ગતાંકથી ચાલુ…‘પલટન કી તાકત સૈનિક, ઔર સૈનિક કી તાકાત પલટન; સૈન્યનો આત્મા કહો કે શરીર કહો એ સેક્શન છે. એકલો સૈનિક એ શરીરનું એક અંગ માત્ર છે.
રમેશની ટ્રેડ તાલીમ
રમેશ અને સાથીઓ રજા પરથી આવ્યા ત્યારે તેમની ટ્રેડ એક્ઝામનું રીઝલ્ટ નોટીસ બોર્ડ પર લાગી ચુક્યું હતું. દરેક રીક્રુટને આર્મી સર્વિસ નંબર અને ટ્રેડ આબંટીત થઇ ચૂક્યો હતો. રમેશ બેઝીક ટ્રેનીંગમાં સારા નંબરે ઉતીર્ણ થયો હતો. તેનાં નામ સામે આર્મી નંબર:૧૪૪૨૩૯૧૨-P અને ટ્રેડની સામે: ડીએમટી (મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર –તોપચી) લખ્યું હતું. રમેશની ૫/3 એડમ ટ્રેનીંગ રેજીમેન્ટનાં છોકરાઓને ગનર, ટેકનીકલ આસીસ્ટન્ટ અને રેડિયો ઓપરેટ ટ્રેડ પણ આબંટીત થયા હતાં. તેનાં દોસ્તોમાં રાજીવ અને બલ સિંહને ડીએમટી ટ્રેડ, જ્યારે મસરી ચાવડાને ગનર ટ્રેડ મળ્યો.
વર્ગો શરુ થયા..
ટ્રેડ પ્રશિક્ષણમાં વિભિન્ન વિષયો પરનાં ક્લાસીસનો સમય પણ સામેલ હતો. સૈનિકો તોપચી તરીકેની તેમની ફરજોને આત્મસાત કરે તે હેતુથી પ્રશિક્ષકો દ્વારા ૯૦ મિનીટનાં પીરીયડ દરમિયાન સેનાનાં વિભિન્ન મેન્યુઅલનો અભ્યાસ કરાવવામાં આવતો. મુખ્ય વિષયોમાં “કેર એન્ડ હેન્ડલિંગ એમ્યુનીશન,” “સ્મોલ આર્મ્સ,” “ફર્સ્ટ એઇડ,” “દારૂગોળો,” “આર્ટીલરી ટ્રાન્સપોર્ટ,” “મેપ રીડીંગ,” “સિગ્નલીંગ,” “ગનરી,” “ટેક્ટીક્સ” અને સામાન્ય વિષયો સામેલ હતાં.
રમેશની બેટરીનાં મુખ્ય પ્રશિક્ષક યાદવ દૂરથી રીક્રુટ્સને ક્લાસ માટે એકઠા થતાં જુએ છે. યાદવ, પ્રમોદ અને બીજા ત્રણ પ્રશિક્ષકો એક મહાકાય તોપ, તેનો દારૂગોળો અને બીજાં સાધનો સાથેનો સ્ટાલીયન ટ્રક ક્લાસની મધ્યમાં લાવીને ઉભો રાખે છે.
સામેનાં મહાકાય હથિયારની સાઈઝ જોઈને પહોળી થયેલી આંખે રાજીવ રમેશને પૂછે છે, “સ્ક્વોડ લીડર! આ શું છે? આપણે આ હથિયાર ચલાવવાનું છે?
રમેશ, “ચિંતાની કોઈ વાત નથી, રાજીવ. આપણે છ મહિના બેઝીક ટ્રેનીંગ જો પાર કરી શકતા હોઈએ તો પછી આ તોપ તો આપણી સામે કંઈ નથી.”યાદવ, “સ્ક્વોડ! કોઈ અવાજ નહીં કરે અને બધાનું ધ્યાન અહીં હોવું જોઈએ!”યાદવ એ મહાકાય શસ્ત્રની આસપાસ છોકરાઓને એકઠા કરી તેનાં ઈતિહાસ અને તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવે છે.“રીક્રુટ્સ આર્ટીલરી રેજીમેન્ટનું સૂત્ર છે: ‘સર્વત્ર ઇઝ્ઝત ઓ ઇકબાલ’.”સાથીઓ, આર્ટીલરી એટલે યુદ્ધનો રાજા – ‘કિંગ ઓફ ધ બેટલ’ અને તમે તેનો હિસ્સો બનવા જઈ રહ્યા છો. મને કહો કે તમારામાંથી કેટલા એ ફિલ્ડ ગનનું ફાયરીંગ જોયું છે?”
