉપરાંત કોંગ્રેસ, જેડીયુ, શિવસેના, એલજેપી, આપ પાર્ટી અને ટીડીપી પાર્ટીના સાંસદોનો પણ સમાવેશ થાય છે.
એક સુત્રે આ અહેવાલની ભલામણો અંગે માહિતી આપતા જણાવ્યુ કે, “સરકારી વહીવટમાં સંદેશાવ્યવહાર માટે વપરાતી ભાષા હિન્દી હોવી જોઈએ, અને શાળામાં અભ્યાસક્રમ હિન્દીમાં ભણાવવાના પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ તે ફરજિયાત નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાનમાં નીચલી અદાલતો પહેલેથી જ હિન્દીનો ઉપયોગ કરે છે. અન્ય રાજ્યોની ઉચ્ચ અદાલતો, જ્યાં કાર્યવાહીની નોંધ અંગ્રેજી અથવા પ્રાદેશિક ભાષામાં કરવામાં આવે છે, તે હિન્દી અનુવાદમાં ઉપલબ્ધ કરાવી શકાય છે, કારણ કે અન્ય રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાઓ ઘણીવાર જે-તે રાજ્યોની અદાલતના ચુકાદાઓમાં પણ ટાંકવામાં આવે છે.”
કેન્દ્ર સરકારના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ કે જેઓ હિન્દીભાષી રાજ્યોમાં હિન્દીનો ઉપયોગ કરતા નથી આ બાબતની પેનલે ગંભીરતાપૂર્વક નોંધ લીધી હોવાનું જાણવા મળે છે. આ પેનલ રાજ્ય સરકારોના અધિકારીઓને ચેતવણી આપવા માંગે છે કે હિન્દીનો ઉપયોગ કરવાની તેમની અનિચ્છા તેમના વાર્ષિક પર્ફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (APAR)માં પ્રતિબિંબિત થશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
એક સૂત્રએ જણાવ્યું હતુ કે, “આ સમિતિની જવાબદારી અને ભૂમિકા છે કે સત્તાવાર સંદેશાવ્યવહારમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવામાં આવે, અને તે માટેની ભલામણો કરવાની છે. સરકારી વહીવટી સંદેશાવ્યવહારો, જેમાં પત્રો અને ઇમેઇલ, ભરતી પરીક્ષાઓ માટેના પ્રશ્નપત્રો, સરકાર અને તેના વિભાગો દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો, તે હિન્દીમાં હોવો જોઈએ.”
સુત્રોએ ઉમેર્યું હતું કે “સત્તાવાર પત્રો અને આમંત્રણોમાં ભાષાને સરળ બનાવવા માટે ચોક્કસ દરખાસ્તો છે.” સૂત્રએ જણાવ્યું હતું કે, આનો “ગર્ભિત અર્થ” એ થાય છે કે “સત્તાવાર સંદેશાવ્યવહારમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ ઘટાડવો અને હિન્દીનો ઉપયોગ વધારવા માટેના ઇરાદાપૂર્વક પ્રયાસ કરવા જોઈએ”, સૂત્રએ જણાવ્યું હતું. “ઘણી સરકારી નોકરીઓમાં હિન્દીનું જ્ઞાન ફરજિયાત બનશે,” તેમણે કહ્યું.
“ના, એવું નથી,” ભાજપના વરિષ્ઠ સાંસદ અને સમિતિના ઉપાધ્યક્ષ ભર્તૃહરિ મહતાબે ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું. “કેરળ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓની પ્રતિક્રિયા ગેરમાર્ગે દોરનારી માહિતી પર આધારિત હોય તેવું લાગે છે, કારણ કે રાજભાષા સમિતિની ભલામણો પરના કેટલાક મીડિયા રિપોર્ટ ભ્રામક હતા.”
મહતાબના જણાવ્યા અનુસાર, “ધી ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ, 1963 તેમજ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન (ઓફ ધી એક્ટ), 1976 મુજબ તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોને મુક્તિ આપવામાં આવી છે. આ કાયદો ફક્ત ‘A’ કેટેગરીના રાજ્યોમાં જ લાગુ કરવામાં આવે છે, જ્યાં સત્તાવાર ભાષા હિન્દી છે.
આ નિયમો અનુસાર, પ્રદેશ ‘A’ કેટેગરીમાં આવતા રાજ્યોમાં બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. તો ‘B’ કેટેગરીમાં સામેલ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશો ચંદીગઢ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી છે. અન્ય રાજ્યો, જ્યાં હિન્દીનો ઉપયોગ 65 ટકાથી ઓછો છે, તેવા રાજ્યોનો સમાવેશ ‘C’ કેટેગરીમાં થાય છે.
