ગતાંકથી ચાલુ..રમેશ જોગલ ૧૦૫ મીમી ગન (તોપ) ચલાવવાની તાલીમ.
“ચોવીસ ફૂટ લાંબી, આઠ ફૂટ પહોળી અને લગભગ છ ફૂટ ઉંચી આ તોપને ચલાવવા માટે ૧૧ સૈનિકોની જરૂર પડે છે, જેમાં યુનિટ કમાન્ડર, ગન લેયર, લોડર્સ, દારૂગોળો હેન્ડલર્સ અને અન્યનો સમાવેશ થાય છે.”ઇન્સ્ટ્રકટર, “અત્યાર સુધી માં કોઈ પ્રશ્નો?”રમેશ, “સર, આ રીકોઈલ એટલે શું?ઇન્સ્ટ્રકટર, “ ન્યુટન નામનાં એક વ્યક્તિ એ શોધ્યું હતું, “એવરી એક્શન હેઝ એન ઇકવલ એન્ડ ઓપોઝીટ રીએક્શન.”અર્થાત: “આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.”બાપ્પા, “માત્ર કોઈ વ્યક્તિ નહીં! આઈઝેક ન્યુટન વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક હતાં.”ઇન્સ્ટ્રકટર, “દોસ્તો સાવ સાદું ગણિત છે. જ્યારે પણ તમે કોઈ રાયફલ કે પછી તોપને ફાયર કરો ત્યારે જેટલાં ફોર્સથી તેનું પ્રક્ષેપક કે શેલ અથવા બુલેટ આગળની તરફ જાય એટલા જ ફોર્સથી વેપન પાછળ તરફ જાય.”
“હવે આગળ વધીએ, તાલીમનું ટેન્શન હળવું કરતાં ઇન્સ્ટ્રકટર ચહેરા પર હળવા સ્મિત સાથે એક શેલ પર હાથ થપથપાવતા બોલ્યા. “૧૦૫ મીમી શેલ હાઈ એક્સપ્લોઝીવ, રાસાયણિક, સ્મોક અને ઇલ્યુમીનેશન (રોશની) જેવાં ઘણા અલગ અલગ ફ્લેવર્સમાં આવે છે.”ઇન્સ્ટ્રકટર, પ્રત્યેક રાઉન્ડની મઝલ વેલોસીટી, રેંજ અને ચાર્જ વિષે સમજાવતાં ગયા.બાપ્પાએ રમેશ નાં કાનમાં સવાલોનો મારો ચલાવ્યો, “કંઈ સમજાતું નથી! આ બધું કોણ યાદ રાખશે? “શું આ તોપ ચલાવતા પહેલાં આપણે આ બધું શીખવું પડશે?”ઇન્સ્ટ્રકટર તોપને સપોર્ટ કરતી લોખંડની ફ્રેમ તરફ આંગળી ચીંધીને સમજાવી રહ્યા હતાં, “રીક્રુટ્સ, તોપનું કેરીજ સ્પ્લીટ-ટ્રેલ ટાઈપનું છે. તોપનાં પરિવહન માટે તેને બંધ કરી શકાય અને તોપમારા સમયે સપોર્ટ માટે ખોલી શકાય.”
બાપ્પા “સ્પ્લીટ શું?રમેશ, “શ..શ..”ઇન્સ્ટ્રકટર, “હવે આપણે જોઈશું કે આ તોપ કામ કેવી રીતે કરે છે.”મુખ્ય ઇન્સ્ટ્રકટરનાં સાથીઓ આગળ આવ્યા એક ભારી શેલ ઉપાડી તેને પાવડર ચેમ્બરમાં ધકેલી તેને બંધ કરી. એક વ્યક્તિ એ ઉંચે અવાજે કેટલાક આંકડાઓ બોલ્યા. તોપચીએ ધાતુનાં એક વ્હીલને ઘુમાવ્યું અને બેરલનાં એન્ગલ અને હાઈટને એડજસ્ટ કરી. હવે ઇન્સ્ટ્રકટરે ઉંચે અવાજે આદેશ આપ્યો, “સ્ટેન્ડ બેક!” તોપચીએ ફાયરીંગ કોર્ડ ખેંચ્યો એટલે શેલ ગગનભેદી ગર્જન સાથે લોન્ચ થયો અને સફેદ ધુમાડાનો એક વિશાળ ગોળો તેની સાથે-સાથે આકાશે જઈ ઓગળી ગયો.
અચાનકથી કાનનાં પડદા ફાડી નાખે તેવાં અવાજ માટે તાલીમાર્થીઓ તૈયાર નહોતાં. રમેશે ઝડપથી તેનાં હાથ કાન પર વીંઝ્યા અને પ્રશિક્ષક તરફ ઘૂરીને જોયું.“શીખવા માટે થોડા ફટાકડા ફોડવાની મજા જ કંઈ ઓર છે, “ઇન્સ્ટ્રકટર હસ્યા.“હવે તમે જોયું કે આ રમકડાને ફાયર કરવું કંઈ સહેલું કામ નથી. મારાં તોપચીઓ લોડ, ટારગેટ એડજસ્ટ અને ફાયર આ ત્રણે કાર્ય એક કરતાં ડર મીનીટે એક રાઉન્ડ ફાયર કરી શકે છે. હા, તેઓ બધાં જ સારી રીતે પ્રશિક્ષિત અને અત્યાધિક અનુભવી છે. તમે પણ આ શસ્ત્રને વાપરતાં બરોબર શીખી જશો એટલે બહુ બધાં દુશ્મનોનો ખાત્મો કરી શકશો.”