આ પણ વાંચોઃ- હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી – ૯, એક દિવસ રવિરાજે જ્યારે રમેશ જોગલને કહ્યું “મારે તો હવે અહીંથી ભાગી જવું છે”
રીક્રુટોમાં પીન-ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું. કોઈએ આ પહેલાં આવું કંઈ જોયું નહોતું.“સર, ફિલ્ડ ગન નો અર્થ શું?” કપાળ પરથી પરસેવો લૂછતા રાજીવ પૂછે છે.સ્ક્વોડ લીડર રમેશ ભવાં ચડાવીને, “શાંતિ રાખ ભાઈ. યાદવ સર બધું જ સમજાવશે. આ હથિયાર વિશે હજુ સુધી આપણને કોઈને કંઈ ખબર નથી.” યાદવ બંને વાતો કરતાં બંને રીક્રુટ્સ તરફ ઘૂરીને જુએ છે.
યાદવનું સમજાવી રહ્યા છે: “આર્ટીલરી એટલે યુદ્ધનો રાજા અને તમે બધાં તેનું સંચાલન કરવાનાં છો. હું તમને ખાતરી આપું છું કે આ કામ મુશ્કેલ બની રહેવાનું છે અને તમે એ શીખો એ તમારા ઇન્સ્ટ્રકટરો સુનિશ્ચિત કરશે.”
દોસ્તો તમે ચંદ બરડાઈની કવિતા તો સાંભળી જ હશે, “ચાર બાંસ ચોબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હૈ, મત ચૂકો ચૌહાણ”’ભારતીય સેનાના તોપચીઓ એટલે કે સૈન્ય ભાષામાં ‘ગનર્સ’ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણનો વારસો જાળવીને ચંદ બરડાઈ સમા ફિલ્ડ ઓબ્સર્વેશન ઓફિસર અથવા ઓપીના સંજ્ઞાન પર કેવળ નકશાની ગ્રીડ લોકેશન માત્રથી દુશ્મન ઠેકાણાઓ પર અચૂક વાર કરવામાં પાવરધા છે. લાંબી દૂરીનો આર્ટીલરી ફાયર મુખ્યત્વે પરોક્ષ રીતે કરવામાં આવે છે.”
“આના ગોળાની સાઈઝ તો જુઓ!” બાપ્પા ધીમેથી બોલ્યો. “પચીસેક કિલો તો હશે જ.”પાછળથી કોઈએ બાપ્પાને ચૂપ રહેવા ઈશારો કર્યો.પ્રશિક્ષક આગળ જણાવે છે, “તોપનો પોતાનો અલગ દારૂગોળો છે. એચ.ઈ.-હાઈ એક્સપ્લોઝીવ ગોળા(શેલ)નું વજન લગભગ ૨૦ કિલો હોય છે. કોઈ-કોઈ શેલનું વજન વધુ પણ હોઈ શકે. લોડિંગ, પોઝિશનિંગ અને ફાયરિંગ પાંચ મિનિટથી ઓછા સમયમાં થાય તો યુદ્ધ સમયે તમારો તોપમારો કાર્યક્ષમ છે તેમ કહી શકાય.”
“દરેક રાઉન્ડ દાગ્યા પછી, તોપની ટ્યુબની પાવડર ચેમ્બરની સફાઈ અને નિરીક્ષણ આવશ્યક છે. જો ભૂલ્યા તો અંદર વિસ્ફોટક પાવડરના અવશેષ એકઠા થવાથી બેરલ ટ્યુબ ધમાકાથી ફાટી શકે છે. અલબત્ત, યુદ્ધ સમયે નોન-સ્ટોપ એક પછી એક રાઉન્ડ ફાયરિંગ થઇ રહ્યું હોય ત્યારે નિરીક્ષણનો સમય મળે નહીં.”
આ તોપની સાથે બીજું મોટું સેફટી હઝાર્ડ-ખતરો તેની શક્તિશાળી હાઇડ્રોન્યુમેટિક રીકોઇલ સિસ્ટમ છે. તોપમારા સમયે માણસોને તોપથી સુરક્ષિત પણે દૂરી પર રાખવા ગનર એનસીઓ અને આસિસ્ટન્ટ ગનરનું કામ છે. તોપની રીકોઈલ સાથે અથડાવાથી માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. ‘સ્ટેન્ડ બેક’ નો અવાજ આવે એટલે ત્યાંથી તુરંત દૂર થઇ જાઓ તેમાં જ શાણપણ છે. રમેશ અને સાથી તાલીમાર્થીઓ એ પ્રચંડ શસ્ત્રને જોઈ રહ્યા છે, બેરલની દરેક બાજુએ બે મોટા પૈડા જોડાયેલા છે.
ક્રમશઃ