આ સમિતિએ એવું સૂચન કર્યું છે કે ‘A’ કેટેગરીના રાજ્યોમાં હિન્દીનો “100 ટકા” ઉપયોગ કરવા પ્રયાસો કરવા જોઈએ. ‘A’ કેટેગરીના રાજ્યોમાં આઇઆઇટી, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષણનું માધ્યમ હિન્દી હોવું જોઈએ, જ્યારે અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાનો ઉપયોગ થવો જોઈએ, એવી ભલોમણો સમિતિએ કરી હોવાનું જાણવા મળે છે.
સરકારી વિભાગોમાં હિન્દીના ઉપયોગ અંગે મહતાબે કહ્યું: “રક્ષા અને ગૃહ મંત્રાલયોમાં હિન્દીનો ઉપયોગ 100 ટકા છે પરંતુ શિક્ષણ મંત્રાલય હજી તે સ્તરે આવ્યું નથી. સમિતિ પાસે ભાષાના ઉપયોગનું મૂલ્યાંકન કરવા માટે ચોક્કસ માપદંડો હતા અને તેને જાણવા મળ્યું છે કે દિલ્હી યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, બનારસ હિન્દુ યુનિવર્સિટી અને એએમયુ સહિતની ઘણી કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં હિન્દી ભાષાનો ઉપયોગ માત્ર 25-35 ટકા છે જ્યારે હકીકતમાં તે 100 ટકા હોવો જોઈએ.”
શું આવી ભલામણો પહેલીવાર કરવામાં આવી છે?
બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું હતું કે આઝાદી થયા બાદ પ્રથમ 15 વર્ષ માટે હિન્દી અને અંગ્રેજી બંને સત્તાવાર ભાષાઓ તરીકે ઉપયોગમાં લેવાવી જોઈએ, પરંતુ દક્ષિણમાં હિન્દી વિરોધી તીવ્ર આંદોલનોને પગલે કેન્દ્રએ જાહેરાત કરી કે 1965 બાદ પણ અંગ્રેજીનો ઉપયોગ ચાલુ રહેશે. 18 જાન્યુઆરી, 1968ના રોજ સંસદે ભારત સરકાર દ્વારા સત્તાવાર હેતુઓ માટે હિન્દીનો ઉપયોગ વધારવા હેતુ એક વ્યાપક કાર્યક્રમ બનાવવા માટે રાજભાષાનો ઠરાવ પસાર કર્યો.
બંધારણના અનુચ્છેદ 351 દ્વારા હિન્દીના સક્રિય પ્રચાર સાથે, સત્તાવાર સંદેશાવ્યવહારમાં હિન્દીના ઉપયોગની સમીક્ષા કરવા અને પ્રોત્સાહન આપવા માટે રાજ ભાષા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિનો પ્રથમ અહેવાલ 1987માં સુપરત કરવામાં આવ્યો હતો. 2011માં તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમની આગેવાની હેઠળની પેનલ દ્વારા સબમિટ કરાયેલા નવમાં અહેવાલમાં 117 ભલામણો કરવામાં આવી હતી, જેમાં સરકારી કચેરીઓમાં કોમ્પ્યુટરમાં હિન્દીનો ઉપયોગ વધારવાના સૂચનો પણ સામેલ હતા.
“આ સમિતિ ભલામણ કરે છે કે તમામ મંત્રાલયો/વિભાગોએ તરત જ દ્વિભાષી કમ્પ્યુટરની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને અધિકારીઓને તાલીમ આપવી જોઈએ…જેથી તેઓ હિન્દીમાં પણ કામ કરી શકે…” એવું ચિદમ્બરમની આગેવાનીવાળી સમિતિ જણાવ્યું હતું. જો કે આ ભલામણોની ટીકા પણ કરવામાં આવી હતી, અને તમિલનાડુમાં ખાસ કરીને કથિત “હિન્દી થોપવા” અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
દક્ષિણના રાજ્યોમાં હિન્દી ભાષી પાર્ટી ગણાતી ભાજપે કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોએ ‘હિન્દીને કથિત પણ ઠોકી બેસાડવાની’ દાયકાઓ જૂની ચિંતાને હવા આપી છે. સંસદમાં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા હિન્દીમાં પ્રશ્નોના જવાબ આપવાને લઈને વિપક્ષો વર્ગમાં, ખાસ કરીને તમિલનાડુના સભ્યોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કર્ણાટકમાં સાઈનબોર્ડ અને પોસ્ટરમાં હિન્દીના ઉપયોગને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો છે.
રાજભાષા અંગે નવી શિક્ષણ નીતિ શું કહે છે?
વર્ષ 2020માં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ની જાહેરાતે પણ આ મુદ્દે વિવાદ ઉભો કર્યો હતો. દક્ષિણ ભારતના રાજકારણીઓએ નવી શિક્ષણ નીતિમાં “હિન્દી અને સંસ્કૃત ભાષા લાદવાના” પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો; જોકે, કેન્દ્ર સરકાર કહ્યું હતું કે, તે માત્ર પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ કહે છે કે, શાળામાં ભણાવવા માટે ધોરણ 5 સુધી અને શક્ય બને તો ધોરણ 8 સુધી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા પહેલી પસંદ રહેશે.