કોઈએ પ્રત્યેક રીક્રુટને ફિલ્ડ આર્ટીલરી મેન્યુઅલનું પુસ્તક આપ્યું. “આ ખાલી વાંચવા માટે નથી,” ઇન્સ્ટ્રકટરે કહ્યું. “આ પુસ્તકને યાદ કરી લો.”બાપ્પા બસ્સો પાનાંનું એ પુસ્તક હાથમાં લઇ ઇન્સ્ટ્રકટર તરફ જોઈને બોલ્યો, “મારે આના પાને-પાનાંને યાદ રાખવું પડશે?”
બાપ્પા ઇન્સ્ટ્રકટરની પ્રતિક્રિયા સાંભળવા માટે રાહ જોઈ રહ્યો હતો. ઇન્સ્ટ્રકટરે ન તેને કોઈ ભાવ આપ્યો અને ન કંઈ જવાબ.રમેશ મેન્યુઅલ ખોલીને ફિલ્ડ આર્ટીલરીની ભૂમિકા વિષેનો, સેક્શન-૧નો પ્રથમ પેરેગ્રાફ વાંચવાનું શરુ કરે છે. “ફિલ્ડ આર્ટીલરી લાંબી દૂરીની લડાઈ માટે એક સહાયક દળ છે. સામુહિક આર્ટીલરી તોપમારામાં વિનાશ અને બિન-અસરકારક કરવાની મહાન શક્તિ નિહિત છે.”માથું ખંજવાળતા રમેશ આગળ વાંચે છે, “ફિલ્ડ આર્ટીલરીનું મૂળ મિશન, તોપમારાનાં વર્ચસ્વ દ્વારા દુશ્મનનાં વિનાશ અને દમન થકી તેને પ્રભાવહીન કરી ઇન્ફેન્ટ્રીની આગેકૂચને સમર્થન આપવાનું છે.”
ફાયરીંગ મેન્યુઅલનું અધ્યયન કરતાં રમેશ કહે છે, “મને લાગે છે કે આપણે જલ્દીથી તોપ વિશે તેને લોડ અને ફાયર કરવા વિશે શીખવું જ પડશે.રમેશ મેન્યુઅલ જોરથી વાંચી રહ્યો છે, “તોપનાં પ્રત્યેક કૃ મેમ્બરનાં પ્રદર્શનમાં સટીકતા અત્યંત આવશ્યક છે; શરૂઆતથી જ તેનાં પર જોર દેવાથી તે શક્ય બની શકે છે. વ્યક્તિગત ડ્યુટીને ઝડપથી કરવાનાં ચક્કરમાં તોપમારાની સટીકતા પર કોઈ કીમતે અસર પડવી જોઈએ નહીં.”“વીસ કિલોમીટર છેવાડેનાં લક્ષ્ય પર ફાયર કરતી વખતે સટીકતા કેવી રીતે શક્ય બને?” રાજીવે પૂછ્યું.“એ જ તો આપણે શીખવાનું છે, રાજીવ.”
“દારૂગોળાને હેન્ડલ કરતી વખતે જે સાવધાની રાખવાની છે તેનાં પર પણ એક લાંબુ સેક્શન છે.”રમેશ બોલ્યો.રાજીવ બોલ્યો, “એટલે તોપગોળાનું હેન્ડલિંગ ખતરનાક છે.”રમેશ, “હું તેને ‘જીવલેણ’ કહીશ. અહીં લખ્યું છે કે તોપગોળાને ઉછાળવો, ગબડાવવો કે પટકવો નહીં; તેની આસપાસ બીડી એક સિગરેટ પીવી નહીં; તેની સાથે છેડ-છાડ કરવી નહીં; તેને આગથી દૂર રાખવો.”
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી – ૯, એક દિવસ રવિરાજે જ્યારે રમેશ જોગલને કહ્યું “મારે તો હવે અહીંથી ભાગી જવું છે”
ઇન્સ્ટ્રકટરે આપેલી આર્ટીલરીની માહિતી કોણે કેટલી ગ્રહણ કરી એ તો બધા જવાનો જ જાણે! રોજ બરોજ રીક્રુટ્સ તેમનાં ઇન્સ્ટ્રકટરને ક્લાસમાં મળતાં રહે છે અને આ જાજરમાન શસ્ત્ર વિષે વધુને વધુ શીખતા રહે છે. બધાનો અલગ-અલગ રોલ છે; તોપચી, સહાયક તોપચી, તકનીકી સહાયક, લોડર, તોપગોળા વાહક, ડ્રાઈવર, ફોરવર્ડ ઓબ્ઝર્વર, રેડિયો ઓપરેટર વગેરે વગેરે.
રીક્રુટ્સને તેમનું કામ શીખવાઈ રહ્યું છે. ગન કૃને અનુશાસિત રહેવા, સુરક્ષા નિયમોનું પાલન કરવા, હર સમય અને બધી જ પરિસ્થિતિઓમાં જાગરુક રહેવા, ઉપકરણોનાં રખરખાવ અને હંમેશા ફાયરીંગ માટે તૈયાર રાખવા અંગેનાં નિર્દેશ આપવામાં આવે છે. ઇન્સ્ટ્રકટર રીક્રુટ્સને તેમનાં કાનમાં ભરાવવા રૂનાં પૂમડા પણ આપે છે.
તેમને કહેવામાં આવે છે, “સેનામાં લાપરવાહી સહન કરવામાં આવતી નથી.” “જો તમે ફ્યુઝ બરોબર સેટ ન કર્યો, સાવ ટૂંકો કટ કર્યો કે જમીન પર પાડી દીધો કે પછી બ્રીચનાં કિનારે જામ કરી નાખ્યો તો એનાં બ્લાસ્ટ થવાની પૂરી શક્યતા છે જેમાં તમારી આંગળીઓ નહીં બચે.”
ક્રમશઃ